દેવાધિદેવની ભવ્યતા અને મહત્તા દર્શાવતી 'શ્રીચંદ્ર'ની 'અરિહંત વંદનાવલિ'!

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
સાચે જ કોઈ એક ધન્ય પળે 'અરિહંત વંદનાવલિ'ની રચના થઈ હશે. પાનસર તીર્થમાં ભગવાન મહાવીરના જિનાલયમાં રહીને સાધના કરનાર શ્રી ચંદુલાલભાઈ શાહ અર્થાત્ કવિશ્રી ચંદ્રની ભીતરમાં અજબ ભાવપરિવર્તન આવ્યું. ઉત્કૃષ્ટ ધર્મઆરાધના, સાધુ-સંતો પાસે રહીને સ્વાધ્યાય અને ધ્યાન, યોગ અને નિદિધ્યાસનથી આધ્યાત્મિક જીવન જીવતા હતા અને એમાં એમને પ્રાકૃત ભાષામાં લખાયેલું 'ણમોક્કારાવલિ-નમસ્કારાવલિકા' કાવ્ય મળ્યું અને એ કાવ્યને જોઈને અતિ હર્ષ પામેલા 'શ્રીચંદ્ર' એને મસ્તક પર મૂકીને નાચ્યા હતા અને એમાંથી એમણે ગુજરાતી ભાષામાં હરિગીત છંદમાં 'અરિહંત વંદનાવલિ' નામના ગ્રંથનું સર્જન કર્યું.
એ 'અરિહંત વંદનાવલિ' વિશે પરમ દાર્શનિક પૂજ્ય જ્યંતમુનિજીએ એક ઉત્તમ ગ્રંથ લખ્યો છે. શ્રી જ્યંતમુનિજી મહારાજના ગ્રંથોમાં તેઓની અનોખી પ્રજ્ઞાથી રચાયેલું સાહિત્ય પ્રાપ્ત થાય છે. શ્રી સમ્મેતશિખરજી તીર્થ પાસે આવેલી પેટરબારમાં રહીને અનુપમ ધર્મકાર્યો સાકાર કરનાર પૂજ્ય જ્યંતમુનિજી મહારાજે ચોવીસ ગ્રંથો આપી જૈન શ્રુતસંપદા સમૃદ્ધ કરી છે. એમણે 'અરિહંત વંદનાવલિ'ની ૪૯ કડી વિશે હ્ય્દયસ્પર્શી વિવરણ કર્યું છે. એની પ્રથમ કડીનું વિવરણ કરતા એમણે દર્શાવેલી 'શ્રીચંદ્ર'ની કવિત્વશક્તિ અને અધ્યાત્મશક્તિની વિશેષતા જોઈએ. એની પ્રથમ ગાથા છે,
જે ચૌદ મહા સ્વપ્નો થકી
નિજ માતને હરખાવતાં,
વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને
ગોપવી અવધારતા,
ને જન્મતાં પહેલાં જ
ચોસઠ ઈન્દ્ર જેને વંદતા,
એવા પ્રભુ અરિહંતને
પંચાંગભાવે હું નમું.૧
હવે પરમ દાર્શનિક પૂજ્ય જ્યંતમુનિ મહારાજે એનું આપેલું અનોખું વિવરણ પણ જાણીએ. જેમાં શ્રી ચંદ્રની રચનાની તાત્વિક અને હ્ય્દયસ્પર્શી વિવેચના મળે છે. રસના ચટકા હોય એમ અહીં એની ૩૯ ગાથાઓમાંથી પહેલી ગાથા આપીએ છીએ, જેનાથી વાચકોને શ્રીચંદ્રની રચનાના અનોખા મહત્ત્વનો અંદાજ આવે.
પૂજ્ય જ્યંતમુનિજી એનું વિવરણ આપતા કહે છે કે, અરિહંત વંદના શા માટે ? આપણે ત્યાં નવકાર મંત્રમાં તો પાંચે વંદના પ્રસિદ્ધ છે. પાંચે પદને સમાન રૂપથી નમસ્કાર કરવામાં આવ્યા છે. તો અહીં પ્રશ્ન થશેે કે જ્યારે મહાન કવિ મહાભાગ મહાત્માએ વિશેષ રૂપે અરિહંત વંદનાની રચના કરી તેમાં તેનું ભાવાત્મક પ્રયોજન શું હોવું જોઈએ ?
વસ્તુત : જૈન સંપ્રદાય, જૈન સંઘ કે જૈન પરંપરા એ એક નિગ્રંથ પરંપરા કહેવાય છે. આ સંપૂર્ણ નિગ્રંથ પરંપરાનો આધાર અરિહંત પરમાત્મા છે. જીવન સાધનાનું પૂર્ણવિરામ તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત થનારાં બધા પુણ્યાત્માઓ અરિહંત ગણાય છે. સિદ્ધ ભગવાન તો શ્રદ્ધાથી પ્રકાશિત થાય છે, જ્યારે અરિહંત ભગવંતના સાક્ષાત્ દર્શન થાય છે. તેને પ્રત્યક્ષ હિર કહેવામાં આવે છે. અર્થાત્ નજરની સામે સાકારરૂપે બિરાજમાન ભગવંતો તે અરિહંતો છે. અરિહંત પછી તેમનું આખું શાસન ગણધર, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુથી આરંભ થાય છે. શાસનના પ્રણેતા કહો કે શાસનના રાજાધિરાજ કહો તે શ્રેષ્ઠપદ પર બેઠેલા અરિહંત ભગવંતો જ આધારભૂત છે.
અહીં કવિ શ્રીચંદ્ર ભગવાનના જન્મ પહેલાં જ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ તેમનું માનસચિત્ર ઊભું કરે છે. માતા કેવી ધન્યભાગી છે તે પણ જણાવી દે છે. જો કે ભારતવર્ષની સંપૂર્ણ સંસ્કૃતિમાં માતૃપદને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને દેવાધિદેવનાં માતા-પિતા તો પરમ પુણ્યના ભાગીદાર થઈ મોક્ષગામી બની જાય છે.
કવિ ચૌદ સ્વપ્નનો ઉલ્લેખ કરીને એટલેથી સંતોષ પામ્યા નથી, પરંતુ તીર્થંકર ભગવાનની મહાનતાને પ્રગટ કરતા કહે છે કે - બધા ઈન્દ્રો જે સ્વર્ગના અધિપતિ છે અને દેવોના અધિષ્ઠાતા હોવાથી મૃત્યુલોક અને ઊર્ધ્વલોકમાં ઈન્દ્રનું સ્થાન બહુ જ ઊંચું છે. આ બધા ઈન્દ્રો ગર્ભમાંથી જ ભગવાનની પ્રતિમાને સમજી સ્વર્ગમાંથી જ વંદન કરવા શરૂ કરે છે અને તેથી સિંહાસન પરથી ઊતરી મોજડી ઉતારી મુગટ સાથે ભૂમિ સુધી ઝૂકીને ભાવપૂર્ણ વંદન કરે છે.
જૈન શાસ્ત્રોમાં ઈન્દ્ર ભગવાનને વાંદે છે એવો બરાબર ઉલ્લેખ મળે છે. આની પાછળ તાત્પર્ય શું છે ? જુઓ ઈન્દ્ર છે તે સત્તા અને સંપત્તિનો અધિષ્ઠાતા છે, તેના હાથમાં અપાર શક્તિ અને સમૃદ્ધિ છે. ઘડીના છઠ્ઠા ભાગમાં મૃત્યુલોકમાં કહર (આપત્તિ) વર્ષાવે કે અમૃત-વર્ષા કરે એવી શક્તિના ધારક છે. જ્યારે તીર્થંકરદેવાધિદેવ સત્તા ને સંપત્તિના ત્યાગી સર્વથા અપરિગ્રહી નિગ્રંથ અને જ્ઞાનના મૂર્તિ છે. તેની સામે ઇન્દ્ર ઝૂકે છે. તેનો અર્થ એ છે કે ત્યાગ અને જ્ઞાનનાં ચરણોમાં સત્તા અને સંપત્તિ ઝૂકી જાય છે. સત્તા અને સંપત્તિ કરતાં ત્યાગ અને જ્ઞાનનું મહત્ત્વ વધુ છે. બીજો અર્થ એ થાય છે કે ઈન્દ્ર કરતાં પણ અનંતગુણ વધારે ભગવાનની પાસે ગુપ્ત શક્તિ છે અને સંપત્તિ તો તેનાં ચરણોમાં નાચતી જ રહે છે. એટલા માટે આનંદઘનજીએ ગાયું છે કે - ચરણકમળ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ... અહીં કમલા કહેતા લક્ષ્મી અને સમૃદ્ધિ સ્વત: પ્રભુનાં ચરણોમાં નૃત્ય કરે છે.
અહીં અરિહંતની વંદનામાં સામાન્ય અરિહંતને નજર સમક્ષ રાખી દેવાધિદેવની મહત્તાનું પ્રદર્શન કરતા કવિ તૃપ્ત થાય છે અને છેવટે બોલી ઊઠયા છે કે - પંચાંગ ભાવે હું વંદન કરી રહ્યો છું. ઉપરના ચારે પદમાં બાહ્ય ભાવની સાથે-સાથે આંતરિક ભાવને પણ સ્પર્શ કર્યો છે એ ભૂલવા જેવું નથી. તીર્થંકરપ્રભુને ગર્ભમાં ત્રણ જ્ઞાન હોય છે, તેનો પણ સામાન્ય બોધ કરાવ્યો છે. જો કે આંતરિક ક્ષયોપશમ પણ સામાન્ય અરિહંતોને ઉપલબ્ધ નથી, તેથી આખું પદ મુખ્યભાવે તીર્થંકરોને લક્ષમાં રાખીને જ અરિહંત રૂપે વાંધા છે. આ આખા કાવ્યમાં પંચાંગભાવે ૪૯ વાર વંદન કરવામાં આવ્યા છે, અર્થાત્ પ્રત્યેક કાવ્યની અંતિમ પંક્તિ પંચાંગભાવે વંદનીય છે. પુન: પુન: વંદન થાય છે તે ભાવાત્મક ક્રિયા છે. અહીં આપણે પંચાંગભાવનો થોડો અર્થ સમજીએ.
સામાન્ય રીતે ભારતમાં બે પ્રકારના વંદન પ્રસિદ્ધ છે - (૧) સાષ્ટાંગ વંદન (૨) પંચાંગ વંદન.
સાષ્ટાંગ વંદનનો અર્થ છે આઠે અંગ ઝૂકવા જોઈએ - તે બે હાથ, બે પગ, બે આંખ, હ્ય્દય અને મસ્તક. આ સામાન્ય ગણના છે. પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો પોતપોતાની રીતે ગણના કરે છે. પંચાંગભાવે એટલે બે હાથ બે પગ અને મસ્તક, જે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે.
હવે એનો આપણે અંગરંગ વિચાર કરીએ. પગ છે તે ચરણ શક્તિ છે અને હાથ છે તે કરણ શક્તિ છે અને મસ્તક છે તે બૌદ્ધિક શક્તિ છે. પંચાંગભાવનો અર્થ છે મનુષ્યની ચરણ શક્તિનું વિરામ પ્રભુના અથવા ગુરુના ચરણે થવું જોઈએ. ભલે એ સંસારનાં બધાં કાર્યો માટે ચાલતો રહે, પરંતુ એક વખત પોતાના ચરણ ગુરુચરણમાં અર્પિત થાય અને ત્યાં પહોંચે તો તેની સમગ્ર શક્તિ કલ્યાણનું કાર્ય બને. એ જ રીતે બંને હાથ તે કર્મ શક્તિ બતાવે છે. મનુષ્ય બધાં કર્મ કરે છે, પરંતુ આ કર્મો પણ તેમણે પ્રભુના ચરણે સમર્પિત કરવાના છે. હાથ છે એ એના જીવનની કમાણીનું સાધન છે. જ્યારે બંને હાથ ગુરુચરણનો કે પ્રભુચરણનો સ્પર્શ કરે છે ત્યારે તેની બધી કર્મ પ્રકૃતિ પુણ્યમય બની જાય છે. આ ચાર અંગ પછી જે મસ્તક છે તે બૌદ્ધિક શક્તિનું અધિષ્ઠાન છે અને તે સર્વોપરી છે. વિચાર શક્તિ એ જ સમગ્ર શક્તિનું કેન્દ્ર છે. જ્યારે મનુષ્ય અહંકારનો ત્યાગ કરી ગુરુચરણે મસ્તક ઝુકાવે છે ત્યારે તેમના અજ્ઞાનના પડદા દૂર થઈ જ્ઞાનનાં બિંદુઓ પ્રવાહિત થાય છે. બુદ્ધિ તર્કપ્રધાન મટી ભાવપ્રધાન બને છે, શંકા છોડી ભક્તિમય બને છે. તેમને લાગે છે કે મારે માટે આખું ઉપાસ્યતત્ત્વ અરિહંતદેવો અને ગુરુભગવંતો જ છે. આમ પંચાંગભાવે વંદન કરી એક પ્રકારે સંતુષ્ટિ મેળવે છે, અને આપણા કવિ વારંવાર અતૃપ્તભાવે પ્રત્યેક પંદમાં પંચાંગભાવે વંદન કરી છેવટે તૃપ્ત થાય છે અને પંચાંગ વંદનનો એક હાર જાણે પોતે પહેર્યો હોય તેવો સંતોષ અનુભવે છે.









