Magazines

અમેરિકનોને સ્મૃતિશક્તિ ખીલવવાના પાઠો શીખવે છે!

By GS TEAM
10 Jun 20265 mins read
અમેરિકનોને સ્મૃતિશક્તિ ખીલવવાના પાઠો શીખવે છે!

- ભારતીય સંસ્કૃતિના જ્યોર્તિર્ધર શ્રી વીરચંદ ગાંધી-9

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

૧૩૨ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા વીરચંદ ગાંધી ભારતીય તત્વજ્ઞાાનની ગરિમા દર્શાવીને સિદ્ધ કરવા માગે છે કે ભારત એ માત્ર વાઘ, કોબ્રા કે રાજાઓનો દેશ નથી, પરંતુ એની પાસે પોતીકું આગવું વિજ્ઞાાન છે, એની ધર્મવિચારણા છે, સમૃદ્ધ ભાષા અને સાહિત્ય છે અને એવા ભારતની ખોટી વાતો ચગાવીને બદનામ કરવાની પ્રવૃત્તિનો ખ્રિસ્તી પ્રભાવથી ભરેલા ક્ષેત્રમાં વીરચંદ ગાંધીએ પ્રચંડ વિરોધ કર્યો. આમાં જરૂર પડે ત્યારે એમણે ભારતીય ઈતિહાસની, એના ગહન તત્વજ્ઞાાનની, એની ઉત્કૃષ્ટ શિક્ષણપ્રથાની ગરિમામય વિગતો શ્રોતાજનો સમક્ષ રજૂ કરી અને પોતાનો ફેંસલો આપતા હોય તેમ સહુને સંબોધીને કહ્યું,

'અમેરિકાના ભાઈઓ અને બહેનો ભારતને ક્રિશ્ચિયન દેશ બનાવી શકાય એવી લેશમાત્ર શક્યતા નથી.'

હજી આગળ વધીને વીરચંદ ગાંધી કહે છે કે આ મિશનરી શાળાઓ કે સરકારી અંગ્રેજી સ્કૂલો યુવાનોની પ્રકૃતિઓને રૃંધે અને વિકૃત બનાવે એવું શિક્ષણ આપે છે. આને માટે અમેરિકા અને ઈગ્લેન્ડથી લાખો ડોલર ભારતમાં મોકલવામાં આવે છે. કેટલાક વિદ્વાન મિશનરીઓ પોતાના વાક્ચાતુર્યથી ભારત પર આક્ષેપો અને દોષારોપણ કરે છે અને હિંદુ ધર્મની ટીકા કરવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. કોઈ પણ માણસ સંસ્કૃત ભાષાનું પૂરતું જ્ઞાાન ધરાવતો ન હોય તો એ હિંદુ ધર્મને જાણી શકે નહીં. જો તેઓ સંસ્કૃતમાં મારી સાથે વાર્તાલાપ કરી શકે તો હું જરૂર એ પાદરીઓના શબ્દો પર ભરોસો મૂકું. પણ જો તેમ કરી શકે નહીં તો હું એમ પૂછીશ કે તેઓ અત્યાર સુધી ભારતમાં શું કરી રહ્યા હતા ?

આ મિશનરીઓ ગરીબોના બેલી હોવાનો દેખાવ કરે છે. મારે પૂછવું છે કે સરેરાશ પચાસ સેન્ટની માસિક આવક ધરાવતી હિંદુઓની અર્ધી વસ્તી માત્ર એક ટંકનું ભોજન પામે છે, તેમ છતાં તેમના પર સરકાર દ્વારા રોજેરોજ વધારાનો કર નાખવામાં આવે છે, આની સામે તેઓ કેમ સવાલ ઉઠાવતા નથી ?રાણી વિક્ટોરિયાને ભારતના શાસક તરીકે જાહેર કરતાં જાહેરનામાની પાછળ લાખો ડોલર એ સમયે ખર્ચાયા, જે સમયે ભારતમાં ભૂખમરાથી પાંચ હજારો માણસો મરી ગયા હતા. શા માટે કોઈ મિશનરીએ આની સામે કોઈ કમિશન નીમવાની વાત કરી નહીં ?

ઈ.સ. ૧૮૯૪ની ૩૦મી નવેમ્બરે આ નાઈન્ટીન્થ સેન્ચ્યુરી નામની પ્રભાવશાળી સભ્યો ધરાવતી પ્રસિદ્ધ ક્લબ આગળ વીરચંદ ગાંધીએ આ પ્રવચન આપ્યું ત્યારે ૩૩ વર્ષ સુધી ભારતમાં રહેલા કલકત્તાના બિશપ થોર્બને વીરચંદ ગાંધી સાથે ચર્ચામાં ઊતર્યા. એ સમયે આવું બનતું હતું. સ્વામી વિવેકાનંદ સામે પણ ખ્રિસ્તી મિશનરીઓએ એક યા બીજું કારણ શોધીને ચર્ચાના વંટોળ જગાવ્યા હતા. વીરચંદ ગાંધીએ બિશપ થોર્બનેના પ્રશ્નોનો સબળ ઉત્તર આપ્યો હતો. બીજે દિવસે આ સંસ્થાના પ્રમુખે વીરચંદ ગાંધીને આભારપત્ર લખ્યો, જેમાં એમના વિચારોને આદર આપવાની સાથે સભામાં પધાર્યા તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

વીરચંદ ગાંધીની વિરલ પ્રતિભાનો સ્પર્શ વોશિંગ્ટન ડી.સી.માં એમણે આપેલા અને 'ધ જૈન ફિલોસોફી'માં સંગ્રહિત થયેલા જીઅદ્બર્હ્વઙ્મૈજદ્બ નામના પ્રવચનમાં જોઈ શકાય છે. ધાર્મિક પ્રતીકોનું અર્થઘટન કરતા આ વિષયનો એમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઈજિપ્શિયન અને પારસી ધર્મનાં પ્રતીકોની એ વાત કરે છે, પરંતુ વિશેષે તો એમણે હિંદુ અને જૈન ધર્મનાં પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ પ્રતીક બંને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ કરે છે. એમાં પણ ખાસ કરીને એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું અનુસંધાન સાધી આપે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એ ભારતી પરંપરામાં માત્ર સદ્ભાવ (ગુડલક) આણનારું નથી, પરંતુ મુક્ત આત્માની ઓળખ આપનારું છે. સાત આંધળા અને હાથીનું અનેકાંતવાદ દર્શાવતું દૃષ્ટાંત કે પછી માનવીની તૃષ્ણાને દર્શાવતું મધુબિંદુનું દ્રષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન પર પડેલાં જાંબુ લેવાનું લેશ્યાઓનું દૃષ્ટાંત સમજાવે છે. આઠ પાંદડીવાળા કમળનું પ્રતીક સમજાવે છે. વળી જરૂર પડે ત્યાં તેઓ ચિત્રો દોરીને વિચાર સ્પષ્ટ કરે છે.

જૈન તત્વક્ષાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે સ્મૃતિશક્તિને ખીવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી ગાંધી કલિકાલસર્વસ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. ગટુલાલજીનાં ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે છે. કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય વિશે તેઓ એમ કહે છે કે પ્રાત:કાળે ચાલીસ જેટલા હસ્તપ્રતલેખ કરતા લહિયાઓને લખવા બેસાડતા. એક લહિયાને વ્યાકરણશાસ્ત્રની પહેલી લીટી લખાવે, લહિયો એ લખે ત્યારે તેઓ બીજા લહિયા પાસે જાય અને પોતાના બીજા ગ્રંથ અલંકારશાસ્ત્રની પહેલી પંક્તિ લખાવે. આમ પોતાના ૪૦ ગ્રંથોની પ્રથમ પંક્તિ લખાવ્યા બાદ તેઓ ફરી પ્રથમ ક્રમના લહિયા પાસે જાય અને તેને વ્યાકરણશાસ્ત્રનું બીજું વાક્ય લખાવતા. આ રીતે તેઓ થોડા જ દિવસમાં એકસાથે ચાલીસ કૃતિની રચના કરી શકતા હતા.

એ સમયે શ્રીમદ્ રાજચંદ્ર જીવિત હતા અને વીરચંદ ગાંધી એમના અદ્ભુત શતાવધાનના પ્રયોગો અંગે વાત કરે છે. મુંબઈમાં વૈષ્ણવ સંપ્રદાયના પં.ગટુલાલજી અંધત્વને કારણે અભ્યાસ કરી શક્યા નહીં, પરંતુ બીજા પાસેથી સાંભળીને પોતાની સ્મૃતિ-શક્તિના બળે સાંભળેલા ફકરાઓ કોઈ પણ સમયે પુન: બોલી શકતા હતા.

પશ્ચિમના દેશોમાં ભારતીય લોકો વિશે તુચ્છ, જંગલી અને ક્રૂર સામાજિક રૂઢિ ધરાવનારાનો ખ્યાલ હતો, ત્યારે વીરચંદ ગાંધીના આ વિચારોએ અમેરિકનોના મનમાં ભારતની કેવી ભવ્ય છબી સર્જી હશે તે વિચાર આજે પણ રોમાંચિત કરે છે!

એ પછીના પ્રકરણમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મહત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના અર્થો પણ સમજાવે છે.

'્રી ્િેી ન્ટ્વુજ ર્ક ન્ૈકી'માં ૫ૂર્વ અને પશ્ચિમના જીવન વિશેની ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્વોને દર્શાવે છે. બંને સુખની શોધ ચલાવે છે, પરંતુ પૂર્વનો સુખનો અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમનો સુખનો વિચાર શરીર સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ એ સુખની સમાપ્તિ માને છે.

કર્મનો સિદ્ધાંત વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું સૌપ્રથમ ધ્યાન ખેચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્ધાન ગ્લાસેનેપ જૈન કર્મસિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડોક્ટરેટનો નિબંધ આ વિષય પર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીનાં પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારાં છે. સ્વતંત્ર રીતે વિચારનારી બુદ્ધિપ્રતિભાની જીવંતતા જોવા મળે છે.

માત્ર એ દુર્ભાગ્ય ગણાય કે વીરચંદ ગાંધીએ આપેલા જૈન ધર્મના સિદ્ધાંત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યા અને એને પરિણામે ભારતીય શાસ્ત્રોમાં ઊંડો રસ લેનારાઓએ પણ વીરચંદ ગાંધીએ આપેલ આ સિદ્ધાંતો વિશે બહુ ઊંડાણથી વિચાર કર્યો નહીં. વીરચંદ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને જાણતા હતા. કર્મ શબ્દના જુદા જુદા સમયે થયેલા અર્થોના પરિવર્તનને સમજતા હતા અને એથી તેમનો કર્મ વિશેનો ઊંડો અભ્યાસ 'કર્મ ફિલોસોફી' નામના ગ્રંથમાં જોવા મળે છે. (ક્રમશ:)