Magazines

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-4

By GS TEAM
6 May 20265 mins read
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-4

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

અને એ ભવ્ય પ્રસંગનું જરા સ્મરણ કરીએ. ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં વિદેશની ધરતી પર સૌપ્રથમ વાર જૈન ધર્મનો અવાજ સંભળાયો. એના ગહન ધર્મદર્શનની વાતો સંભળાઈ. ૨૯ વર્ષના મહુવાના યુવાન વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદના પંદરમા દિવસે પોતાનું વકતવ્ય પ્રસ્તુત કર્યું.

આ સમયે ભારતથી આવનાર વક્તાઓની કેવી પરિસ્થિતિ અને પ્રભાવ હતો, એને વિશે સ્વામી વિવેકાનંદે નોંધ્યું છે કે વિશ્વધર્મ પરિષદના યોજકો દ્વારા પૂર્વના વિદ્વાનોનાં પ્રવચનો દિવસના કાર્યક્રમના અંત ભાગમાં રાખવામાં આવતાં. જેથી શ્રોતાઓ જિજ્ઞાસાભેર બેસી રહે. વળી ભારતીય વક્તાઓનાં પ્રવચનના પ્રારંભે જ વીરચંદ ગાંધી ભારતને ધર્મોની જનની તરીકે ઓળખાવે છે. એ સમયે એક એવી ભ્રાંત માન્યતા પ્રવર્તતી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. પોતાના વ્યાખ્યાનના પ્રારંભે જ વીરચંદ ગાંધી સ્પષ્ટ કરે છે કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ જેવું છે, પરંતુ આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ તે એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણો પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. આજે ભારતમાં જૈન ધર્મને પાળનારા એના શાંતિચાહક અને કાયદાપાલક અનુયાયીઓ મળે છે.

હવે જુઓ ભારતની ગુરુઓ પ્રત્યેની ભાવના. વીરચંદ રાઘવજી ગાંધી મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની પ્રેરણાથી પરિષદમાં આવ્યા હતા. નિમંત્રણ તો પૂ.શ્રી આત્મારામજી મહારાજને મળ્યું હતું, પરંતુ જૈન સાધુ વિદેશગમન કરતા નથી, તેથી એમણે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ૨૯ વર્ષના વીરચંદ ગાંધીને મોકલ્યા હતા. વકીલાતનો અભ્યાસ કરનારા વીરચંદ ગાંધીને માત્ર છ મહિના પોતાની પાસે રાખીને એવા તો તૈયાર કર્યા કે જેથી વીરચંદ ગાંધી માત્ર જૈનદર્શન જ નહીં, બલ્કે ભારતનાં છયે દર્શનોનું જ્ઞાન પામ્યા હતા.

વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે એ સમયે વીરચંદ રાઘવજી ગાંધીએ જૈનદર્શન ઉપરાંત સાંખ્યદર્શન અને વૈશેષિકદર્શક પર વકતવ્ય આપ્યા હતા.

વિશ્વધર્મપરિષદના પ્રારંભે વીરચંદ રાઘવજી ગાંધી જાણે ગુરુવંદના કરે છે. મુનિરાજશ્રી આત્મારામજી મહારાજ (પૂજ્યશ્રી વિજયાનંદસૂરિજી મહારાજ)ને વંદના કરીને પોતાની વાતનો પ્રારંભ કરે છે.

વીરચંદ ગાંધીએ દાખવેલી ગુરુભક્તિ વિશ્વધર્મ પરિષદના શ્રોતાજનોને સ્પર્શી ગઈ. આપણને જ્ઞાન આપનારી વ્યક્તિ ઉપસ્થિત ન હોય ત્યારે કેવા આદરપૂર્વક સ્મરણ કરવું જોઈએ એનું ઉદાહરણ વીરચંદ ગાંધીએ પૂરું પાડયું. આમાં સહુએ ભારતીય પરંપરાનો સ્પર્શ અનુભવ્યો.

વીરચંદ ગાંધીના જૈનદર્શન વિષયક પ્રવચનની વિશેષતા એ હતી કે એમણે સરળ, પ્રાસાદિક અને સહુ શ્રોતાઓને સમજાય એ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા. આમ કરીને સ્વધર્મની અતિ પ્રશંસા દ્વારા આત્મશ્લાઘામાં લપસી પડનારા ઘણા વિચારકોને એમણે વિવેકભર્યો માર્ગ ચીંધી આપ્યો. જૈન દર્શનની  સમજાવટ કરતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષાને એવી રીતે પ્રયોજે છે જેથી એ વાત કે વિચારને સહુ કોઈ સમજી શકે. આવી કમાલ કરે છે મહુવાના આ ૨૭ વર્ષના યુવાન ! હવે જરા નજર કરીએ એમના વકતવ્ય પર.

તેઓ ખૂબ તાર્કિક રીતે અને પૃથક્કરણાત્મક રીતે જૈનદર્શન વિશેનું વકતવ્ય આપે છે અને શરૂઆતમાં જૈનદર્શનથી અનભિજ્ઞા એવા શ્રોતાઓ સમક્ષ જૈનદર્શનની પાયાની વાતો પ્રસ્તુત કરતા કહે છે.

'જૈન પ્રણાલીને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું શ્રુતધર્મ અને બીજું ચારિત્રધર્મ.

'શ્રુતધર્મમાં અંતર્ગત નવ તત્ત્વના પ્રકારો, છ પ્રકારના જીવ અને ચાર પ્રકારની ગતિ દર્શાવેલ છે. નવ સિદ્ધાંતોમાં પહેલું આત્મા છે, જૈન ધર્મ પ્રમાણે આત્મા એક એવું સત્ત્વ છે કે જે સમજે છે, વિચારે છે અને અનુભવે છે. જીવમાં સૌથી દિવ્ય આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ સમ્યક્જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યક ચારિત્ર્ય છે. આત્મા એ પુનર્જન્મનો ઉત્ક્રાંતિનો વિષય છે. બીજો સિદ્ધાંત અનાત્માનો છે.

'પુનર્જન્મનો અથવા આત્માના પુન:અવતરણનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાનનો મહાન સિદ્ધાંત છે. આવો જ બીજો સિદ્ધાંત તે કર્મનો સિદ્ધાંત છે. જૈન તત્વજ્ઞાનમાં કર્મના આઠ પ્રકાર છે. યથાર્થ જ્ઞાનને અવરોધનાર, યથાર્થ દર્શન ( વસ્તુનું) ને અવરોધનાર, જે દુ:ખ અને સુખ આપે છે, જે મોહ પેદા કરે છે તે બીજા ચાર વધુ પેટા પ્રકારોમાં વહેંચાયેલા છે તે એટલા સૂક્ષ્મ રીતે વહેંચાયેલા છે કે કર્મ તત્ત્વજ્ઞાનનો વિદ્યાર્થી જે તે કર્મની અસરો સમજી શકે. વર્ણવી શકે. ભારતની કોઈ પણ તત્ત્વજ્ઞાનશાખા આના જેટલી ચોક્ક્સ અને સૂક્ષ્મ નથી. જે માનવી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર્ય વડે બધાં કર્મોનો નાશ કરે છે અને આત્માનો પૂર્ણ વિકાસ કરે તે પૂર્ણત્વ પામે છે અને તે 'જિન' કહેવાય છે. આ 'જિન' દરેક યુગમાં સિદ્ધાંતો શીખવે છે અને સ્થાપિત કરે છે, તેમને તીર્થકર કહેવાય છે.'

વિશ્વધર્મપરિષદના સમાપન સમયે વીરચંદ ગાંધીએ આપેલું હૃદયસ્પર્શી વકતવ્ય એમના ઉષ્માભર્યા વ્યક્તિત્વનું સૂચક છે. તેઓ કહે છે, ' શું આપણને થોડા સમયમાં જ વિદાય લેતાં દુ:ખ થતું નથી ? શું આપણી એવી ઇચ્છા નથી કે આ ધર્મપરિષદ સત્તર દિવસને બદલે સત્તરગણા વધારે દિવસો ચાલે ? શું આપણે અત્યંત આનંદપૂર્વક અનેક બુદ્ધિશાળી વકતાઓનાં તેજસ્વી ભાષણો આ મંચ પરથી નથી સાંભળ્યાં ? શું આપણે જોઈ નથી રહ્યા કે આયોજકોનું શુભ સ્વપ્ન આ અભૂતપૂર્વ સંમેલન દ્વારા આશાતીત સફળતા પામ્યું છે ? જો એક અન્ય ધર્મીને આપ શાંતિ અને પ્રેમનો સંદેશ આપવાની અનુમતિ આપો છો તો હું કહીશ કે આ મંચ દ્વારા અનેક ઉદાર ભાવ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રગટ થયા છે. આ વિચારોમાં અંધવિશ્વાસ કે કટ્ટરતા નથી.'

પરિષદના અંતે એમણે કહ્યું,'ભાઈઓ અને બહેનો ! હું આપને પ્રાર્થના કરું છું કે ભિન્ન ભિન્ન ધર્મોને ગહનતાથી જોવા પ્રયત્ન કરશો. હાથી અને સાત આંધળાઓની વાર્તા સમાન અંધવિશ્વાસ તથા પક્ષપાતની દૃષ્ટિથી વિચાર કરવો અનુચિત ગણાશે.'

આમ, વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીનાં પ્રવચનોએ જૈનદર્શન અને ભારતીય વિદ્યા અંગે એક નવી લહેર જગાવી. અમેરિકાનાં અખબારોએ એમની જ્ઞાનમય પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્યો વેર્યા. વિશ્વધર્મ પરિષદના યોજકોએ વીરચંદ ગાંધીને એમની યશસ્વી કામગીરી માટે રૌપ્ય ચંદ્રક અર્પણ કર્યો.

અને એ પછી અમેરિકાના નવી દુનિયાનાં દ્વાર વીરચંદ રાઘવજી ગાંધીને માટે ખુલી જાય છે. ભારત વિશેની ભ્રામક અને ભૂલ ભરેલી માન્યતાઓનું એ ખંડન કરે છે. ખ્રિસ્તીઓ દ્વારા થતા ધર્માતર અંગે પ્રબળ અવાજ ઉઠાવે છે અને એથીયે વિશેષ તો ભારતીય સંસ્કૃતિની ગહનતા અને ગૌરવને રજૂ કરવાની સાથોસાથ જૈનદર્શનની ખૂબીઓ સમજાવે છે અને બહુમુખી પ્રતિભા ધરાવતા વીરચંદ ગાંધી અનેક વિષયો પર વ્યાખ્યાન આપીને અમેરિકાને ઘેલું કરે છે એ વિશેની રોમાંચક વાત હવે પછી....                   

(ક્રમશ:)