ભોગ વૈભવની શય્યામાં શયન કરનારને દુઃસ્વપ્ન આવે, પરંતુ ભરત જેવા વૈરાગીને આવાં સ્વપ્નો ક્યાંથી ?
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
ભરતે થોડાંક થરથરતા અવાજે કહ્યું, 'અરે ! રણયુદ્ધમાં નિપુણ એવા પિતાના હસ્તિના દંતૂશૂળ એકાએક ટુકડાં થઈને વેરવિખેર થતાં જોયાં. ઝળહળતાં દીપકો અને યજ્ઞાનાં પ્રજ્વલિત અગ્નિઓને એકાએક ઓલવાઈ જતાં જોયાં. કોઈ મોટો ધરતીકંપ હોય તેમ ચારેબાજુથી ધરતી ધ્રુજી રહી હતી. વૃક્ષો પર એકાએક પાનખર બેસી ગઈ અને ફાટી ગયેલા પર્વતોમાંથી ધૂમાડા નીકળતા હતા. શત્રુઓને પરાજિત કરનારા પિતા દશરથ પર શ્યામ અને પીળા વર્ણોવાળી સ્ત્રીઓને ચારેબાજુથી પ્રહાર કરતા જોયા.
અયોધ્યા એટલે જેની સામે યુદ્ધ થઈ શકે નહીં એવી નગરી. સાત્વિકતા, સત્યનિષ્ઠા અને સમૃદ્ધિને કારણે પૃથ્વી પરની અપરાજેય નગરી. કોસલ દેશની સરયૂ નદીની આસપાસ ધનધાન્યથી પરિપૂર્ણ અને રમણીય ઉદ્યાન- પુષ્પોથી મહેંકતી અયોધ્યા નગરીના વિશાળ અને બંને બાજુ વૃક્ષાચ્છાદિત રાજમાર્ગો પરથી સિદ્ધાર્થ, વિજય, જયંત અને અશોકનંદન જેવાં એના પ્રખર બુદ્ધિમાન રાજદૂતો ચિત્તમાં ગૂઢ રહસ્ય અને હૃદયમાં શોકનો અતિભાર ગોપવીને બહાર નીકળ્યા. ચોપાસ સુદૃઢ કિલ્લાઓથી સુરક્ષિત એવી અયોધ્યા નગરીના પશ્ચિમ દરવાજેથી નીકળીને રાજદૂતો કિલ્લાની બહાર ખોદેલી ખાઈઓને વટાવીને લક્ષ્યવેધી બાણની માફક લાંબો પંથ કાપવા માટે સુસજ્જ થઈને વાયુવેગી અશ્વો દોડાવતા હતા. એના વેગવંતા અશ્વોથી ઉડતી ધૂળથી પાછળનું આકાશ ઘેરાઈ જતું હતું અને અશ્વોના પગ જેવા જમીન પર પડતાં કે તરત જ ઉપડતાં હતાં. વાયુવેગી અશ્વની આટલી બધી તીવ્રગતિ હતી, છતાં રાજપુરુષોને સંતોષ નહોતો, તેથી વારંવાર અશ્વોની પીઠ થાબડીને અને ડચકારા બોલાવીને એને વધુ ઝડપથી દોડાવતા હતા.
અયોધ્યાથી નીકળેલા આ રાજદૂતો પાંચાલ દેશથી આગળ આવેલા હસ્તિનાપુરની સમીપ આવેલી ગંગા નદીમાં ઊતરીને કુરુ અને જાંગલ પ્રદેશના મધ્યમાર્ગે થઈને આગળ વધ્યા. આંખોમાં આંજતા અને હૃદયને પુલક્તિ કરી દેતાં પ્રફુલ્લિત કમળોવાળાં સરોવરો પાસેથી પસાર થતા હતા. નિર્મળ જળભર્યા નિર્ઝરોનો ચોપાસ કલકલ નાદ સંભળાતો હતો. માલિની અને ગંગા નદીનો નિર્મળ જળપ્રવાહ રાજદૂતોમાં ક્ષણાર્ધ માટે પાવન ગંગાસ્નાનની ભાવના જગાડતી હતી, પરંતુ કર્તવ્યનિષ્ઠ રાજદૂતોને માટે આવી ઇચ્છાની પરિતૃપ્તિ શક્ય નહોતી.
કીર્તિવંત ઇશ્વાકુ કુલગુરુ ઋષિ વશિષ્ઠનો રાજદૂતોને આદેશ હતો કે તેમનો સંદેશો લઈને શક્ય એટલી ત્વરાથી કૈક્ય દેશમાં જઈને ભરત અને શત્રુધ્નને ત્વરાથી અયોધ્યા લઈ આવવા.
શેરદંડા, ઇક્ષુમતિ, વિપાશા, શાલ્મલી જેવી સરિતાઓ સમીપથી અયોધ્યાથી કૈક્યના માર્ગમાંથી પસાર થવાનું બન્યું. અભિકાલ, તેજોભિભવન જેવાં નગરો વચ્ચેથી પૂરપાટ જતાં અશ્વસવાર રાજદૂતોએ લોકસમુદાયમાં જિજ્ઞાસા અને કેટલીક ચર્ચા જગાડી. સુદામાન પર્વત પાર કર્યો. વચ્ચે વચ્ચે અરણ્યોમાં સિંહો, વ્યાધ્રો, મૃગો અને હાથીઓ વિચરતા જોવા મળ્યા, પરંતુ આ અશ્વારૂઢ રાજદૂતોની નજર તો કેકયી દેશની રાજધાની ગિરિવ્રજ નગરી પર નોંધાયેલી હતી. અયોધ્યાથી આવેલા રાજદૂતોએ કૈક્ય રાજાની રાજધાની ગિરિવ્રજમાં પ્રવેશ કર્યો.
સતત સાત-સાત દિવસની મજલ ખેડીને આવેલા હાંફી રહેલાં અશ્વો થોડીવાર ઉભા રહ્યા. ગિરિવ્રજમાં પ્રવેશતાં પૂર્વે ક્યારનોય સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. રાત્રીના કાળા અંધકારની પછેડી ઓઢીને નગર નિરાંતે સૂતું હતું. સર્વત્ર નિરવ શાંતિ પ્રસરેલી હતી. મહેલના તોતિંગ દરવાજા બંધ થઈ ગયા હતા. રાજદૂતોએ રાતનો વિશ્રામ કરીને સવારે કેક્ય રાજાના મહેલમાં જઈને કુલગુરુ વશિષ્ઠનો સંદેશો આપવાનો વિચાર કર્યો.
એ જ રાત્રીની વહેલી પરોઢે રાજમહેલમાં સૂતેલા કેક્યી રાજ્યના ભાણેજ અને મહારાજા દશરથના પુત્ર ભરત એકાએક ઊંઘમાંથી સફાળા ઝબકીને જાગી ગયા અને એમણે નીરવ રાત્રીના ઠરેલા અંધકારને ભેદી નાખે એવી ભયાનક ચીસ પાડી. રાજમહેલની શાંતિને એકાએક ધ્રૂજાવી નાખનારી ચીસ એના ઝળહળતાં દીપકોની જ્યોતને ધ્રુજારી આપતી ગઈ. વહેલા પરોઢિયાની ઉંઘમાં ઘસઘસાટ સૂતેલો લઘુબંધુ શત્રુધ્ન એકાએક જ્યેષ્ઠબંધુ ભરત પાસે ધસી આવ્યો. મહેલના રક્ષકો અને દ્વારપાળો પણ ભરતની ચીસ સાંભળીને દોડી આવ્યા. રાજકુમાર ભરત જાણે દિગ્મૂઢ બનીને પોતાની શય્યા પર બેઠો હતો. એની આંખે અંધારા આવી ગયા. કોઈ અદીઠ ભયથી એ આંખો પહોળી થઈ ગઈ. એનું કપાળ સાવ તંગ બની ગયું અને ચહેરો જાણે કોઈ પાષાણની મૂર્તિ હોય તે રીતે સ્થિર અને રૂક્ષ થઈ ગયો.
વીર રાજકુમાર શત્રુધ્નએ જિંદગીમાં ક્યારેય પોતાના જ્યેષ્ઠબંધુને આવા અતિ ભયભીત જોયા નહોતા. પહેલા તો શત્રુધ્નને લાગ્યું કે જ્યેષ્ઠબંધુની પિતા દશરથ અને બંધુ રામના વિરહની ઉદાસીની આ ચીસ છે, તેથી એને આનંદિત કરવા માટે રમૂજભરી વાતો કહેવા લાગ્યો. કોઈ વળી ભરતના ચિત્તને પ્રસન્ન કરવા દોડીને વીણા અને અન્ય ચિત્તરંજક વાજિંત્રો લઈ આવ્યાં. મિત્રોએ પરોઢિયે હાસ્યગોષ્ઠિ માંડી, પરંતુ ભરતને આમાં કશો રસ પડયો નહીં. એ તો એવો જ સ્થિર, એવો જ ભયભીત અને એવા જ ઊંડા વિચારમાં.
પોતાના ભાવાવેગોને તત્કાળ પ્રગટ કરવાની ટેવ ધરાવતો શત્રુધ્ન જ્યેષ્ઠબંધુની આવી વિમાસણભરી પરિસ્થિતિ જોઈને મૂંઝાઈ ગયો અને ભરતની સમક્ષ દયામણી દૃષ્ટિ કરીને કહ્યું,' પ્રિયબંધુ ! વહેલી પરોઢે સફાળા ઊંઘમાંથી જાગીને તમે શાને માટે ચીસ પાડી ? શું શરીરમાં કોઈ વ્યાધિની શૂળ ભોંકાતા થાય તેવી તીવ્ર વેદના ઉપડી છે ? કે પછી પિતા દશરથના દીર્ઘ વિરહે તમને બેચેન બનાવી દીધા છે.'
રાજકુમાર ભરતે કહ્યું,' ના, મારા પ્રિય બંધુ શત્રુધ્ન, આવું કશું બન્યું નથી, કિંતુ વહેલી પરોઢે મને ભયાનક દુઃસ્વપ્ન આવ્યું અને એ સ્વપ્ન જોતાં હું ચીસ પાડી ઉઠયો.'
' તમને વળી ભયાનક સ્વપ્ન ! તમારા જેવા નિષ્પાપ ચારિત્રશીલને આવાં સ્વપ્નો આવે ખરાં ? તમે તો સદાય નિર્દોષતાના ઓશિકે સૂનારા મારા ત્યાગી-વિરાગી બંધુ છો. જેના જીવનમાં સર્વત્ર પવિત્રતા હોય, એને આવાં પીડકારક સ્વપ્નો આવે ખરાં ?
'સ્વપ્ન તો સહુ કોઈને આવે. જીવન છે તો નિદ્રા છે અને નિદ્રા છે તો સ્વપ્ન છે. પણ આ તો જીવનમાં કદી ન આવ્યું હોય, તેવું ડરામણું અને આશંકાઓ પ્રેરનારું દુઃસ્વપ્ન છે.'
શત્રુધ્નએ કહ્યું,' એ સાચું. પણ એ સ્વપ્ન જ્યાં સુધી સ્વપ્ન હોય ત્યાં સુધી સત્ય ભાસે છે, પછી ક્યાં એ સ્વપ્ન સત્ય હોય છે ? એમાં પણ વૈભવની શૈયામાં શયન કરનારને કોઈ દુઃસ્વપ્ન આવે, પરંતુ તમારા જેવા વિરાગીને આવાં સ્વપ્નો ક્યાંથી આવે ?'
'પ્રિય શત્રુધ્ન, મારા પ્રત્યેના સ્નેહ અને આદરને કારણે તું આવું કહે છે પરંતુ જો હજુ મારા રૃંવરૃંવા ભયથી ખડા છે. મનમાં ઉલ્કાપાત મચેલો છે. ઓહ ! કેવું ભયાનક સ્વપ્ન ! મારા વેદવેત્તા, પ્રજાપ્રિય અને સત્યનિષ્ઠ પિતા મહારાજ દશરથ વિશેનું એ દુઃસ્વપ્ન ! ઓહ, સ્વપ્નનો કેવો દુષ્પ્રભાવ !' આમ કહીને ભરત બે હાથે માથું જકડી લે છે, ત્યારે શત્રુધ્ન કહે છે,
'સ્વપ્નમાં તો એવું તે તમે શું જોયું કે જેથી તમારા જેવા વીરમાતા તરીકે સર્વપ્રસિદ્ધ અયોધ્યાપુત્ર અને વૈરાગી આવી ચીસ પાડી ઊઠયા.'
'અરે ! સ્વપ્નમાં મારા વૈભવશાળી રાજા દશરથને મુકુટ વિનાના જોયા, મહારાજ મુકુટ વિનાના હોય, તે કેવું ? વળી છૂટા કેશવાળા મસ્તકે એક મોટા પર્વતના શિખર પરથી ગબડીને એક કાદવ-કીચડવાળા ખાડામાં પડેલાં જોયાં. એમના આખા શરીર પર તેલ ચોપડવામાં આવ્યું હતું અને એમનો નિષ્પ્રાણ દેહ તેલની કઢાઈમાં પડેલો જોયો. ઓ પ્રભુ મને બચાવ ! આ મેં શુ જોયું ?'
(વાલ્મિકી રામાયણ, અયોધ્યા કાંડ, સર્ગ-69, શ્લોક 11)
'સ્વપ્નમાં મેં સમુદ્રને સૂકાઈ ગયેલો દીઠો, ચંદ્રને પૃથ્વી પર પડેલો જોયો અને આખી પૃથ્વીને આફતથી ઘેરાયેલી અને અંધકારથી છવાયેલી જોઈ.'
આસપાસ ઉભેલા રક્ષકો ભરતના દુઃસ્વપ્નની વાત સ્તબ્ધ બનીને સાંભળતા હતા. પોતાના પ્રિયબંધુ સમક્ષ જલપાત્ર ધરીને આતુર આંખેથી શત્રુધ્નના મુખમાંથી વચનો સરી પડયાં,'ઓહ, આવું ભયાનક દુઃસ્વપ્ન ! પિતા દશરથની આવી દુર્દશાભરી સ્થિતિ ! ઓહ ઇશ્વર !'
ભરતે થોડાંક થરથરતા અવાજે કહ્યું, 'અરે ! રણયુદ્ધમાં નિપુણ એવા પિતાના હસ્તિના દંતૂશૂળ એકાએક ટુકડાં થઈને વેરવિખેર થતાં જોયાં. ઝળહળતાં દીપકો અને યજ્ઞાનાં પ્રજ્વલિત અગ્નિઓને એકાએક ઓલવાઈ જતાં જોયાં. કોઈ મોટો ધરતીકંપ હોય તેમ ચારેબાજુથી ધરતી ધ્રુજી રહી હતી. વૃક્ષો પર એકાએક પાનખર બેસી ગઈ અને ફાટી ગયેલા પર્વતોમાંથી ધૂમાડા નીકળતા હતા. શત્રુઓને પરાજિત કરનારા પિતા દશરથ પર શ્યામ અને પીળા વર્ણોવાળી સ્ત્રીઓને ચારેબાજુથી પ્રહાર કરતા જોયા. અરે ! રક્તવસ્ત્રધારી ભયાનક ચહેરો ધરાવતી રાક્ષસી જોઈ. ઓહ ! કેવું ભીષણ સ્વપ્ન ! ભવ્યતાના શિખર પર બેઠેલાં પિતાની આવી દુર્દશા સ્વપ્નમાં કેમ સાંખી શકાય. પ્રિય શત્રુધ્ન ! (ક્રમશઃ)