સ્ત્રીનું યૌવન એના જીવનનો સુવર્ણકાળ છે .

યૌવનનો પ્રારંભ બાળકીના જીવનની મહાન ઘટના છે. એ ઘટના સાથે સ્ત્રીનાં તન-મનનાં અનેક રહસ્યો છુપાયેલાં છે. સ્ત્રીનું યૌવન એના જીવનનો સુવર્ણકાળ છે. યૌવનના આરંભ સાથે જ સ્ત્રીનાં શરીરમાં અનેક ગ્રંથિઓ કામે લાગી જાય છે. સ્ત્રીના અંડાશયનો સ્રાવ યૌવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સ્ત્રીના યૌવનનો આરંભ માસિક સ્રાવથી શરૂ થાય છે અને માસિકસ્રાવની નિવૃત્તિ સાથે યૌવનનો અંત આવે છે. યૌવનના આરંભ સાથે બાળકીનાં શરીરમાં અજબ પરિવર્તન આવે છે. મુખની રેખાઓ, છાતી, નિતંબ, પેઢુ અને શરીરનાં પ્રત્યેક અંગ-ઉપાંગો પરિવર્તન પામે છે. ગુપ્તાંગો પર કોમળ વાળ છવાઈ જાય છે. જનન અવયવમાં ભારે વિકાસ દેખા દે છે. મદનાંકુર, યોનિ, યોનિમાર્ગ ને ગર્ભાશય વિકાસ પામે છે. અંડાશય, ઈંડું પરિપક્વ કરવાના કામે લાગી જાય છે. યૌવનના આરંભ સાથે પ્રત્યેક મહિને માસિક સ્રાવ ને અંડાશયમાંથી રજવાહિનીમાં ઈંડાંના પ્રવેશનું કાર્ય નિયમિત થતું રહે છે. સ્તનનો વિકાસ પ્રકટ અને વિશેષતાથી ભરેલો બને છે. સ્તનની આંતરિક ગ્રંથિઓ, દુગ્ધગ્રંથિઓ, દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધારણ કરે છે. યૌવનના આગમન સાથે સ્ત્રીના માનસમાં પણ પરિવર્તન આવે છે. જાતીય સભાનતાનો એ સમય હોય છે. સ્ત્રીની સુષુપ્ત જાતીયવૃત્તિ એ સમયે જાગૃત અને પ્રબળ બને છે. શરમ, લજ્જા, અજ્ઞાાત ભય, લાગણીઓ અને ભાવનાઓનો અતિરેક, માન-અપમાનની ભાવનાની તીવ્રતા, વ્યક્તિ-પૂજા, ચંચળતા અને અનિશ્રિતપણું એ ઉંમરની વિશેષતા છે. યૌવન આવતાં સ્ત્રીઓ દિવાસ્વપ્નાંઓ જોવા માંડે છે. દૂર દૂર કલ્પનાની દુનિયામાં એ સરી પડે છે. સ્વ-પ્રેમ એ ઉંમરની વિશેષતા છે. યૌવન આવતાં સ્ત્રી હસ્તદોષ, સ્વ-જાતીય મિલન કે એવી બીજી અનેક કુટેવમાં ફસાય છે.
સ્ત્રી-યૌવનનાં ભયસ્થાનો :
યૌવનનાં આરંભ સાથે સ્ત્રીના મનમાં પુરુષનાં સાન્નિધ્યની તીવ્ર ઈચ્છા જાગે છે. પુરુષની હૂંફની અદમ્ય ઈચ્છા ઘણીવાર એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરી મૂકે છે. સ્ત્રીના જીવનનો એ સમય વ્યક્તિપૂજાનો હોવાથી, પોતાનાથી મોટી ઉંમરનાં માણસ તરફ સામાન્ય રીતે એ ઢળી પડે છે. સ્ત્રીના મનને ચંચળ બનાવવા પુરુષો ચારે બાજુથી લલચામણો હુમલો કરતાં રહે છે. માખીની માફક બણબણતા ને મધમાખી માફક ગણગણતા પુરુષો સામ, દામ, દંડ ઈત્યાદિ તરકીબ વડે સ્ત્રીને પાડવાનો પ્રયત્ન કરતાં રહે છે. સ્ત્રીનાં તન-મનને અનેક રીતે પંપાળવામાં આવે છે. સ્ત્રીની નિર્બળતાનો અનેક રીતે ગેરલાભ લેવામાં આવે છે. કેટલાક પુરુષો શુભેચ્છક પ્રેમી, પથદર્શક, સેવક, સલાહકાર, સ્નેહી, મિત્ર ઈત્યાદિ રૂપે સ્ત્રીના જીવનમાં પ્રવેશે છે અને સ્ત્રીના યૌવન પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યૌવનનાં આરંભમાં મોટા ભાગની સ્ત્રીઓ બરબાદ થઈ જાય છે. મોટા ભાગની સ્ત્રી જાતીય વિકૃતિ અને જાતીય રોગોનો ભોગ થઈ પડે છે. લગભગ ૭૫ ટકા વેશ્યાઓ ૧૫ થી ૧૭ વરસની ઉંમરની વચ્ચે દુષ્ટ જીવનનો શિકાર થઈ પડે છે. ગેરકાયદેસર ગર્ભપાતની સંખ્યા અને પરિણામે અકાળ મૃત્યુની સંખ્યા પણ એ જ ઉંમર વચ્ચે વધુ હોય છે. અનેક બનાવટી પતિઓ કહેવાતી પત્ની માટે ગર્ભ પાતનો ઉપાય પૂછવા મારી પાસે આવે છે. અનેક વાર મારી ટેલિફોનની ઘંટડી ગૂંજી ઊઠે છે : 'દાક્તર, મને બચાવો. પંદર દિવસ ચઢી ગયા છે. હજી મને માસિક આવ્યું નથી. માસિક તુરંત આવે એવો ઉપાય બતાવો.' જે સ્ત્રી ચેપી રોગ ને ગર્ભધારણથી બચી જાય છે તે બદનામીથી બચી શકતી નથી. આવી સ્ત્રીની ચર્ચામાં સમાજને ખૂબ રસ હોય છે. ઘણા પુરુષો તો પોતે ફસાવેલી સ્ત્રીની ચર્ચા કરવામાં ગૌરવ લેતા હોય છે. એ ગૌરવ-માન સાંભળનાર પુરુષોને પળભર લાગે છે કે અમે જીવનની એક મહાન તકથી વંચિત રહી ગયા છીએ. બદનામ થયેલી છોકરીને કોઈ યુવક આગળ આવી અપનાવતો નથી, પણ એને વધુ પાડી નાખવાની તક શોધતો રહે છે. સ્ત્રી માટે જે કાર્ય પાપમય હોય છે તે જ કાર્ય પુરુષ માટે પુણ્યમય બની જાય છે. પુરુષોના હાથમાં ફસાયેલી નારી નાલાયક, બેશરમ, બદચલન, વેશ્યા, ભટકતી બલા ઈત્યાદિ સંબોધન પ્રાપ્ત કરે છે, પણ સ્ત્રીની એ હાલત કરનાર પુરુષ રસિયા, પ્રેમી, રંગીલો, શોખીન, કલાકાર આદિ આદરપાત્ર અને માનસૂચક સંબોધન મેળવે છે. સમાજ જે કાયદા વડે નારીને સજા કરે છે તે કાયદા વડે પુરુષનું સન્માન કરે છે. સમજદાર માબાપે યૌવનના આગમન સાથે જ સ્ત્રીને યોગ્ય સલાહ-સૂચનો વડે સાવધાન કરવી જોઈએ. ઘરના દરવાજાઓ બંધ રાખવાથી અને નિયમોનાં બંધનથી ડરીને બાંધી દેવાથી કંઈ વળતું નથી. પુરુષો માટેનો ભય ને અવિશ્વાસની લાગણીઓ નારીના મનમાં ઠાંસી દેવાથી તો વાત વધુ વણસી જશે.
બચપનનો અંત એ એક એવો કાળ છે કે જ્યારે નારીને સાચા અને સહુદયી માર્ગદર્શકની જરૂર રહે છે. મા, ભાભી કે મોટીબેન સહાનુભૂતિપૂર્વક યુવતીને તેના જીવનમાં આવેલા પરિવર્તનને સમજાવી શકે છે. યૌવનનાં ભયસ્થાનો સામે માત્ર લાલબત્તી ધરવાની જરૂર છે. જાસૂસવૃત્તિ કે ભાષણબાજીની યુવતીને જરૂર નથી. અતિ છૂટ અને અતિ બંધન વચ્ચેનો મધ્યમ માર્ગ વડીલો એ સમયે અપનાવવો જોઈએ.









