સ્વપ્નથી છળી ગયો નથી, પણ ભાવિ સંકેતોથી ડરી ગયો છું!
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
ભરતના ચિત્તમાં પિતા દશરથની ક્ષેમકુશળતાની ભારે ચિંતા હતી તેથી એણે રાજદૂતોના કથનો પર વિશેષ વિચાર કરવાને બદલે એને કહ્યું, 'તમે મને પહેલાં એ વાત કરો કે મારા પિતા રાજા દશરથ તો કુશળ છે ને ! એમના પર કોઈ આફત તો આવી પડી નથી ને કોઈ શારીરિક વ્યાધિતો એમને ઘેરી વળી નથી ને ! મને તત્કાળ કહો. મારી આતુરતાનો અંત આણો.'
કૈક્યી રાજ્યમાં પોતાના મામાને ત્યાં આવેલા ભરતને દુ:સ્વપ્નમાં પિતા રાજા દશરથની હૃદયવિદારક દશા જોઈ. આથી ભરત ચીસ પાડીને જાગી ઊઠયો. આ સમયે વિહ્વળ, વ્યગ્ર ભરતને આશ્વાસન આપતાં શત્રુઘ્ન કહે છે -' જ્યેષ્ઠબંધુ, આવું દુ:સ્વપ્ન અત્યંત દુ:ખદાયક, ચિત્તને વ્યથિત કરનારું અને ભાવિની ચિંતા પ્રેરનારું તો કહેવાય, પરંતુ આપ વીર છો, તત્ત્વજ્ઞા છો માટે ધૈર્ય ધારણ કરો, સ્વસ્થ થાવ. જેમ સવારે જાગીને વ્યકિત પાછલી રાતનાં સ્વપ્નો વીસરી જાય છે. તેમ તમે એને મનમાંથી સાવ વિસારે પાડી દો.'
'ના, આ દુ:સ્વપ્નની વિસ્મૃતિ શક્ય નથી શત્રુધ્ન ! વિચાર કરું છું કે આ સ્વપ્ન આવનારા અમંગલની એંધાણી તો નહીં હોય ને ? જાગૃત થયો છું છતાં એનાં એકેએક દૃશ્યો મન:ચક્ષુથી નજરોનજર જોઉં છું અને મારું ચિત્ત વલોવાઈ જાય છે. મારો કંઠ સૂકાય છે. ઓહ, કેવું અમંગળ સ્વપ્ન !'
રામનો પડછાયો લક્ષ્મણ, તેમ ભરતની છાયા હતી શત્રુધ્ન. બંધુ સ્નેહ એવો કે એક હોય, ત્યાં સાથમાં લઘુબંધુ હોય જ. એણે કહ્યું, 'આપ શાને આવા સ્વપ્નથી ચિંતિત બનો છો. આપણા વીર પિતાજીનો તો સ્વયં ઇન્દ્ર સાથ લે છે, તો પછી આપણે એમને માટે શાને ચિંતિત થઈએ ? તમે પણ પિતાની જેમ લાગણીવશ થઈ ગયા છો. હવે એ બધું ભૂલી જાવ અને દુ: સ્વપ્નને તમારા ચિત્તની દુનિયામાંથી ભૂંસી નાખો.'
'અરે મારા લઘુબંધુ, નિદ્રા સમયે આવેલું સ્વપ્ન દિવસના વાસ્તવ જીવનમાં સરકી જતું હોય છે તે સાચું, પરંતુ મારા મનને એક બીજી વાત કોરી ખાય છે. સ્વપ્નશાસ્ત્ર ગાઈ-બજાવીને કહે છે કે રાત્રીના પાછલા ભાગની વહેલી પરોઢે આવતું સ્વપ્ન, પછી તે સારું હોય કે નરસું હોય, કિંતુ એનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. ત્રીજું એ કે આ દુ:સ્વપ્નમાં રાજવી પિતાને ગર્દભોથી જોડાયેલા રથમાં રક્તચંદન અને રક્તપુષ્પોની માળા ધારણ કરીને અનર્થકારી દક્ષિણ દિક્ષા તરફ જતા જોયા હતા.'
'એટલે શું આ દુ:સ્વપ્ન ફળદાયી બનશે ?' કેક્ય દેશના મંત્રી એમની જિજ્ઞાાસા રોકી શક્યા નહીં.
'હા, એ સ્વપ્ન ફળશે. આ અમંગળ સ્વપ્નમાં જોયેલાં દૃશ્યો મૃત્યુની એંધાણી આપે છે.'
' શું કહો છો ? આવો છે સ્વપ્નનો સંકેત ?'
'હા,એ સૂચવે છે કે અલ્પ સમયમાં તમારે અગ્નિસંસ્કારનો ધૂમાડો જોવો પડશે. આ સ્વપ્નથી હું છળી ગયો નથી, પરંતુ ભાવિ સંકેતોથી હું ડરી ગયો છું. આથી જ મારો અવાજ ધ્રૂજે છે અને મારા શરીરની કાંતિ ક્ષીણ થતી જાય છે.'
મંત્રીએ કહ્યું,' તો શું કરીશું હવે ?'
'હવે મારે એક પળનાય વિલંબ વિના પાવન અને પ્રિય અયોધ્યા નગરીમાં જઈને પિતા દશરથની ચરણસેવા કરવી જોઈએ. મારા મનમાં એમના આયુષ્ય અંગે જાગેલી શંકાઓનું નિવારણ કરવું જોઈએ. દુ:સ્વપ્નમાં દીઠેલી પિતાની દુર્દશા મારે માટે અસહ્ય છે. જ્યાં સુધી એમના ક્ષેમકુશળ જાણીશ નહીં, ત્યાં સુધી અન્ન લઈશ નહીં અને સુખેથી સુઈશ નહીં. ચાલ, હવે તત્કાળ અયોધ્યા જઈએ અને આપણા પરાક્રમી પિતા અને ઇક્ષ્વાકુ વંશની મનુ, દિલીપ, રઘુ, અજ, સગર, ભગીરથની વંશપરંપરાના ધારક એવા પિતા દશરથની ચરણસેવા કરીએ.'
અયોધ્યાના વીર રાજકુમાર ભરત એક દુ:સ્વપ્નથી અત્યંત ભયભીત બન્યા છે એ સમાચાર સાંભળીને કેક્ય રાજ અશ્વપતિ દોડતા-દોડતા આવી પહોંચ્યા અને એમણે આવીને ભરતને કહ્યું,' અરે ! તમે તો અયોધ્યાના શૂરવીર રાજપુત્ર છો. તમારી વીરતા સિદ્ધ અને પ્રસિદ્ધ છે અને તમે આમ કોઈ એકાદ સ્વપ્નથી આટલા બધા છળી જાવ, તે કેવું ?'
કૈક્યી પુત્ર ભરતે મૌન સાધ્યું, પરંતુ આવેગશીલ શત્રુધ્નએ બોલી નાખ્યું,' મહારાજ, મારા ચારિત્ર્યનિષ્ઠ અને તત્ત્વનિષ્ઠ જ્યેષ્ઠ બંધુને હંમેશાં શુભ સ્વપ્નો જ આવે છે. એમના ઊર્ધ્વજીવન અને પાવન હૃદયને કારણે એમ કહેવાય છે કે જાગતા કે ઊંઘતા અશુભ એમને સ્પર્શી શક્તું નથી. એમના સ્વપ્નનાં સંકેતો સદૈવ શુભ શુકન સૂચવતા હોય છે, કિંતુ આજે ભયાવહ અને અનિષ્ટસર્જક દુ:સ્વપ્ન આવ્યું છે અને એ દુ:સ્વપ્ન એમને સત્યતા માટે બેચેન બનાવે છે. સ્વપ્ન સત્ય નથી, કિંતુ અસત્ય છે એ સિદ્ધ કરવા ઉત્સુક બન્યા છે. મારા જ્યેષ્ઠબંધુ દુ:સ્વપ્નથી ભયભીત થયા નથી, કિંતુ ચિંતાગ્રસ્ત બન્યા છે. લાંબા સમયથી તેઓ આપની રાજધાની ગિરિવ્રજના રાજમહેલમાં વસે છે, પણ એમનું ચિત્ત તો સદાય અયોધ્યામાં રહેલા વૃદ્ધ પિતા દશરથનાં ચરણોમાં વસેલું છે. આ સ્વપ્નથી એમને કોઈ ડર લાગ્યો નથી. પરંતુ એવી ચિંતા જાગી છે કે મારા પિતાનું સ્વાસ્થ્ય તો બરાબર હશે ને ! તેઓ ક્ષેમકુશળ હશે ને ? મહારાજ ! આ ચિંતાએ ચીસનું રૂપ લીધું. હવે એમનું મન વેગથી અયોધ્યા ભણી દોડી રહ્યું છે.'
કૈક્ય રાજ અશ્વપતિએ કહ્યું,'ઓહ ! આ તો હું સમજી શક્યો જ નહીં. રઘુકુળની કુટુંબસ્નેહની પરંપરા ધરાવનાર સદાય બીજાને માટે ચિંતિત હોય છે. પિતા હોય કે પુત્ર, જ્યેષ્ઠ બંધુ હોય કે લઘુબંધુ- સહુના સંબંધોમાં અતૂટ પ્રેમભાવ હોય છે. એમને પોતાની લેશમાત્ર પરવા હોતી નથી, પણ પરિવારજનોની અહર્નિશ ફિકર કરતા હોય છે, આથી તો દેશમાં જ્યારે જ્યારે પરિવારના સ્નેહની વાત થાય છે, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ કે સાસુ-વહુ વચ્ચેના અતૂટ લાગણીમય સંબંધની વાત થાય, ત્યારે સર્વ પ્રજા રાજા દશરથના પરિવારનાં સ્નેહને દૃષ્ટાંતરૂપે વર્ણવે છે. આઠ-આઠ પેઢીથી આપના વંશે દેશને ઉજ્જવળ પરંપરા આપી છે. તમને આવા સ્વપ્નથી પિતાનું સ્મરણ થાય અને એમને વિશેની ચિંતા જાગે, તે સાહજિક છે.'
' હા માતામહ, સત્યવચન કહ્યા તમે.' સુમિત્રાપુત્ર શત્રુધ્ને કહ્યું,' અયોધ્યા પહોંચવા માટે અમારા જીવ ઊંચા થઈ ગયા છે. અમારું સ્વર્ગ પિતાના ચરણોમાં વસે છે. પિતાને પ્રણામ કરી ચરણસ્પર્શ કરીશું પછી જ અમારા શંકાગ્રસ્ત ચિત્તને શાંતિ પ્રાપ્ત થશે.'
રાજા અશ્વપતિએ કહ્યું,'ભલે, સુખેથી જાવ.ગિરિવ્રજથી અયોધ્યા સુધીનો તમારો માર્ગ નિર્વિધ્ને પૂર્ણ કરો.'
ભરત અને શુત્રધ્ન અયોધ્યાનગરીમાં જવા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ એમના કાન પર પ્રતિહારીનો બુલંદ અવાજ સંભળાયો,'હે રાજકુમાર, કુલગુરુ વશિષ્ઠ ઋષિનો સંદેશો લઈને અયોધ્યાથી અગ્રણી રાજદૂતો આવ્યા છે. તેઓ આપને મળવા માટે આવી રહ્યા છે.'
વહેલી પરોઢના સ્વપ્નથી ભરતની આંખો ઘેરાયેલી હતી. શત્રુધ્ન વ્યાકુળ હતો અને અયોધ્યા જવાની ઉત્સુકતા સેવતા એ બંનેને જ્યારે સમાચાર મળ્યા કે અયોધ્યા રાજના ઉત્તમ રાજદૂતો સિદ્ધાર્થ, વિજ્ય, જયંત અને અશોકનંદન સામે ચાલીને સંદેશો લઈને આવી રહ્યા છે, ત્યારે એમનું મન શંકાનાં વાદળોથી ઘેરાઇ ગયું. ચિત્તમાં એક બાજુ આશ્ચર્ય હતું, તો બીજી બાજુ આનંદ હતો. આનંદ એ માટે કે એમની પાસેથી અયોધ્યાના રાજવી પિતા દશરથના ક્ષેમકુશળ જાણવા મળશે અને એથી એમની અકળામણભરી ઉત્કંઠા શાંત થશે.
ભરત અને શત્રુધ્ન પાસે આવીને રાજદૂતોએ કહ્યું,' અયોધ્યા રાજ્યના રાજકુમાર એવા આપ બંનેને અયોધ્યા નગરી તત્કાળ બોલાવે છે. સમર્થ કુલગુરુ વશિષ્ટ ઋષિએ અમને આ સંદેશો આપ્યો છે. આપને અમારી સાથે વિનાવિલંબે આવવા માટે ગુરુઆદેશ આપ્યો છે.'
રાજદૂતોનાં વચન સાંભળીને ભરત અને શત્રુધ્નના ચિત્તમાં ભારે ઝંઝાવાત જાગ્યો. એવી તો કુલગુરુને રાજકાર્યમાં કેવી જરૂરી પડી કે જેથી તત્કાળ આવવાનું કહે છે. અરે, સ્વયં શ્રી રામ અયોધ્યામાં ઉપસ્થિત હોય પછી બીજા કોની જરૂર રહે ? સાથે લક્ષ્મણ અને તપસ્વી ઋષિમુનિઓ છે, સુમં જેવો કાર્યનિપુણ મંત્રી છે. પછી એવું તે એમને કયું કામ પડયું કે જેથી કુલગુરુએ તત્કાળ આવવાનો આદેશ આપ્યો અને કહ્યું પણ ખરું કે આ કાર્યમાં કોઈ વિલંબ થશે, તો ઘણી મોટી હાનિ થશે.
ભરતના ચિત્તમાં પિતા દશરથની ક્ષેમકુશળતાની ભારે ચિંતા હતી તેથી એણે રાજદૂતોના કથનો પર વિશેષ વિચાર કરવાને બદલે એને કહ્યું, 'તમે મને પહેલાં એ વાત કરો કે મારા પિતા રાજા દશરથ તો કુશળ છે ને ! એમના પર કોઈ આફત તો આવી પડી નથી ને ! કોઈ શારીરિક વ્યાધિતો એમને ઘેરી વળી નથી ને ! મને તત્કાળ કહો. મારી આતુરતાનો અંત આણો.'
રાજદૂતોએ મૌન ધારણ કર્યું, કારણકે મહર્ષિ વશિષ્ઠે, ઋષિમુનિઓએ અને સુમંતને વગેરે પ્રધાનોએ રાજદૂતોને તાકીદ કરી હતી કે તમે અયોધ્યાનું વર્તમાન વૃત્તાંત જાણતા નથી તેમ જ વાત કરજો. કોઈ પણ પ્રકારે રાજા દશરથના મૃત્યુને સંભારીને શોક દર્શાવશો નહીં. રામવનવાસની સહેજે વાત કરશો નહીં. રામના વિરહમાં પિતા દશરથે પ્રાણ છોડયા એ વાતનો એમને અંદેશો પણ આવવો જોઈએ નહીં. માત્ર તમારે શીઘ્ર ગતિવાળા અશ્વો પર ભરત અને શત્રુધ્નને લઈને અયોધ્યા પાછા આવવાનું છે.
આ રાજદૂતોને માટે ભરત-શત્રુધ્નની જિજ્ઞાાસા અગ્નિપરીક્ષા સમી બની રહી. (ક્રમશ:)