Magazines

હજારો અમેરિકનો શાકાહારી બનીને સમાધિ ધ્યાન સાથે નવકારનો જપ કરવા લાગ્યા !

By GS TEAM
3 Jun 20265 mins read
હજારો અમેરિકનો શાકાહારી બનીને સમાધિ ધ્યાન સાથે નવકારનો જપ કરવા લાગ્યા !

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-8

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

છેક ઇ.સ.૧૮૯૩માં અમેરિકામાં વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાનોની સતત વર્ષા ચાલતી રહી અને એમને વ્યાપક લોકચાહના પ્રાપ્ત થઈ. એમણે યોગ અને ગૂઢવિદ્યા, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની નૈતિકતા, જૈન ધર્મ અને હિંદુ ધર્મનો ઇતિહાસ જેવાં વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. એમનો હેતુ માત્ર ભારતીય સંસ્કૃતિના બ્રહ્મચર્યની વાત કરીને અટકી ગયા નહીં, બલ્કે પોતાના શ્રોતાઓના જીવનમાં એનું આચરણ થાય એવી અપેક્ષા રાખી. આથી એ આવશ્યક હતું કે આ માટે કોઇ સ્થાપી સંસ્થા ઉભી થાય અને એના દ્વારા સતત આ સંદેશો વહેતો રહે.

પરિણામે વોશિંગ્ટનમાં એમણે ગાંધી ફિલોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. એમાં બસોથી અઢીસો સભ્યો હતા અને એના પ્રમુખપદે અમેરિકાના પોસ્ટમાસ્ટર જનરલ જોસફ સ્ટુઅર્ટ હતા. વીરચંદ ગાંધીના ઉપદેશથી હજારો લોકો શાકાહારી બન્યા. કેટલાકે ચોથા વ્રત (બ્રહ્મચર્ય)ને અંગીકાર કર્યું અને કેટલાકે સમાધિ ધ્યાન કરવાનું શરૂ કર્યું તો કેટલાક શ્રી નમસ્કાર મહામંત્રનો જપ કરવા લાગ્યા.

વિશ્વધર્મ પરિષદની કલ્પના કરનાર ચાર્લ્સ સી.બોનીએ સ્વયં ભારતમાં દુષ્કાળ રાહત માટે અમેરિકામાં વીરચંદભાઈએ ૧૮૯૬-૯૭માં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિનું પ્રમુખપદ સ્વીકાર્યું હતું અને શ્રી ચાર્લ્સ બોનીના સહયોગ અને ભારત પ્રત્યેના સદ્ભાવને લીધે વીરચંદભાઈએ તાત્કાલિક સાનફાન્સિસ્કો શહેરથી મકાઈ ભરેલી સ્ટીમર કલકત્તા મોકલી હતી અને આશરે ૪૦ હજાર રૂપિયા ભારતના જુદા જુદા ભાગોમાં મોકલાવી શક્યા હતા.

આવી જ રીતે વિશ્વધર્મ પરિષદના મંત્રી ડો.જોન હેન્રી બરોઝને વીરચંદગાંધીના વ્યક્તિત્વની સ્વસ્થતા અને સમભાવ સ્પર્શી ગયાં હતાં. પાદરી જ્યોર્જ પેન્ટાકોસ્ટે હીન ભાષામાં કરેલી હિંદુ ધર્મની ટીકાનો વીરચંદભાઈએ જે સ્વસ્થતા અને સચોટતાથી ઉત્તર આપ્યો તેનાથી તે પ્રસન્ન થઈ ગયા હતા. આથી વિશ્વધર્મ પરિષદની પૂર્ણાહુતિ પછી એમણે વીરચંદભાઈને રહેવા માટે શિકાગોનું પોતાનું નિવાસસ્થાન ખાલી કરીને આપ્યું હતું. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ પણ એમની પ્રતિભાનો સ્વીકાર કર્યો. શિકાગો શહેરના પાદરી રેવરન્ડ આર. એ. વ્હાઇટે પોતાનો અનુભવ વર્ણવતાં લખ્યું,'મારા ચર્ચમાં એમણે આપેલ પ્રવચન મારા મત પ્રમાણે, એમની રજૂઆત કરવાની ઢબ અને વિગત એમ બંને દૃષ્ટિથી એમને છાજે એવું હતું. એમણે દર્શાવ્યું કે પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન સંપૂર્ણ રીતે ગ્રહણ કરેલું છે. શ્રી ગાંધીનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ છે અને સર્વત્ર રસજિજ્ઞાસા જાગે તેવું એમનું વ્યક્તિત્વ છે.'

એ જ રીતે એમને વ્યક્તિગત રીતે મળનાર રેવરન્ડ એરિસન પાર્કર કહે છે : 'અત્યંત બુદ્ધિશાળી તથા પૂર્વના પ્રતિનિધિઓમાં આપણા માનસને હચમચાવી મૂકનાર તરીકેની છાપ પડી. તેઓ જે રીતે મહાપુરુષોના વિચાર અને જીવન રજૂ કરે છે તે સાંભળ્યા પછી એમના સિવાય બીજા કોઈની પાસે હું સાંભળવાનું પસંદ કરું નહીં.'

બોસ્ટનમાં વીરચંદ રાઘવજી ગાંધીએ 'કોન્સન્ટ્રેશન' પર આપેલાં પ્રવચનોથી પ્રભાવિત થયેલી લેખિકા લિલિયન વ્હિટિંગ નોંધે છે : 'એમની પાસે ઊંડી અભ્યાસશીલતા, આધ્યાત્મિક સત્યોનો આશ્ચર્યકારક લાગે એવો સંચય તથા અલ્પપરિચિત વિચારોને સમજાવવાની ક્ષમતા જોવા મળે છે.'

વીરચંદ ગાંધીની વિચારધારા સહુને પ્રભાવિત કરતી હતી. વીરચંદ ગાંધીનો સંબંધ માત્ર તત્ત્વજ્ઞાન સાથે જ નહોતો, બાળપણમાં પણ એમણે દેશની સ્થિતિ વિશે કાવ્યો રચ્યાં હતાં. યુવાનીમાં ધાર્મિક,સામાજિક અને રાજકીય વિષયો પર ભારતમાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. આથી અમેરિકામાં પણ તત્ત્વજ્ઞાન ઉપરાંત તેઓ આહાર-વિજ્ઞાન, યોગ-વિજ્ઞાન અને જીવન-વિજ્ઞાન વિશે વક્તવ્યો આપે છે. ગૂઢવિદ્યાથી માંડીને ધાર્મિક પ્રતીકોનાં રહસ્યો સુધીની વાતો એમના પ્રવચનમાં મળે છે. પ્રાચીન ભારતની સ્થિતિથી માંડીને વર્તમાન સમયમાં ભારતમાં ચાલતી મિશનરી પ્રવૃત્તિઓ અંગે આ વાત કરી શકે છે.

વિશ્વ સાથેના મનુષ્ય સંબંધનાં એક પછી એક પાસાને તેઓ ઉજાગર કરે છે. એ તત્ત્વજ્ઞાન સાથે મનોવિજ્ઞાનનો સંબંધ જોડી આપે છે, તો બીજી બાજુ સ્મૃતિના ચમત્કારની ઘટનાઓથી માંડીને આભામંડળની વાત કરે છે. વીરચંદ ગાંધીએ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એની સાથોસાથ એ સમયે જર્મની આદિ દેશોમાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓએ લખેલા અને સંશોધિત કરેલા ભારતના પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને લેખોનો એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના વક્તવ્યમાં એનો ઉપયોગ કરીને એને વધુ વિશદ બનાવતા હતા. પરિણામે તેઓ જૈન તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં એનાથી પૂર્ણપણે અપરિચિત શ્રોતાઓને સરળતાથી સમજાવી શક્યા.

'ધ જૈન ફિલોસોફીમાં ‘The Occult Law Of Sacrifice’  જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર, જેમાં અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ પ્રકાર (મિડલ કલાસ), જે માત્ર પોતાની ઇન્દ્રિયોને ખુશ કરતો, દુન્યવી આનંદમાં ડૂબેલો રહે છે જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગ (હાયર કલાસ)માં એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક કલ્યાણ કાજે પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે.

આમ, માણસે પહેલું સમર્પણ ઇન્દ્રિય ભોગોનું આપવું જોઈએ. બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું સમર્પણ ગરીબ અને જરૂરિયાતમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ પ્રાણીઓનાં કલ્યાણ કાજે કરવું જોઈએ. પાંચમું સમર્પણ પોતાની આધ્યાત્મિક ઊર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું જોઈએ.

વીરચંદ ગાંધી કહે છે કે આવાં પાંચ સમર્પણથી વ્યક્તિ 'એનિમલ મેન'માંથી 'હ્યુમન' બનશે. આ સમર્પણના દૈવી કાયદાને ખોટી રીતે સમજવામાં આવ્યો અને પરિણામે માણસો મૂક-લાચાર પ્રાણીઓની હત્યા કરે છે. માંસાહારને ઉત્તેજન આપે છે. માણસ પ્રાણીઓથી ચડિયાતો છે, તો પછી તે પ્રાણીઓને નિર્દયતાથી હણે, એ કઈ રીતે સમર્પણ ગણાય ?

આ લેખમાં વીરચંદ ગાંધી ભૌતિક ઉપભોગમાં જીવતા માનવીને આધ્યાત્મિક ઊર્ધ્વતાનું દર્શન કરાવે છે. અહીં એમની મૌલિક વિચારદૃષ્ટિનો પરિચય આપે છે. ' જૈનિઝમ' નામના લેખમાં એમણે કહ્યું છે કે બાઈબલમાં કહ્યું છે કે ‘Thou Shalt not Kill ’,પરંતુ જૈનદર્શનમાં તો કોઈનીય હત્યા કરવી નહીં તેવું કહ્યું છે. જો કે તેઓ દર્શાવે છે કે ધર્મ- ધર્મ વચ્ચેના મર્મને જાણીએ, તો કોઈ સંઘર્ષ કે વિવાદ રહેતો નથી. પ્રત્યેક ધર્મ એ મંઝિલ છે શિખર પર પહોંચવાની.

વીરચંદ ગાંધીની પ્રતિભાનું ખરું તેજ ન્યૂયોર્કની નાઈન્ટીન્થ સેન્ચ્યુરી કલબના ખ્રિસ્તી શ્રોતાજનો સમક્ષ આપેલાં પ્રવચનમાં દેખાય છે. ‘Chirstian Missions to India been Successful? એ વિષય પરના વકતવ્યમાં વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિના પ્રબળ અને તેજસ્વી પુરસ્કર્તા લાગે છે. અમેરિકામાં પ્રથમ પ્રવેશે જ અત્યંત નિર્ભયતાથી ભારત વિશેની અમેરિકાની પ્રવર્તમાન ભ્રાંતિઓ પર પ્રહાર કરવા એ વીરચંદ ગાંધીની સત્યનિષ્ઠા, સાહસ અને દેશભક્તિનું દર્શન થાય છે.

(ક્રમશ:)