Magazines

29 વર્ષના યુવાનનો વિશ્વટંકાર! ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-2

By GS TEAM
22 Apr 20264 mins read
29 વર્ષના યુવાનનો વિશ્વટંકાર! ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-2

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

ઇ.સ. ૧૮૯૩ની ૧૧ મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરની આર્ટસ ઇન્સ્ટિટયુટમાં વિશ્વધર્મપરિષદનો પ્રારંભ થયો. આ વિશ્વધર્મ પરિષદ સતત સત્તર દિવસ સુધી ચાલનારી હતી અને એના કોલંબસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાઓની ઉપસ્થિતિમાં આનું આયોજન થયું. આ પરિષદ સમયે ભારતની દસ વ્યક્તિઓ એના શુભારંભ સમારંભમાં મંચ પર બિરાજમાન હતી.

આ પરિષદમાં પહેલીવાર અમેરિકાના નૂતન વિશ્વને ભારતીય દર્શન, ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો દ્રઢ અવાજ સાંભળવા મળ્યો. વિશ્વધર્મ પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ પ્રવચન આપનાર બ્રહ્મો-સમાજના કુશળ અને છટાદાર વક્તા પ્રતાપચંદ મજુમદારે એક વાત પર ભાર મૂક્યો કે અમે ભલે વિવિધ ધર્મના પ્રતિનિધિ હોઈએ પણ ભારત અમારો દેશ છે અને ભારતી આવેલા તમામ પ્રતિનિધિઓ પોતાના ધર્મની વાત કરવાની સાથોસાથ એક અવાજે રાષ્ટ્રભક્તિ પ્રગટ કરી. સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં કરેલી પ્રભાવક રજૂઆત અવિસ્મરણીય ઇતિહાસ બની ગઈ.

'સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા' એમ કહીને પોતાના આગવા સંબોધનથી સહુનાં મન હરી લીધાં. એ પછી ભૌતિકતાનો ગુણ ગાવા નીકળેલી પરિષદને એમણે આરંભે જ ભારતીય આધ્યાત્મિક ભાવનાનાં દર્શન કરાવ્યાં. એવી જ અસાધારણ સિદ્ધિ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી ગાંધીએ મેળવી.

વ્યાપક માનસસૃષ્ટિ

૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વતા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળાં પગરખાં પહેર્યાં હતાં. ઊંચું ભરાવદાર શરીર, સુદૃઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી એમના ભારતીય પોષાકથી જ જુદા તરી આવતા હતા.

આ યુવાનની વિદ્વતા, અભ્યાસશીલતા, તાટસ્થ્યવૃત્તિ, અનેકાંતવૃત્તિ, ભારતીય ઇતિહાસ અને સમાજ વિશેનું ઊંડું જ્ઞાન તથા અઘરા ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ પણ સમજી શકે એ રીતે રજૂ કરવાના કૌશલ પર આયોજકો અને શ્રોતાજનો મુગ્ધ થઈ ગયા. એક અમેરિકન અખબારે લખ્યું.

''પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું, એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌરસ્ત્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.''

ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ઉદ્ગાતા

વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વતાપૂર્ણ છતાં સાહજિકતાથી પ્રસ્તુતિ કરી કે કેટલાંક અખબારોએ એમનું પ્રવચન અક્ષરશ: પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને, મૂલ્યને કે સિદ્ધાંતને સમજાવતા જાય અને બીજી બાજુ એનું મૌલિક અર્થઘટન આપતા જાય.

ભારતીય દર્શન સમજાવવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી, બલ્કે ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત્ કર્યું હતું. આથી જ ક્યાંક એ જૈન લાગે છે, ક્યાંક વૈદિક ધર્મની કે હિંદુ તહેવારોની તરફદારી કરે છે. એ જે કંઈ દલીલ કરતા હોય કે પ્રમાણ આપતા હોય, પણ બધે જ એ ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ઉદ્ગાતા લાગે છે.

વિષયનું વ્યાપક વિશ્વ

વીરચંદ ગાંધીની વાણીમાં પોથીપંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ગહન અભ્યાસ ઉપરાંત એમની પાસે તર્કપૂર્ણ દલીલશક્તિ, ઐતિહાસિક સંદર્ભો તેમજ રાષ્ટ્રની પ્રવર્તમાન ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વિશેની સમજણ હતી, વખત આવ્યે કોઈ મુદ્દા પર પ્રબળ વિરોધ કરીને સ્પષ્ટ આલોચના કરવાનું ખમીર હતું. વળી ભારતીય જીવનશૈલી પ્રત્યે સન્નિષ્ઠ, અભ્યાસપૂર્ણ આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ગરિમા જાળવવાની રાષ્ટ્રભક્તિ ઉત્કટપણે એમના હૃદયમાં વહી રહી છે.

આ ઓગણત્રીસ વર્ષના યુવાનનો વિષય વ્યાપ જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. કેટલા બધા વિષયો અને એનું કેવું તલસ્પર્શી અધ્યયન ! જૈનદર્શન વિશે એની વાક્ધારા અસ્ખલિત વહેતી લાગે છે. વળી વખત આવ્યે જૈનદર્શનના કોઈ સિદ્ધાંતની બૌદ્ધદર્શન કે વેદાંતદર્શન સાથે તુલના-વૈષમ્ય રજૂ કરે છે. એમણે સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા અને વૈશેષિક જેવાં ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો છે અને એ વિશેનાં એમનાં પ્રવચનો જૈનદર્શનનાં પ્રવચનો જેટલાં જ પ્રમાણભૂત અને અભ્યાસનિષ્ઠ લાગે છે.

મંત્રમુગ્ધ બન્યા વિદેશી શ્રોતાઓ

માત્ર દર્શનોની તત્વવિચારણા સુધી જ વીરચંદ ગાંધીનું વિશ્વ સીમિત નથી. વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પરાધીન ભારતની કરુણ સ્થિતિ, શાસક બ્રિટન દ્વારા થતું ભારતનું શોષણ તથા એની સાથોસાથ પાશ્ચાત્ય જીવનશૈલીનો એમને સાક્ષાત્ પરિચય છે. તેઓ યોગપ્રણાલી વિશે વિસ્તૃત વક્તવ્યો આપે છે પણ એની સાથોસાથ હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા (ઓકલ્ટ પાવર), શ્વાસનું વિજ્ઞાન, આહારવિજ્ઞાન, ગાયનવિદ્યા, માંસાહારનાં ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો પર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ વક્તવ્ય આપે છે.

'હિંદુઓનું પ્રાગૈતિહાસિક જીવન', 'ભારતમાં લગ્નનો દરજ્જો', 'ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ', 'ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો' તથા 'હિંદુ સ્ત્રીઓ - ભૂત, વર્તમાન અને ભાવિ' જેવા સામાજિક વિષયો પર એમણે  પ્રવચનો આપ્યાં છે. હિંદુસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી તેઓ પૂરા અભિજ્ઞા હતા અને તેથી 'ભારતની રાજનૈતિક અવસ્થા', 'રાજકીય ભારત હિંદુ, મુસ્લિમ અને અંગ્રેજ' તથા 'અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ' જેવા વિષયો વિશે વક્તવ્ય આપે છે.

વિરાટ પ્રતિભાનું જ્ઞાનવિશ્વ

એ સમયે પરાધીન ભારત નિર્ધન, પછાત અને શોષિત અવસ્થાથી પીડાતું હતું. ત્યારે વીરચંદ ગાંધીએ અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેટલી બધી વૈચારિક, આધ્યાત્મિક અને જીવનઘડતર કરનારી સમૃદ્ધિ મળી શકે તેમ છે એની વિગતે રજૂઆત કરી.

એમણે 'ભારતનો અમેરિકાને સંદેશ' અથવા 'ભારતની અમેરિકાને ભેટ' જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યાનો આપ્યાં. 'અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછાં ન રાખવાં જોઈએ'. એવા વિષય પર પણ એમણે વ્યાખ્યાન આપ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે વીરચંદ ગાંધીની વિરાટ પ્રતિભા અનેક વિષયો અને ક્ષેત્રોમાં સફળપણે વિહરી શકતી હતી.               

(ક્રમશ:)