Magazines

132 વર્ષ વીતી ગયા છતાં સમાજ કશું કરી શક્યો નથી !

By GS TEAM
24 Jun 20265 mins read
132 વર્ષ વીતી ગયા છતાં સમાજ કશું કરી શક્યો નથી !

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-11

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

૧૮૯૩ના આજથી ૧૩૨ વર્ષ પૂર્વેના અમેરિકાના પ્રવાસ દરમ્યાન વીરચંદ ગાંધીને માટે બે પ્રશ્નો હતા. એક, એમના શ્રોતાજનો એમના વિષયવસ્તુથી સાવ અપરિચિત હતા અને બીજું, વિષય એવો કઠિન હતો કે જેમાં પરિભાષાનું જ્ઞાાન જરૂરી હતું. આ બંને મુશ્કેલીઓ પાર કરવામાં વીરચંદ ગાંધી સફળ રહ્યા છે. એમણે સંસ્કૃતના અભ્યાસનો ઘણો મહિમા કર્યો અને પ્રાચીન ભારતના ગૌરવને જાણવા માટે એને અનિવાર્ય ગણાવ્યું. ક્રિશ્ચિયનોની ભારતમાં ધર્માંતરની પ્રવૃત્તિની વીરચંદ ગાંધીએ ટીકા કરી છે, તો બીજી બાજુ અમેરિકા અને ઇંગ્લેન્ડની અપનાવવા યોગ્ય બાબત તેમજ ઉમદા સ્વભાવ ધરાવનારા અંગ્રેજ અને અમેરિકન મહાનુભાવોનો એમણે આદર પણ કર્યો છે અને એમાંના કેટલાક સાથે એમને મૈત્રી પણ હતી.

વીરચંદ ગાંધી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા, તે ઉપરાંત એમણે સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ગ્રંથોના પશ્ચિમના વિદ્વાનોએ અંગ્રેજીમાં કરેલા અનુવાદોનો પૂરો લાભ ઉઠાવ્યો હતો અને એમાં પણ જરૂર પડે એમણે પોતાની વિચારસરણીને આગવી રીતે દર્શાવી છે. ભારતીય પ્રાચીન ગ્રંથોના હાર્દને દર્શાવવામાં એ પૂરેપૂરા સફળ થયા છે.

વીરચંદ ગાંધીએ ભારતના રહસ્યવાદને દર્શાવીને શ્વાસનું વિજ્ઞાાન, હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા, આત્મ-સંસ્કૃતિના વ્યાવહારિક નિયમો અને મેગ્નેટિઝમ જેવા વિષયો પર તર્કબદ્ધ રજૂઆત કરે છે. અહીં હિપ્નોટિઝમ વિશે એક વિગત જોઈએ.

'મેરે સાથી' નામના પુસ્તકમાં મહાત્મા ભગવાનદીએ આ પ્રમાણે નોંધ્યું છે : 'શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં જાહેર કર્યું કે હિપ્નોટિઝમ નામે ઓળખાતી વિદ્યાને જન્મ આપનાર ભારત છે. આહાહા ! તે વખતે શ્રી વીરચંદ ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવિત થયા હશે ! મેસોનિક ટેમ્પલમાં હિપ્નોટિઝમ પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, 'બત્તીઓ બંધ કરી દો અને માત્ર આછું જ અજવાળું રહેવા દો.' એમ થતાં જ સફેદ વસ્ત્રમાં પરિધાન થયેલા એ ભારતીયના શરીરમાંથી એક તેજરાશિ ચમકવા લાગી, અને એમની સફેદ પાઘડી તો એવી ઝબકારા મારતી હતી કે જાણે ગાંધીના ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો ન હોય !'

સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારતીય તત્વજ્ઞાાનનાં એવાં તત્વોને એમણે અમેરિકન પ્રજા સમક્ષ રજૂ કર્યાં છે કે જેમાંથી એમનામાં આ તત્વજ્ઞાાન પ્રત્યે માત્ર આદર જ નહીં, પણ ઊંડો રસ અને જિજ્ઞાાસા જાગે. એ હકીકત છે કે તેઓ એ સમયની અનેક વિચારક અને તત્વપ્રિય વ્યક્તિઓમાં આવો ઊંડો રસ જગાડી શક્યા હતા. આ જ બાબત વીરચંદ ગાંધીના કાર્યનો પ્રભાવ અને મહત્વ પૂરવાર કરે છે.

વીરચંદ ગાંધી ૧૮૯૮માં શત્રુંજય તીર્થ વિશેના દાવાની અપીલ સેક્રેટરી ઓફ સ્ટેટ સમક્ષ રજૂ કરવાની હોવાથી ઇંગ્લેન્ડ ગયા હતા અને તેમાં એમને સફળતા મળી હતી. તેઓ ઇંગ્લેન્ડ હતા ત્યારે તેમની તબિયત લથડી. યુવાનીમાં કામના પુષ્કળ બોજ હેઠળ તેઓ જીવ્યા. એમનું સ્વાસ્થ્ય આટલી બધી પ્રવૃત્તઓનો ભાર ખમી શકે તેમ નહોતું. તેઓ ભારત આવ્યા ત્યારે શરીરે સાવ નંખાઈ ગયા હતા. સ્વદેશ પાછા ફર્યા અને બે અઠવાડિયાં પછી ૭ મી ઓગસ્ટ ૧૯૦૧ ના રોજ એમનો દેહાંત થયો. આ સમયે પાંચ દિવસ સુધી મહુવાનાં બજારો બંધ રહ્યાં હતાં.

વીરચંદ રાઘવજી ગાંધીની કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે આજથી ૧૩૨ વર્ષ પૂર્વેના વિશ્વની સ્થિતિનો વિચાર કરવો જોઈએ. એ સમયે મહુવાથી પાલિતાણા જવા માટે એમને વારંવાર બળદગાડા કે ઘોડા પર જવું પડતું હતું. એ જ રીતે વિદેશ-પ્રવાસ વિમાનમાર્ગે તો હતો નહીં. તેથી માત્ર દરિયાઈ માર્ગે શક્ય હોવાથી મહિનાઓ સુધી એમને સ્ટીમરમાં રહેવું પડતું હતું. એ જમાનામાં સંદેશાવ્યવહારના સાધન તરીકે માત્ર ટપાલવ્યવહાર હતો. ટેલિફોન પણ નહોતો, ત્યારે આ ટપાલવ્યવહારને કારણે, કોઈ પણ કાર્યમાં ઘણો લાંબો સમય વીતી જતો.

પોતે બેરિસ્ટર થયા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીએ વકીલાતનો વ્યવસાય કરવાને બદલે પોતાની નિપુણતાનો ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કર્યો અને એ માટે જીવન સમર્પી દીધું. અત્યંત કૂટ ધાર્મિક પ્રશ્નમાં ઉત્તમ સફળતા હાંસલ કરનારને સમાજને બિરદાવ્યા ખરા,પરંતુ એમની આર્થિક સધ્ધરતાનો કોઈ વિચાર કર્યો નહિ. જોકે વીરચંદ રાઘવજી ગાંધીને આની પરવા પણ ક્યાંથી હોય ? એમના હૃદયમાં તો પોતાના રાષ્ટ્રની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને માનવતાલક્ષી સમૃદ્ધિ જગતને દર્શાવવાનો અવિરત ધબકાર ચાલતો હતો.

એકવીસમી સદી જૈન ધર્મની સદી બને એવી ભાવનાનો સહુએ જયઘોષ કર્યો, પરંતુ જો વીરચંદ રાઘવજી ગાંધીના અવસાન બાદ એમનું કાર્ય જૈન સમાજે આગળ ધપાવ્યું હોત, તો વીસમી સદી એ સાચે જ જૈન સિદ્ધાંતોની સદી બની હોત, પણ આ મહાન પ્રતિભાનું તદ્દન વિસ્મરણ થઈ ગયું.

જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે, એનો ભવિષ્યકાળ હોતો નથી. વીરચંદ રાઘવજી ગાંધીના વિસ્મરણથી ઘણી મોટી કિંમત જૈનસમાજને ચૂકવવી પડી છે.

આજે ૧૩૨ વર્ષે પણ આપણે આમાંનું કશું કરી શક્યા નથી તેનો અફસોસ અનુભવાય છે. આજે તીર્થોની રક્ષાના પ્રશ્નો સમાજને કોરી રહ્યા છે. અંગ્રેજી ભાષામાં આબાલવૃદ્ધને ઉપયોગી થાય તેવું જૈન તત્વજ્ઞાાન સર્જી શક્યા નથી. ધર્મદ્રષ્ટિની વ્યાપકતા હજી કેળવાઈ નથી અને વૈશ્વિકી સમસ્યાના નિરાકરણમાં જૈન ધર્મ કોઈ અસરકારક ભૂમિકા ભજવી શક્યો નથી, એમની નિર્ભીકતા, સત્યપ્રિયતા અને વિશાળ દ્રષ્ટિ આજે ક્યાં છે ? એમની વૈશ્વિક ભાઈચારાની, દેશોદેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વની અને વિશ્વબંધુત્વની ભાવના જૈન ધર્મના સિદ્ધાંતોથી ખીલવી શક્યા છીએ ખરા ? હા, એ સાચું કે આ દિશામાં ધીરે ધીરે થોડી પ્રગતિ થઈ છે. પણ હવે એકસોથી વધુ વર્ષો પૂર્વે એમણે કરેલાં કાર્યની જ્યોતને પુન: પ્રજ્વલિત કરવાની ઘડી આવી ચૂકી છે.

વીરચંદ રાઘવજી ગાંધીના આદર્શને લક્ષમાં રાખીને જૈન સમાજે આ પ્રગતિની હરણફાળ ભરવાની જરૂર છે અને એ જ સમાજે વીરચંદ રાઘવજી ગાંધીને ભારતીય સંસ્કૃતિના આત્મા તરીકે ઓળખવાની અને રાષ્ટ્રમાં સ્થાપન કરવાની જરૂર છે. આ જ બનશે એ મહામાનવને અપાયેલી સાચી અંજલિ.

વીરચંદ ગાંધીનું 'ભારતીય સંસ્કૃતિનો આત્મા' નામનું ચરિત્ર લખ્યું. અંગ્રેજીમાં એમના લેખોના સંકલન રૂપે 'જૈન ફિલોસોફી', 'યોગ ફિલોસોફી' અને 'ધ અનનોન લાઈફ ઓફ જિસસ ક્રાઈસ્ટ' પુસ્તકો પ્રગટ કર્યા. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રી વીરચંદ રાઘવજી માર્ગ માટે પ્રયત્ન કર્યો અને વીરચંદ રાઘવજી ગાંધીની મૂર્તિઓ તૈયાર કરીને એક એમના જન્મસ્થાન મહુવા અને બીજી શિકાગોના જિનમંદિરમાં મુકાવી. પ્રજા સાવ ભૂલે નહીં તે માટે આ નાનકડું કાર્ય પણ મહત્વપૂર્ણ બની રહ્યું.