અમેરિકાના અખબારો શ્રી વીરચંદ ગાંધીની પ્રતિભા પર વારી ગયા ! ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-5

- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
વિશ્વધર્મ પરિષદમાં ૨૯ વર્ષના વીરચંદ રાઘવજી ગાંધીએ એક નવો ઇતિહાસ સર્જી દીધો. જૈનદર્શનનાં એમના પ્રવચનોએ એક નવી જાગૃતિ આણી અને ભારતીય વિદ્યાની વાત કરીને એક નવો પ્રકાશ ફેલાવ્યો. એમની જ્ઞાનમય પ્રતિભા પર વિશ્વધર્મ પરિષદનાં આયોજકો પણ વારી ગયા અને હવે નજર કરીએ એમના વિશ્વધર્મ પરિષદનાં કાર્યનો અખબારી જગત પર કેવો પ્રભાવ પડયો.
અમેરિકાના સામયિક 'એડિટર્સ બ્યૂરો' એ વીરચંદ ગાંધીની જે છબી આલેખી છે, એ જ એમની પ્રતિભા અને પ્રભાવનો આપણને સ્પર્શ કરાવે છે. આ અમેરિકન સામયિકે એના તંત્રીલેખમાં વિસ્તૃત નોંધ લખી. સહુ પ્રથમ તંત્રી વીરચંદ ગાંધીનો પરિચય આલેખે છે. તેઓ લખે છે,
'મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (બી.એ.) શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે. તેઓ અંગ્રેજી સહિત ચૌદ ભાષાના અચ્છા જાણકાર છે અને જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી છે. ભારતમાંથી એક જ એવા સદ્ગૃહસ્થ હોવાનું તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે જેમણે શિકાગો વિશ્વધર્મ પરિષદ, ૧૮૯૩માં તેના વતનીઓ દ્વારા પસંદ કરાયેલા જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનોનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કર્યું.
એ પછી તંત્રીલેખમાં વીરચંદ રાઘવજી ગાંધીની પ્રતિભાનો પરિચય આપતાં તેઓ લખે છે,
'મિ. ગાંધી આપણા રીતરિવાજો, રાજકીય પરિસ્થિતિ, શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાઓનો અભ્યાસ કરવા આપણા દેશમાં રહ્યા છે. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેઓ લાગણીશીલ, ગંભીર, આદર્શપ્રેમી, સ્વમાની અને નૈતિક હિંમત ધરાવે છે. આ બધું અને એથી વિશેષ અસર કરે એવી બાબત, એમની સ્વસ્થતા, શાંતિ, જિજ્ઞાસુ દૃષ્ટિ અને ભારતના રીતરિવાજ તેમજ ધર્મોની ચર્ચા કરવાની એમની છટા છે, પરંતુ જ્યારે માનવજાતની સ્વાર્થપરાયણતા, અન્યાય અને અજ્ઞાન, લોકોની ભીષણતા વિશે તેઓ ચર્ચા કરે છે, ત્યારે અત્યંત છટાપૂર્વક પ્રવચન કરે છે અને એ વિશે જ્યારે વિસ્તારથી ચર્ચા કરે છે ત્યારે તેમનો આત્મા, એમની આંખની તેજસ્વિતા દ્વારા ઝળહળી ઉઠે છે.'
વીરચંદ ગાંધીની પ્રવચનશૈલી અને અમેરિકામાં સર્વત્ર સાંપડેલા આદરને દર્શાવતાં અંત ભાગમાં નોંધે છે.
'જ્યારે તક મળે ત્યારે ભારતના આ વતનીને સાંભળવાની એક તક પણ ગુમાવવી જોઇએ નહીં. અન્ય કોઈ જગાએ જવાને બદલે એમની પાસે સાંજે જશો, તો વધુ જ્ઞાન અને સત્ય લાધશે. ભારત અને તેની પ્રજા વિશે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શક્શે. એમનું પ્રવચન પૂર્ણ થયા બાદ પ્રેક્ષકવર્ગમાંથી કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછશે, તો તેઓ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપશે. સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપતી આવી ઉમદા અને મહાન વ્યક્તિ એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં કલબ, વિદ્વાનોનાં વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ, સોસાયટી, થિયોસોફિક્લ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યાં છે. પૌર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે.'
શિકાગોના પાદરી આર.એ.વ્હાઇટે એમના પૂર્વના તત્ત્વજ્ઞાન પરનો અભ્યાસ તથા એમના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની નોંધ લીધી, તો ઈ.બી. શેરમનને એમનું વિસ્તૃત વાંચન, જીવંત સંસ્કાર, નિખાલસ સ્વભાવ, સૌજન્યપૂર્ણ વ્યવહાર અને જ્ઞાન આપવાની તાલાવેલી સ્પર્શી જાય છે. જુદાં જુદાં અખબારોએ પણ એમની પ્રતિભા વિશે નોંધ લખી.
અમેરિકાના એ સમયના અખબારો અને સામયિકોમાં વીરચંદ ગાંધીની પ્રતિભા વિશે પ્રગટ થયેલી નોંધ એમની આગવી પ્રતિભાનો ખ્યાલ આપે છે.
૧૮૯૩ની ૩૦મી નવેમ્બરે શિકાગો સબર્વન સ્ટાર નોંધે છે, મુંબઈના જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના વીરચંદ આર. ગાંધી દ્વારા યુનિયન સ્ટડી કલબ કોર્સના ઉપક્રમે યોજાયેલ ત્રીજું પ્રવચન જે રવિવાર સાંજે યુનિવર્સલીટર ચર્ચ, ૬૫મી ગલી, સ્ટેવર્ટ એવન્યૂમાં અપાયું ત્યારે આખો ખંડ ભરાયેલો હતો. પ્રવચનનો વિષય 'ભારતનો ભૌગોલિક અને ઐતિહાસિક પરિચય' હતો. જેમાં સાહિત્ય, ધાર્મિક તત્ત્વજ્ઞાન અને થિયોસોફીનું વર્ણન પણ હતું. તેમણે હિંદુઓના રીતરિવાજો ઉપર પણ પ્રકાશ પાડયો અને ભારપૂર્વક જગન્નાથપુરીના રથની વાત પણ કરી. જેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભક્ત બલિદાન આપે છે.
એ પછી જુદાં જુદાં અખબારોમાં આવેલી વિગતો જોઈએ.
ધ યુનિવર્સલિસ્ટ મેસેન્જર, શિકાગો (૧૦-૨-૧૮૯૪)
૬૫૫૮, સ્ટેવર્ટ બુલેવર્ડમાં આવેલા શ્રી હોવર્ડના નિવાસસ્થાને વીરચંદ ગાંધીના ભારતીય તત્ત્વજ્ઞાનનાં પ્રવચનોની શ્રેણી યોજવામાં આવી. પ્રત્યેક સોમવારે યોજાતાં આ વ્યાખ્યાનો વધુ ને વધુ રસપ્રદ બની રહ્યાં. ગયા સોમવારે સાંજે એમણે યોગતત્ત્વજ્ઞાનની નૈતિક બાબતોનો ખ્યાલ આપ્યો. કોઈ અગ્રણી સંશોધકની માફક આ વિષયને એવી રીતે રજૂ કર્યો જે માત્ર હિંદુઓના આધિભૌતિક ચિત્તમાંથી જ સર્જાઈ શકે. આ પ્રવચનો સંસ્કૃત સભ્ય લોકોના સમૂહે સાંભળ્યાં અને એમણે જાણ્યું અને અનુભવ્યું કે સત્યના જાદુઈ પટારાની ચાવી આપવા હંમેશાં તૈયાર હિંદુઓનું જ્ઞાન પવિત્ર અને સાદગીભર્યું હોય છે.
શિકાગો ડેઇલી સન (૩/૪/૧૮૯૪)
મુંબઈના વીરચંદ આર.ગાંધી (બી.એ.)એ સોમવારે સાંજ ૬૫૫૮, જીંીુટ્વિં મ્ટ્વેઙ્મીદૃટ્વઙ્ઘિ ખાતે પ્રવચન આપ્યું. જેનો વિષય 'જૈન ધર્મ' હતો. મિ.ગાંધી ધર્મ-પરિષદમાં એના પ્રતિનિધિ તરીકે આવ્યા છે તેમને વિશાળ ઉત્સાહી શ્રોતાગણ દ્વારા ધર્મપરિષદમાં રજૂ થયેલા બીજા એશિયાઈ ધર્મ કરતાં વધારે રસથી સાંભળવામાં આવ્યા.
સેન્ટ જોસેફ ગેઝેટ (૮/૫/૧૮૯૪)
વિશ્વમેળાના એક ભાગ રૂપે યોજાયેલી વિશ્વધર્મ પરિષદે અગ્રગણ્ય ખ્રિસ્તીઓના ધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં મૂર્તિપૂજક (બિનખ્રિસ્તી) વિચારોએ આંખો ખોલી દીધી છે. ધર્મસભાના પ્રતિનિધિ મુંબઇના વીરચંદ ગાંધીએ એપ્રિલના ફોરમમાં 'ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં સફળ શા માટે નથી ?' તે પર પેપર રજૂ કર્યું હતું.
શિકાગો હેરાલ્ડ (૪/૮/૧૮૯૪)
ધર્મપરિષદના સભ્ય પ્રતિનિધિ વીરચંદ આર.ગાંધીએ તાજેતરમાં ેંહાર્હુહ ન્ૈકી ર્ક ત્નીજેજ ઝ્રરિૈજં યોગ્ય ભાષાંતર કર્યું છે. ભારતના વતની હોવાને કારણે અને દેશમાં ભ્રમણ કર્યું હોવાથી હિમીસ મઠનું સારું ચિત્રણ કરી શક્યા છે, જ્યાંથી નોટોવિચને પ્રાચીન હસ્તપ્રતો મળી હતી. આ ઉપરાંત તેઓએ જે વિદ્વત્તાથી ઉદાહરણ ટાંક્યાં છે તે બીજા કોઈ ભાષાંતરમાં નથી. દરેક પાસે આ ભાષાંતરની એક કોપી હોવી જોઈએ.
બફેલો ટાઈમ્સ એન.વાય.
(૮/૮/૧૮૯૪)
વીરચંદ ગાંધી કાસાડાગાના માનનીય મહેમાન છે. લોકો એમની સ્થિર નિષ્ઠા અને સાદગીથી મોહિત થયા અને તેવા લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેઓનો મધુર સંગીતમય અવાજ અને રૂઢિગત પરંપરાગત પહેરવેશ તેમને હંમેશાં અલગ પાડે છે. (ક્રમશઃ)








