''સાધક યોગીએ મનથી કર્મમાત્રનો સંન્યાસ કેળવવો''
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગીની માનસિક ભૂમિકા સમજાવે છે. ભગવાન કહે છે: પોતાનાં મન અને ઈન્દ્રિયોને પૂરેપૂરાં વશમાં રાખનારો યોગી સ્થૂળપણે કર્મનું આચરણ છોડતો નથી. છતાં એ પોતાના મનથી કર્મમાત્રનો સંન્યાસ કરીને જીવન વ્યવહાર ચલાવે છે. માનસિક સંન્યાસ વિષે ભગવાન સમજાવે છે: આસક્તિ યુક્ત વ્યક્તિને કર્મની બાબતમાં ચાર પ્રકારના આગ્રહ હોય છે.
૧. ''જે કામ હાથમાં લીધું છે તે થવું જોઈએ.'' કોઈ વિઘ્ન આવે અને કામ પૂરૃં ન થાય તો એવા સાધક પોતાના ચિત્તની સમતા જાળવી શકતો નથી.
૨. ''જે કામ મેં હાથમાં લીધું છે તે મારા હાથે અથવા જેના હાથે મારે કરાવવું છે તેના હાથે જ થવું જોઈએ.'' એ કામ કોઈ બીજી વ્યક્તિ, બીજી રીતે કરે તો એવા સમયે તે સાધક ચિત્તની સમતા જાળવી શકતો નથી.
૩. ''જે કામ મેં હાથમાં લીધું છે તે યશત્વી અને લાભદાયી થવું જોઈએ.'' ન થાય તો એવો સાધક પોતાના ચિત્તની સમતા જાળવી શકતો નથી.
૪. ''એ કામનું પરિણામ પોતે ધાર્યું હોય તે પ્રમાણે આવવું જોઈએ.'' જો અણધાર્યું પરિણામ આવે તો તેવો સાધક પોતાના ચિત્તની સમતા જાળવી શકતો નથી.
આ ચાર પ્રકારના આગ્રહોથી છૂટો થાય. તેની કર્મની ઉત્પત્તીથી માંડીને પરિણામ સુધી ક્યાંય વિઘ્ન આવે તો પણ ચિત્તની સમતા ગુમાવતો નથી, તેવા સાધકે માનસિક સંન્યાસ ધારણ કર્યો છે, તેમ જાણવું. મનથી જેનો સંન્યાસ સિધ્ધ થયો છે તે સાધક એમ સમજે છે કે પોતે નવદ્વાર વાળા આ શરીરમાં બેઠેલો છે છતાં કશું કરતો નથી અને કશું કરાવતોય નથી. આવો યોગી સાધક પ્રભુપરાયણ બનીને મુક્તજીવનનો સહજ આનંદ માણે છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય