Magazines

આજ સુધી જગતને કર્મદીક્ષા આપી, હવે એને ધર્મદીક્ષા આપવી છે!

By GS TEAM
25 Jun 20255 mins read
આજ સુધી જગતને કર્મદીક્ષા આપી, હવે એને ધર્મદીક્ષા આપવી છે!

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

મહાભિનિષ્ક્રમણ એટલે જગતની દુઃખમુક્તિને માટેનો પ્રયાસ. રાજા ઋષભદેવે કરેલા છ મહાભિનિષ્ક્રમણો જોયા બાદ સાતમા મહાભિનિષ્ક્રમણ પર દૃષ્ટિપાત કરીએ. એમણે માણસને જોયા બાદ આ પૃથ્વી પર સુખ અને સુવિધાપૂર્વક જીવન જીવતા શીખવ્યું, પરંતુ હવે પ્રજાને બતાવવું જોઈએ કે જગતમાં જે સુખોપભોગ પ્રાપ્ત કર્યા તે મહત્વનાં છે, પણ એનાથીયે બીજી મહત્વની બાબત એ છે ત્યાગ.

જીવનમાં ભોગ ભીંસ છે અને ત્યાગ મોકળાશ છે. ભોગ વિકૃતિ છે અને ત્યાગ સંસ્કૃતિ છે, ભોગ ઝંખના છે અને ત્યાગ તૃપ્તિ છે. ભોગ મનમાં વમળ સર્જે છે અને ત્યાગ કષાયના કીચડમાં પવિત્રતાનું કમળ સર્જે છે. ભોગમાં સદાયની અશાંતિ છે, તો ત્યાગમાં સનાતન શાંતિ છે. ભોગમાં ઈન્દ્રિય જાગે છે  અને ત્યાગમાં આત્મા જાગે છે.

આ જગત તો વિષયમુખી છે. અગ્નિમાં કાષ્ઠ નાખતા જ  જેમ અગ્નિ શાંત થતો નથી, એમ વિષયોને ગમે તેટલી ભોગસામગ્રી મળે, તોય એ શાંત થતો નથી, આથી માનવીને ત્યાગ શીખવવો જોઈએ. સોનાના પિંજરમાં પુરાયેલા પોપટની જેમ આસપાસના માનવસમાજને તાત્કાલિક સુખોની જાણ છે, પરંતુ આત્મિક આઝાદીના સુખનું જરાય ભાન નથી. કર્મને વશ થઈ, કષાયરૂપી પહેરેગીરોની ચોકીમાં પડીને, માનના, મમત્વના લાલસાના દુરાશયના રાગદ્વેષથી પરિપૂર્ણ અંધ કૂપમાં ડૂબેલા આ જીવો માનવીને આ ભવ, પરભવ કે ભવોભવના યાવત્ મોક્ષના સ્વાતંત્ર્યસુખનું જરા જેટલુંય ભાન નથી.

આહારનિદ્રાભય મૈથુનં ચ,

સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્ ા

ધર્મો હિ તેષામધિકો વિશેષઃ,

ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ ાા

(હિતોપદેશ)

'ભોજન, શયન, ભય અને મૈથુન એ ચાર બાબતમાં મનુષ્ય અને પશુ પરસ્પર સમાન છે. માત્ર ધર્મ જ મનુષ્યમાં વિશેષ છે. જો એ પણ એનામાં રહી નહીં તો પછી મનુષ્ય હંમેશા પશુ સમાન છે.

રાજા ઋષભદેવે વિચાર્યું કે હવે જગતમાં ધર્મતીર્થ પ્રવર્તાવવું જરૂરી છે. પ્રજાને સાંસારિક આસક્તિથી વિમુખ કરવા માટે ધર્મમાર્ગ બતાવવાની જરૂર ઊભી થઈ છે. સંસારના પાયારૂપ ધર્મચક્રને પ્રવર્તાવવાનો સમય આવી પહોંચ્યો છે. જો પૃથ્વી ધર્મથી નહીં પ્રવર્તે, તો આ ચોપાસનાં નશ્વર સામ્રાજ્યને જ સહુ કોઈ સાચુ સામ્રાજ્ય માનશે અને પોતાના ક્ષણભંગુર દેહની આળપંપાળ કરીને માણસ વિષયાસક્ત પાગલની માફક જીવતો રહેશે.'

'ધૃ ધારયતિ ઈતિ ધર્મ' એટલે કે ધર્મ એ ધારણ કરનાર છે. જો સાચા ધર્મની સમજ નહીં આપું, તો જગત પર મત્સ્યગલાગલનો ન્યાય પ્રવર્તી રહેશે. મોટું માછલું નાના માછલાને મારે એવું થતું રહેશે અને પરિણામે માનવજાતનાં દુઃખનો પાર નહીં રહે. ત્યાગ, તપસ્યા, સંયમ અને સૌજન્યમૂલક ધર્મ હવે મારે પ્રવર્તાવવો જોઈએ. અને કોઈ પણ ધર્મનું દર્શન કે અનુભવ પોતાની જાત પર જ રહેલા થવું જોઈએ. મારે મારી વાણીમાત્રથી જ નહીં, પણ મારા વ્યવહારથી - આચરણથી પણ ધર્મ આચરી બતાવવો જોઈએ.

રાજા ઋષભદેવે રાજપાટ ત્યાગીને જવાનો વિચાર કર્યો, ત્યારે રાણી સુમંગલાએ એમને અટકાવવા પ્રયત્ન કર્યો. રાજા ઋષભે કહ્યું,

''દેવી સુમંગલા! અન્તિમ પ્રવાસ તો સહુએ એકલા જ કરવાનો છે. નથી કોઈ સંગી, નથી કોઈ સાથી! મધુર લાગતું આ યૌવન વીજળી જેવું અસ્થિર છે. પ્રિય લાગતું આ આયુષ્ય પેલી ધ્વજ-પતાકા જેવું ચંચળ છે. મીઠા લાગતા આ ભોગ સર્પની-ભુજંગની-ફણા જેવા છે, સંઘરો કરેલી આ સંપત્તિ નદીના તરંગો જેવી છે. બધુંય ક્ષણિક, બધુંય ક્ષણભંગુર! આપણે જેને માટે ગર્વ ધર્યો - એ તો મૃગજળ હતાં, દેવી!'' આમ કહીને રાજા ઋષભદેવે નગર તરફ દૃષ્ટિ કરીને કહ્યુંઃ

''દેવી સુમંગલા! જ્યાં સુખ ક્ષણિક હોય ત્યાં એનો ગર્વ શો ? જે શાસન એક અનાથને પણ સનાથ બનાવી ન શકે એની ચરિતાર્થતા શી ? છેલ્લા દિવસોમાં વિચાર, ચર્ચા અને ચિંતા એની જ ચાલતી હતી. આજે જગતને કહેવાનું મન થાય છે, કે ત્યાગ એ જ જીવન, પરોપકાર એ જ મુખ્ય પ્રાણ! પૃથ્વીને શાસન આપ્યાનો મારો ગર્વ આજ ગળી રહ્યો છે. મેં તેમને જેમ કર્મશિક્ષા આપી, એમ હવે ધર્મદીક્ષા પણ આપીશ. મારા જીવનનું એ એકમાત્ર શેષ કર્તવ્ય! સંસારમાં અનાથ બનીને મૃત્યુના સમીપે રડવાનું નહીં. સંસાર જીતવાની નવી યુક્તિ હું શોધી કાઢીશ.''

પૃથ્વીનાથ ઋષભદેવ થોડી વાર ઊંડા વિચારમાં ઊતરી ગયા. કોઈ મરજીવો મોતી શોધવા સાગરમાં ઝંપલાવે, એવી સાહસી મુખમુદ્રા એમની હતી.

રાજા ઋષભદેવે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને બોલાવ્યો અને કહ્યું કે, 'હવે આ રાજશાસન તું ગ્રહણ કર. હું હવે એનો ત્યાગ કરવા માગું છું.'

રાજા ઋષભના પુત્ર ભરતે કહ્યું, 'શાસનનો ભાર સ્વીકારવા તૈયાર છું, સઘળી જવાબદારી બજાવવા તૈયાર છું, પરંતુ શાસન તો આપનું જ. આપ આજ્ઞા કરો અને હું એને આચારમાં - મારા વર્તમાં અને રાજમાં એનું પાલન કરીશ.'

 આ સમયે રાજા ઋષભે કહ્યું, 'ભરત, સાપને કાંચળી છોડતો જોયો છે ? એને છોડયા પછી એની સામે કદી જુએ ખરો?'

રાજકુમાર ભરતે કહ્યું, 'પણ આપે માનવજાતને શું નથી આપ્યું ? એને જીવન આપ્યું, જીવતા શીખવ્યું, લોકવ્યવહાર સમજાવ્યો અને એ શાસનને આપ કાંચળી જેવું નિરર્થક કહો છો ?'

'મારે માટે હવે એ નિરર્થક બની ચૂક્યું છે. મેં અત્યાર સુધી ઘણું મેળવ્યું છે,પરંતુ હવે જે મેળવવાનું છે, એની સામે સઘળું કશી વિસાતમાં નથી. વળી પૃથ્વી પર રાજા જરૂરી છે, રાજા વિનાનું રાજ નિષ્ફળ જાય છે માટે તમે રાજપદ ગ્રહણ કરો.'

આ પ્રસંગે રાજા ઋષભનો બીજો પુત્ર બાહુબલિ એક માર્મિક પ્રશ્ન કરે છે. એ પોતાના પિતાની મનઃસ્થિતિ જાણવા માગે છે અને એથી જ એ સવાલ કરે છે, 'પિતાજી! જે રાજની તમે સ્થાપના કરી, જેની સુખાકારી માટે અહર્નિશ પ્રયત્નો કર્યા, જેમાં વસતા માનવોને કંઈ કેટલીય કલાઓ શીખવી અને સુખે જીવન પસાર કરે એ માટે કુટુંબની વ્યવસ્થા આપી. એવા રાજપદને આપ છોડો છો

શા માટે ?'

'પુત્ર બાહુબલિ! મારે મહાશોધ માટે નીકળવું છે અને ત્યારે માથે જો રાજકાજનો ભાર હોય તો મુક્તપણે પ્રવાસ ખેડી ન શકાય. હું હવે એક એવું શાસન સ્થાપવા માગું છું કે જ્યાં માનવી ભયથી નહીં, પણ પ્રેમથી સારું આચરણ કરે. એને કોઈ રાજદંડની કે કોઈ શિક્ષાની જરૂર ન રહે. આ મહાપ્રાપ્તિને માટે મારે સઘળું ત્યજી દેવું જોઈએ.'

અને રાજા ઋષભદેવે વિદાય લેતા પોતાના પુત્રોને કહ્યું કે, 'પિતાના જીવનનો સર્વોચ્ચે આનંદ એ હોય છે કે પુત્રો એમના વારસાને જાળવે. પિતા પુત્રનું ઘડતર કરે છે તે એનામાં ભાવનાનાં વાવેતર કરવા માટે. આ રાજમાર્ગ પર મેં વાવેલાં વૃક્ષો જેમ કાળાંતરે પણ છાયડો આપે છે, એમ એ ભાવનામાં વૃક્ષો તમારા મસ્તક પર શીળી છાંયા પાથરશે.' અને રાજા ઋષભદેવે પોતાની વિદાયનો સંકેત આપ્યો (ક્રમશઃ)