તાપમાનને કાબૂમાં રાખતું થર્મોસ્ટેટ
વીજળી વડે ગરમી મેળવતા ઇસ્ત્રી, રૃમ હિટર, ગીઝર વિગેરે સાધનો વધુ પડતા ગરમ થઈ જાય તો આપમેળે વીજપ્રવાહ બંધ કરવાની ગોઠવણવાળા હોય છે. આ ગોઠવણથી અકસ્માતની શક્યતા ઘટી જાય છે. આવા સાધનોમાં તાપમાન પર કાબૂ રાખવા થર્મોસ્ટેટ વપરાય છે.
વિવિધ સાધનોમાં થર્મોસ્ટેટનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. ઘરમાં હિટર હોય તો રાત્રે રૃમ વધુ પડતો ગરમ ન થઈ જાય તે માટે થર્મોસ્ટેટ ઉપયોગી થાય છે. આ સાધન દિવાલ ઉપર લટકાવી શકાય છે. ધાતુ ગરમ થાય ત્યારે તેનું કદ વધે છે અને ઠંડી થાય ત્યારે સંકોચાય છે આ સિદ્ધાંત ઉપર થર્મોસ્ટેટ કામ કરે છે. પિત્તળ કે લોખંડની બે નાનકડી ઠેસીવાળા આ યંત્રમાં આબાદ રીતે આ સિદ્ધાંત વપરાયો છે. વિવિધ ધાતુઓ પર ગરમીની અસર વધતી ઓછી થાય છે. ગરમીથી લોખંડ વધુ વિસ્તાર પામે અને પિત્તળ કે તાંબુ ઓછો વિસ્તાર પામે છે. લોખંડ અને પિત્તળની બે પટ્ટીઓ જોડીને ગરમ કરવાથી આ વધઘટ સર્જાય. બંને પટ્ટી ગરમ થતાં એકતરફ ઝૂકી જાય છે. પટ્ટી ઝૂકી જાય એટલે વીજપ્રવાહની સર્કીટથી દૂર થઈ જાય અને વીજપ્રવાહ બંધ થઈ જાય. પટ્ટી ઠંડી થઈને મૂળ સ્થિતિમાં આવી જાય એટલે સર્કિટ આપોઆપ જોડાઈને હિટર ફરી શરુ થઈ જાય આમ થર્મોસ્ટેટ સાધનોને વધુ પડતા ગરમ થવા દેતું નથી.
આધુનિક થર્મોસ્ટેટમાં ધાતુની પટ્ટીના સ્થાને જુદા જુદા વાયુ ભરેલી બે ડિસ્ક વપરાય છે. ગરમી અને ઠંડીની અસર વાયુ ઉપર ઝડપથી થાય છે એટલે વાયુની ડિસ્કવાળા થર્મોસ્ટેટ વધુ ઝડપી અને વધુ ક્ષમતાથી કામ કરે છે.