132 વર્ષ પહેલાં અમેરિકામાં ભારતીય નારીના શિક્ષણ અને નિવાસ માટે સંસ્થા સ્થાપી !

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-7
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
૧૮૯૩ના સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ રાઘવજી ગાંધીએ પ્રભાવશાળી દેખાવ કર્યો. વિશ્વધર્મ પરિષદના પ્રમુખ ર્જ્હોન હેન્રી બરોઝે સ્વયં એમની પ્રશંસા કરી અને એમને એમની યશસ્વી કામગીરી માટે રૌપ્ય ચંદ્રક અર્પણ કર્યો.
પોતાનું આ કાર્ય પૂર્ણ થયા પછી ૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધી વિચાર કરે છે કે વિશ્વધર્મ પરિષદનું કાર્ય પૂર્ણ થયું છે, જે હેતુ માટે આવ્યો હતો તે સિધ્ધ થયો છે. આથી સ્વદેશ પાછો જાઉં ! વળી વિચારે છે કે માત્ર એક ભાષણ આપીને હું હિન્દુસ્તાન પાછો ફરું તો મારા ધર્મની સેવા બજાવી ગણાય નહીં. મારે તો જૈન ધર્મની ઉદાત્ત ભાવનાઓનો સહુને પરિચય કરાવવો છે અને આથી એમણે અમેરિકનો માટે જૈન ધર્મના અભ્યાસ વર્ગો શરૂ કર્યા. સવારે અને સાંજે એમ બે વર્ગો ચાલવા લાગ્યા અને જૈન ધર્મથી સર્વથી અપરિચિત અમેરિકનોને જૈન તત્વજ્ઞાનમાં ઊંડો રસ લેતા કર્યા. ૧૮૯૫માં વીરચંદ ગાંધી અમેરિકા-ઇંગ્લેન્ડના પ્રવાસે જઈને મુંબઈ આવ્યા તે વખતે ચોપાનિયાં રૂપે પા આનાની વેચાણ કિંમતે આપેલાં અને 'જૈન યુગ' (પોષ ૧૯૮૩ પૃ.૨૩૪)માં પ્રગટ થયેલા એમના ચરિત્રની નોંધ જોઈએ ઃ 'અમેરિકાનાં ન્યૂઝપેપરો અને ચોપાનિયાંઓએ એક અવાજે એમનાં વખાણ કર્યા છે. કોઈ કોઈ ભાષણમાં તો ૧૦ હજાર માણસો હાજર હતા. કેટલાંએક ભાષણો સાંભળવાને લોકો સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા. ચિકાગોની ધર્મ સભામાં રૂપાનો અને કાસાડાગાના સમાજમાં ત્યાંની પ્રજા તરફથી એક સુવર્ણચંદ્રક એમને મળ્યો હતો.'
વિશ્વધર્મ પરિષદ પછી અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જવું, વ્યાખ્યાનની જાણકારી આપવી, પોસ્ટર્સ તૈયાર કરવાં અને સભાખંડ મેળવવો એ બધું વીરચંદ ગાંધીને એકલા હાથે શક્ય નહોતું. આથી એમણે અને ભારતના ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ તરીકે પૂનાથી આવેલાં કુમારી સોરાબજીએ આ દેશમાં વધુ લાંબો સમય રહેવાનું હોવાથી લેક્ચર બ્યૂરોની સહાય લીધી. એ સંસ્થાની સહાયથી એમનાં આટલાં બધાં પ્રવચનો ગોઠવી શકાયાં. એમનાં પ્રવચનોમાં વિશાળ મેદની એકઠી થતી હતી. ઘણી વ્યક્તિઓએ એ સાંભળીને માંસાહાર ત્યજી દીધો તથા કેટલાકે જૈન ધર્મની જીવનપ્રણાલી સ્વીકારી.
૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૮૯૫ માર્ચ સુધી અમેરિકાનાં શિકાગો, બોસ્ટન, વોશિંગ્ટન, ન્યૂયોર્ક, રોશેસ્ટર, ક્લીવલેન્ડ, કાસાડાગા, લીલીડેલ, લાપોર્ટ, બ્રુકલાઈન, શારોન, રોક્સબરી, એવનસ્ટન, હાઈલેન્ડપાર્ક જેવાં નગરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનાં ભિન્ન ભિન્ન વિષયો પર પ્રવચનો યોજાતાં રહ્યાં. આપણને આશ્ચર્ય એ થાય કે કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ના ખૂણામાં આવેલા મહુવા ગામના ઓગણત્રીસ વર્ષના આ યુવાને આટલા બધા ભિન્ન ભિન્ન વિષયોનું ક્યારે ઊંડું અવગાહન કર્યું હશે ? વળી તેઓ વિદેશી શ્રોતાઓ સમક્ષ અંગ્રેજી ભાષામાં પોતાના એ અંગેના વિચારો પ્રમાણભૂત રીતે વ્યક્ત કરી શકે છે, એવી એમની જ્ઞાનસજ્જતા આજેય આશ્ચર્યચકિત કરી દે છે. સ્વામી વિવેકાનંદને વીરચંદ ગાંધીની શક્તિ પર ઘણો વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં લખે છે કે વીરચંદ ગાંધી એક શહેરથી બીજે શહેર ભાષણો આપવાના છે અને તેમાં તે વિજય મેળવશે.
ધર્મ, સાહિત્ય અને રાજકારણના વિદ્વાન તથા જૈન ધર્મના ખ્યાતિપ્રાપ્ત સેવક મહાત્મા ભગવાનદીને લખ્યું છે,' વીરચંદ ગાંધી જેવા માનવીને ભારતની ભૂમિએ જન્મ આપ્યો ન હોત તો ૧૮૫૭ પછી ભારત એની ગરિમાનો પ્રભાવ બીજો કોઈ દેશ પર પાડી શક્યું ન હોત. તેઓ એક ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોના સર્વધર્મ સંમેલનમાં સામેલ થયા હતા તે ગૌણ બાબત છે. પણ અમેરિકામાં તેમણે આપેલા વકતવ્યથી સમગ્ર ભારતનું ગૌરવ વધ્યું અને અમેરિકામાં લોકોએ જાણે ઇશુને સાંભળી રહ્યા હોય એમ એમની વાતો સ્વીકારી.'
છેક ઇ.સ.૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એકવાર એમણે અમેરિકન લોકોને કહ્યું,' ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રોમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે.'
૧૮૯૩માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ! આ ધર્મજ્ઞાતા અનોખા ક્રાન્તદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાન્તદ્રષ્ટા, વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાન્તદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટયું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિંદુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ છ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતાં વીરચંદભાઈ '્રી ત્નટ્વૈહ ઓમરૈર્ઙ્મર્જૅરઅ' વિશેના એમના પ્રવચનમાં કહે છે ઃ
'આશ્ચર્યની વાત એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત અને જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સબૂત છે અને સમગ્ર વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કારીગરી, કલા, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, આતિથ્યસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર- બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શક્ત, પોતાની બનાવી શક્ત, પણ એવું બન્યું નથી અને બની પણ નહીં શકે.
'આપ સૌ જાણો છો કે અમે કોઈ સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક નથી. અમે તો મહારાણી વિક્ટોરિયાનાં પ્રજાજન છીએ, પરંતુ જો અમે સાચી રાષ્ટ્રીયતા બતાવી એક રાષ્ટ્રના સભ્ય હોવાનો ગર્વ લઈ શક્યા હોત અને અમારી પોતાની રાષ્ટ્રીય સરકાર અમારી પાછળ હોત, અને અમારી સંસ્થાઓનું કે અમારા કાયદાકાનૂનનું સંચાલન અમે સ્વેચ્છાએ અમારી મરજી મુજબ કરી શક્તા હોત, તો હું ખાતરીપૂર્વક કહું છું કે અમે વિશ્વના બધાં રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી એને કાયમ રાખવાનો સતત પ્રયત્ન આદરત. અમે તો સૌનું સન્માન કરવામાં માનીએ છીએ. નહિ કે કોઈના અધિકારો લઈ લેવા અગર કોઈની ભૂમિ પર છાપો મારવો. અમે તો રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કુટુંબભાવ અને ભ્રાતૃભાવ કેળવવામાં માનીએ છીએ અને સારીયે માનવજાતિની એકતા ઝંખીએ છીએ. સંસ્કૃતમાં એક કવિએ કહ્યું છે ઃ આ મારો દેશ છે, એવો સંકુચિત વિચાર સ્વાર્થી લોકો જ કરે છે. ઉદાર મનવાળા લોકો તો માને છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબમાત્ર છે.'
વીરચંદ ગાંધી માત્ર દર્શનશાસ્ત્રના પ્રસ્તુતકર્તા નહોતા. પણ ધાર્મિક અને સામાજિક સુધારણામાં જીવંત રસ દાખવતા હતા. એ જ રીતે એમને શિક્ષણમાં ઘણો ઊંડો રસ હતો. એ સમયે એમણે જોયું હતું કે કેળવણીથી જ નારી-સમાજની ઉન્નતિ થઈ શકે તેમ છે. ભારતીય નારી એ સમયે વહેમ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોથી શોષિત હતી. એમ કહેવાતું કે -
'ભાઈનું મન ભમે ભૂગોળમાં
અને બાઇનું ચૂલા મ્હાંય.''
આવે સમયે કેળવણી દ્વારા ભારતમાં નારીજાગૃતિ કરવાની ભાવના તેઓ ભૂલે કઈ રીતે ? આજથી ૧૩૨ વર્ષ પહેલાં એમણે અમેરિકામાં 'ૈંહંીહિટ્વંર્ૈહટ્વઙ્મ ર્જીષ્ઠૈીંઅ ર્કિ ંરી ઈઙ્ઘેષ્ઠટ્વંર્ૈહ ર્ક ઉર્દ્બીહ ૈહ ૈંહઙ્ઘૈટ્વ' નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓને સમાજમાં યોગ્ય દરજ્જો અને કેળવણી મળે એવો એમનો ઉદ્દેશ હતો. એ પ્રાચીન ભારતની મૈત્રેયી, ગાર્ગી જેવી વિદુષી નારી બને તેવો આશય હતો. આ સંસ્થાએ અમેરિકામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીનીઓના અભ્યાસ અને નિવાસની સઘળી જવાબદારી સ્વીકારી હતી અને એ રીતે ત્રણ વિદ્યાર્થિનીઓને એ જમાનામાં અમેરિકામાં શિક્ષણપ્રાપ્તિની તક મળી.
(ક્રમશઃ)









