Magazines

ભારતીય સંસ્કૃતિનો ભુલાયેલો જ્યોતિર્ધર!

By GS TEAM
15 Apr 20264 mins read
ભારતીય સંસ્કૃતિનો ભુલાયેલો જ્યોતિર્ધર!

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જે પ્રજા પોતાના તેજસ્વી પુરુષોને ભૂલી જાય છે, એ પ્રજાની શક્તિ અને તેજ ઝાંખા પડતા જાય છે.

જૈન ધર્મની એક ભવ્ય પ્રતિભાનો ઇતિહાસ જૈન સમાજ ભૂલી ગયો. જે જાતિ પોતાના ચેતનગ્રંથો જેવા સત્વશીલ પુરુષોને વિસરી જાય છે એ જાતિ કે પ્રજાની ચેતના કુંઠિત બની જાય છે. મારે ચરિત્ર આલેખવું છે વીરચંદ રાઘવજી ગાંધીનું. ભારતીય સંસ્કૃતિના આ જ્યોતિર્ધરના ભવ્ય જીવનની ગાથાને આપણે નિહાળવું છે.

ગુલામ હિંદુસ્તાનની દયનીય દશા

વીરચંદ ગાંધીનો જન્મ ૧૮૬૪ ની ૨૫ મી ઓગસ્ટે એટલે કે વિ.સં. ૧૯૨૦ ના શ્રાવણ વદ આઠમના દિવસે મહુવામાં થયો હતો. એ સમયનાં હિંદુસ્તાનનું ચિત્ર નિહાળીએ તો ખ્યાલ આવશે કે બ્રિટનની હકૂમત હેઠળ ભારત કચડાયેલું હતું. ગુલામને ક્યારેય પોતીકો અવાજ હોતો નથી. પરાધીન પાસે સ્વમાન નહીં, પણ શરણાગતિ હોય છે. વળી એ ગુલામી પરાધીન પ્રજાને વધુ લાચાર, મજબૂર, ગરીબ, શોષિત અને પછાત બનાવતી હોય છે. આ એ સમય હતો કે જ્યારે ભારત માત્ર રાજકીય ગુલામી જ નહીં, બલ્કે આર્થિક પરાવલંબન ધરાવતું હતું. અજ્ઞાાન અને અંધશ્રદ્ધાને કારણે સામાજિક રૂઢિઓ સતત ફૂલતી-ફાલતી હતી. માથું ઊંચકીને નહીં પણ માથું નીચું નાખીને હિંદુસ્તાનની પ્રજા જીવતી હતી.

આવે સમયે વીરચંદ ગાંધીના રૂપે એક ભારતીય અવાજ પોતાની બુલંદી સાથે પ્રગટ થયો. ભારતનાં પ્રાચીન ગ્રંથો, મૂલ્યો અને વિચારોની છેડેચોક હાંસી ઉડાવતા આ સમયે વીરચંદ ગાંધીએ સ્વદેશમાં જ નહીં, બલ્કે વિદેશમાં ભારતીય શાસ્ત્રગ્રંથોમાં રહેલી વૈચારિક અને આધ્યાત્મિક જ્ઞાાનસમૃદ્ધિની સમજ આપી. વેદોની મહત્તા, તત્ત્વજ્ઞાાનની ગહનતા અને એની જ્ઞાાનગરિમા પ્રગટ કર્યાં.

જે સમયે ભારતીય સમાજને જંગલી, પછાત, રૂઢિગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય દર્શાવાતો હતો તે સમયે વીરચંદ ગાંધીએ દર્શાવ્યું કે પશ્ચિમમાં જ્યારે જ્ઞાાનનો પ્રકાશ નહોતો ત્યારે ભારત જ્ઞાાનોજ્જવળ હતું. જે ધર્મક્રિયા અને સામાજિક પ્રથાને કારણે ભારતને પછાત દર્શાવવામાં આવે છે એ ધર્મક્રિયા અને સામાજિક પ્રથાની પાછળનાં ગહન મર્મ અને વૈજ્ઞાાનિક રહસ્યને એમણે પ્રગટ કર્યાં. જેને રૂઢિ અને વહેમ માનીને વિદેશીઓ મજાક કરતા હતા એનો એમણે સબળ પ્રત્યુત્તર આપ્યો.

વીરચંદ ગાંધીનો પડકાર

હિંદુસ્તાનની પ્રજા નિર્માલ્ય છે એવો ચારેબાજુ અપપ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે વીરચંદ ગાંધીએ કહ્યું કે આ પ્રજા તો અત્યંત સમર્થ, શક્તિવાન અને સંસ્કૃતિસમૃદ્ધ છે પરંતુ એને વિશે દુષ્પ્રચાર કરીને એને નિર્માલ્ય દર્શાવવામાં આવી છે. જે સમયે ખ્રિસ્તી મિશનરીઓ ભારતીય ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પર આયોજનબદ્ધ આઘાત કરતા હતા અને એ માટે વિદેશમાંથી અનર્ગળ સંપત્તિ આવતી હતી એની સામે વીરચંદ ગાંધીએ પ્રચંડ પોકાર કર્યો.

એમની નિર્બળતા તો એવી હતી કે ખ્રિસ્તી મિશનરીઓ સમક્ષ અને ખ્રિસ્તી સમાજ સમક્ષ એમણે હિંદુસ્તાનમાં ચાલતી એમની વટાળપ્રવૃત્તિ અંગે સ્પષ્ટ દ્રષ્ટાંતસહિત, હૃદયસ્પર્શી અને છતાં પૂરેપૂરા સચ્ચાઈભર્યા પ્રવચનો આપ્યાં. મિશનરીઓએ કલુષિત કરેલી હિંદુસ્તાનની છબીની પાછળના એમના અયોગ્ય ઇરાદાઓને પ્રગટ કર્યા. એમની પ્રબળ રાષ્ટ્રભક્તિએ જગતને જણાવ્યું કે ભારત પાસે અહિંસાનું અપૂર્વ બળ છે અને એ મહાવીરની અહિંસાની શક્તિથી સ્વતંત્રતા મેળવશે.

650 જેટલાં વક્તવ્યો

એમણે અમેરિકા અને ઇંગ્લેન્ડના શ્રોતાજનો સમક્ષ પોતાના વિદેશપ્રવાસોમાં ૬૫૦ જેટલાં વક્તવ્યો આપ્યાં અને પ્રત્યેક વક્તવ્યમાં વિષયની નવીનતા, પ્રસ્તુતિની પ્રવાહિતા અને પોતાના અભ્યાસ અંગેનો આત્મવિશ્વાસ પ્રગટ કર્યાં.

વિશ્વધર્મ પરિષદમાં

આવો, આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં સર્જાયેલી ભારતીય સંસ્કૃતિની મહાન ગૌરવગાથા સમી ઐતિહાસિક ઘટના પર કાળના પડદાને હટાવીને જરા નજર કરીએ.

વાત તો એવી હતી કે ૧૪૯૩માં અમેરિકા શોધનાર કોલમ્બસની ચોથી શતાબ્દીની પૂર્ણાહૂતિના સંદર્ભમાં પશ્ચિમના દેશોએ અને વિશેષ કરીને અમેરિકાએ ભૌતિક પ્રગતિની હરણફાળ દર્શાવવા માટે ભવ્ય આયોજનોનો ઉપક્રમ યોજ્યો. આને માટે ઇ.સ. ૧૮૯૩માં અમેરિકાએ પોતાની ભૌતિક પ્રગતિના મહિમાગાન માટે 'વર્લ્ડ કોલમ્બિયન એક્સપોઝિશન' નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનો પાછળનો હેતુ પશ્ચિમની સંસ્કૃતિએ પ્રાપ્ત કરેલી અપ્રતિમ સિદ્ધિઓ જગતની અન્ય 'પછાત' સંસ્કૃતિઓને દર્શાવવાનો હતો. આ વિરાટ આયોજનમાં વિશ્વની ભિન્ન ભિન્ન વિચાર-ધારાઓને પ્રતિનિધિત્વ આપવા માટે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સનું આયોજન કરવામાં આવ્યું. અઢી મહિના સુધી કરાયેલા વિશ્વધર્મ પરિષદના કાર્યક્રમોની માહિતી આપતી ૧૬૦ પૃષ્ઠની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી.

દસ ધર્મોને સ્થાન

વિશ્વના ઇતિહાસમાં આવી પરિષદોના ઉલ્લેખો મળે છે પરંતુ એક જ સ્થળે આટલા બધા ધર્મના અગ્રણીઓ એકત્રિત થઈને નિર્ભીક રીતે સ્વધર્મનું દર્શન-ચિંતન પ્રગટ કરે તેવું આ સર્વપ્રથમ આયોજન હતું. ભૌતિકતામાં રાચતા અસહિષ્ણુતાભર્યા વિશ્વમાં આટલા બધા ધર્મો એકસાથે એક મંચ પર બેસીને વાત કરે અને તેમની રજૂઆત અન્ય ધર્મીઓ એકાગ્રતાથી સાંભળે તેવી શક્યતા અને સફળતા અંગે ઘણા લોકો સાશંક હતા. વળી કેટલાક ખ્રિસ્તી પાદરીઓ અને તુર્કસ્તાનના સુલતાને આ પરિષદનો વિરોધ કર્યો હતો. આ પરિષદમાં વિશ્વના મુખ્ય દસ ધર્મોને સ્થાન આપવામાં આવ્યું. જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, હિંદુ, તાઓ, કન્ફ્યુશિયસ, શિંતો, જરથુસ્ટ્ર, કેથોલિક અને પ્યોરિટનનો સમાવેશ કરવામાં આવ્યો.

વિશ્વધર્મ પરિષદના આયોજકોએ વિશ્વના ધર્મો વચ્ચે સમજણ કેળવીને સંવાદ રચવાનો આશય જાહેર કર્યો હતો, પરંતુ એના હાર્દમાં જઈએ તો એનો એક આશય અન્ય ધર્મોના સંદર્ભે ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાનો હતો. અહીં સર્વ ધર્મોની સંસ્કૃતિઓનું મિલન યોજ્યું હતું, પણ એના કેન્દ્રમાં તો જિસસ ક્રાઈસ્ટના સંદેશને સ્થાપવાનો હેતુ હતો.

ભારતીય સંસ્કૃતિની પ્રભાવક રજૂઆત

ઇ.સ. ૧૮૯૩ની ૧૧ મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરની આર્ટસ ઇન્સ્ટિટયૂટના કોલમ્બસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાજનોની ઉપસ્થિતિમાં સત્તર દિવસ ચાલનારી વિશ્વધર્મ પરિષદનો પ્રારંભ થયો. આમાં હિંદુ સમાજના સ્વામી વિવેકાનંદ, જૈન ધર્મના વીરચંદ ગાંધી, બ્રહ્મોસમાજના પ્રતાપચંદ્ર મજુમદાર, શ્રીલંકાથી બૌદ્ધ ધર્મસભાના મંત્રી એચ. ધર્મપાલ, બ્રહ્મોસમાજના પ્રતિનિધિ શ્રી બી.આર.નાગરકર, પૂનાથી આવેલા ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ કુ. જિન સોરાબજી, અલ્હાબાદના થિયોસોફી વિશે વક્તવ્ય આપવા આવેલા સી.એન.ચક્રવર્તી, પંજાબના રાહજ રામ, મદ્રાસના રેવરન્ડ મોરિસ ફિલિપ્સ અને જિંદા રામ એમ દસ વ્યક્તિઓ વિશ્વધર્મ પરિષદના પ્રારંભટાણે મંચ પર બિરાજમાન હતાં. (ક્રમશ:)