Magazines

એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું! .

By GS TEAM
1 Apr 20265 mins read
એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું!                                .

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

એક કાવ્યને માટે સદૈવ યાદ કરાય છે એવા કવિ હરિહર ભટ્ટે 'એક જ દે ચિનગારી' નામનું કાવ્ય લખ્યું, જેમાં એમણે મહાનલ એટલે કે ઇશ્વર પાસે એક ચિનગારીની માગણી કરી હતી અને માનવીનાં જીવનમાં આવી એક ચિનગારી પ્રગટે તો એના અને જીવનનો આખોય ઉપક્રમ બદલાઈ જતો હોય છે.

આપણા રફતારભર્યા જીવનમાં ક્વચિત કોઈક એવી ક્ષણ આવે કે જે વ્યક્તિના ભૌતિક જીવનને બદલી નાખે અને એનામાં આધ્યાત્મિક જીવનનો પ્રકાશ પથરાઈ જાય. આવું ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ આવી પરિવર્તન આણનારી ચમત્કારિક ઘટના બની ચંદુલાલભાઈના જીવનમાં કે જેમને માતાએ એટલું જ મર્મવિદારક વિધાન કર્યું કે, 'આ ભવની સાથે પરભવની ચિંતા કર.'

અને ૧૯૫૭ થી અધ્યાત્મમાર્ગે પ્રયાણ કરનારા શ્રી ચંદુલાલ શકરચંદ શાહના જીવનમાં સાધુ-સંતોના સમાગમથી પરિવર્તન આવ્યું. ચંદુલાલભાઈ પાસેથી 'અનેકાંતવાદ સ્યાદ્વાદ' નામનો ઉત્તમ ગ્રંથ મળ્યો. એ પછી અમદાવાદ નજીક આવેલા પાનસરની ધર્મશાળાના એક કક્ષમાં રહીને તેઓ સાધના કરવા લાગ્યા. તીર્થંકર પરમાત્મા શ્રી ભગવાન મહાવીર સ્વામીના જિનાલયની છાયામાં નવાં નવાં શિખરો સર કરવા લાગ્યા.

બીજી બાજુ ગુરૂ મહારાજના માર્ગદર્શન મુજબ નમસ્કાર, સ્વાધ્યાય વગેરે નિયમિતરૂપે ચાલતા હતા અને સાથોસાથ એમનું મન ધ્યાનમાં સતત લીન રહેતું હતું. એક રીતે કહીએ તો ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં જીવન વ્યતીત થતું હતું. આજે કલ્પના કરીએ, ત્યારે વિચાર આવે કે કેવી પ્રભુ ભક્તિથી તરબોળ કેવું અનુપમ સુખદાયી જીવન તેઓ ગાળતા હશે. જિનમંદિરની પાવન છાયામાં, સાધુ મહારાજોનાં સ્વાધ્યાય સાથે પોતાનો અંતર માર્ગનો પ્રવાસ ખેડતા હશે અને એમાં પણ એમણે પ્રાકૃત ભાષામાં લખાયેલું એક સુંદર કાવ્ય વાંચ્યું. એમાં પ્રાકૃત ભાષાનો વૈભવ પણ પ્રગટ થતો હતો. અજ્ઞાાત મહર્ષિ રચિત એ કૃતિનું નામ હતું 'ણમોક્કારાવલિ-નમસ્કારાવલિકા'.

આ કૃતિમાં અરિહંત પરમાત્માના ૧૦૮ ગુણોનું વર્ણન હતું અને 'અરિહંત' શબ્દથી એમને સઘળા અરિહંત પ્રભુને વંદન કર્યા છે. એ પ્રભુનાં આંતરિક, આધ્યાત્મિક ભાવોને પ્રગટ કર્યા છે અને સાથોસાથ એ અરિહંત પરમાત્માનું ચિત્ર આપણી સમક્ષ ખડુ થઈ જાય એ રીતે કાવ્યમય આલેખન કર્યું છે આ કાવ્યનું વાચન કર્યા પછી અધ્યાત્મરસમાં ડૂબેલા એવા શ્રી ચંદુલાલભાઈ એટલા બધા ભાવવિભોર બની ગયા કે તેઓ આ ગ્રંથને પોતાના માથા પર મૂકીને નાચ્યા હતા. મારે વાચકોને યાદ અપાવું કે ફ્રાંસના મહાકવિ ગ્યુથેએ જ્યારે ભારતના કવિ કાલિદાસનો 'અભિજ્ઞાાન શાકુન્તલમ્' ગ્રંથ વાંચ્યો, ત્યારે એમને એટલો બધો હર્ષ થયો હતો કે એ ગ્રંથને માથા પર મૂકીને નાચ્યા હતા. ક્યારેક કોઈ એવો ગ્રંથ મળી જાય કે જે આપણા સમગ્ર અસ્તિત્વને ભાવોથી પરિપ્લાવિત કરી દે અને તેને માથા પર મૂકીને નાચવાનું મન થાય.

આમ ૧૯૬૧માં ગુજરાતી ભાષામાં મૂળ પ્રાકૃત ભાષાના રચયિતાની ભાવના અને ગુરૂદેવની પ્રેરણા ઝીલીને ચંદુલાલભાઈને 'અરિહંત વંદનાવલિ'નું સર્જન કર્યું. ૪૯ કડીની આ રચના છે અને એ પ્રાકૃત કાવ્યના ભાવોને એમણે ગુજરાતી ભાષામાં ઉતારવા પ્રયાસ કર્યો. ભાષા મળે પણ પેલા ઊંડાણભર્યા ભાવો કઈ રીતે પ્રગટ કરી શકાય ? અને એ માટે ચંદુલાલભાઈએ એની રચના હરિગીત છંદમાં કરી. ક્યારેક એવું બને કે ભાવ મળે, પણ એની પાછળ સાધના ક્યાંથી હોય ? જ્યારે ચંદુલાલભાઈ પાસે સાધનાનું બળ હતું અને પરમાત્મા ભક્તિ તરફનો અખૂટ ભાવ હતો. પરિણામે કોઈ ધન્ય પળે 'અરિહંત વંદનાવલિ'ની રચના થઈ.

આપણા પ્રસિદ્ધ વિદ્વાન અને જૈનદર્શનના જ્ઞાાતા એવા શ્રી ગુણવંત બરવાળિયા કહે છે કે, 'આ કૃતિ આપણને અમર સાંસ્કૃતિક વારસો આપી જાય છે. એ અનોખી પ્રેરણા અને ઉત્તમ આનંદ-પરમાત્મનંદની ભેટ આપે છે.' આ કૃતિમાં દેવાધિદેવના વૈભવનું આલેખન છે અને એની કાવ્યરીતિ એવી છે કે જેમાં દરેક કડીની ચોથી પંક્તિએ 'એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું' એવી પંક્તિ આવે છે અને એ પુનરાવર્તન દ્વારા એક નવા ભાવવિશ્વનું આ વંદનાવલિ ગાનાર સાધકના ભીતરમાં સર્જન થાય છે.

આમાં ૪૯ વાર વંદના કરવામાં આવી છે અને જાણે એમ લાગે છે કે કવિએ સતત વંદના કરીને અરિહંત પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવનાનો ગિરિરાજ આપણી સામે ઊભો કર્યો છે. આનો ભાવાનુવાદ કરનાર ચંદુલાલભાઈ શાહ, કે જે 'શ્રીચંદ્ર'ના ઉપનામથી કાવ્યરચના કરી છે, તેમણે પોતાના ભીતરનો અપ્રતિમ ઉલ્લાસ અને પરમાત્મા તરફની અપૂર્વ ભક્તિ પ્રગટ કર્યા છે. અરિહંત પરમાત્માના ચ્યવન કલ્યાણકની નિર્વાણ કલ્યાણક સુધીના પાંચેય કલ્યાણકો દર્શાવીને એ પ્રત્યેક કલ્યાણક સાથે સંકળાયેલા અરિહંત પરમાત્માના અતિશયો-વિશેષતાઓનું સંક્ષેપમાં પરંતુ સચોટ રીતે નિરૂપણ કર્યું છે.

કોઈ વાતનો વિસ્તાર કરવાને બદલે કે બિનજરૂરી કડીઓ આપવાને બદલે 'અરિહંત વંદનાવલિ'ની એકેએક કડી આપણી સમક્ષ એક મનોશબ્દચિત્ર ખડું કરે છે. વળી આપણા કંઠમાં સતત રમમાણ બની રહે તેવું આ કાવ્ય છે. એની સરળતા આપણી જીભ પર વસી જાય છે અને એની મધુરતા આપણા મનને મુગ્ધ કરે છે.

માત્ર થોડોક સમય 'અરિહંત વંદનાવલિ'નું શ્રવણ કે ગાન કરવાથી એ કંઠસ્થ થઈ જાય છે. વળી એમાં કેવા મજાના અલંકારો છે. ઉપમા અલંકારોની તો કવિએ હેલી વરસાવી છે અને આવી 'અરિહંત વંદનાવલિ' વિશે જ્યારે મેં જાણ્યું કે પરમ દાર્શનિક મુનિશ્રી જયંતમુનિજી મ. (પેટરબારે) એને વિશે ગ્રંથ રચના કરી છે અને જેનું સંપાદન ગુણવંત બરવાળિયાએ કર્યું છે, ત્યારે મને સવિશેષ આનંદ થયો. આનંદ એ માટે થયો કે જ્યારે જ્યારે મને જૈનદર્શન વિષયક કોઈ પ્રશ્ન સમજાતો ન હોય, ત્યારે હું શ્રી સમ્મેતશિખર તીર્થની પાસે આવેલા પેટરબારમાં રહેતા પરમ દાર્શનિક મુનિરાજ પાસે જતો હતો. એમનો સમય હોય વહેલી સવારના સાડા ચાર વાગ્યાનો અને ત્યારે એમની નિશ્રામાં બેસીને ઘણાં ધર્મ વિશેના મૂંઝવતા કૂટપ્રશ્નોનો ઉકેલ મેળવ્યો હતો. એમણે વિવેચના કરી હોવાથી આ કૃતિ અને સ્થાનકવાસી સમાજમાં અત્યંત પ્રચલિત બની.

કોઈક સર્જનને કોઈક પ્રયોગમાં મુકીએ ત્યારે નવો અધ્યાત્મભાવ સર્જાય છે અને એ રીતે 'અરિહંત વંદનાવલિ' એ એક પ્રયોજન કાવ્ય તરીકે તેઓ ઓળખાવે છે. એટલે કે રોજેરોજની દૈનિક ક્રિયાઓમાં અને ઉપાસનામાં એને સ્થાન આપવામાં આવે તો પરમાત્માના ઉપાસના વિશેષ ભવ્ય બને છે એવું પરમ દાર્શનિક પૂજ્ય જયંતમુનિજીએ કહ્યું છે.

એ પછી સ્થાનકવાસી સમાજના સાધ્વીશ્રી લલિતાબાઈ સ્વામી અને તરુલતાબાઈ સ્વામી આદિ મહાસતીજીઓએ આ કાવ્યને ઉપાસના રૂપે વધાવ્યું છે અને સમયેસમયે એના વિધિવત્ પાઠ-ગાન કરીને એની પુન: વંદના કરવામાં આવે છે. આને 'અરિહંત વંદનાવલિ'નું પ્રેક્ટિકલ રૂપ કહેવામાં આવે છે કે જેમાં પ્રત્યેક ગાથાની સાથે શારીરિક યોગવંદનની ક્રિયા થવાથી દ્રવ્ય અને ભાવ બંને રીતે લાભ થાય છે અને આજે પણ પૂજ્ય લલિતાબાઈ મહાસજીતી અને એમના શિષ્યાઓ ચાતુર્માસ હોય કે શેષકાળ હોય, પરંતુ પ્રત્યેક બેસતા મહિને પ્રભાતે 'અરિહંત વંદનાવલિ'ની પ્રાર્થનાભક્તિ કરાવે છે.

શ્વેતાંબર અને સ્થાનકવાસી જેવા સંપ્રદાયો વચ્ચેના ભેદો બતાવીને ખોટી રીતે ફુલાઈ જતા લોકોને આ કાવ્યની સર્વજન પ્રિયતા બતાવવા જેવી છે. પરમ દાર્શનિક પૂજ્ય શ્રી જયંતવિજયજીમુનિજીએ આ કાવ્યનો અંતરંગ વિચાર કર્યો છે, તેથી એમણે આ કાવ્યની પહેલી ગાથાનો અધ્યાત્મ-અનુભવ પામવા આપણે ઉત્સુક બનીએ.

(ક્રમશ:)