Magazines

એક ઉંદરની યાદમાં નિર્માણ થયું જિનાલય : બન્યું તારંગા તીર્થધામ

By GS TEAM
10 Dec 20252 mins read
એક ઉંદરની યાદમાં નિર્માણ થયું જિનાલય : બન્યું તારંગા તીર્થધામ

અઢાર અઢાર દેશના મહારાજા કુમારપાળ પોતાના ગુરૂદેવ કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય પાસે ધર્મગોષ્ઠિ કરી રહેલ છે. ધર્મગોષ્ઠિમાં કુમારપાળ મહારાજા ગુરૂદેવશ્રીને કહે છે કે સિદ્ધરાજના ભયથી જ્યારે હું છૂપાતો અને ભાગતો ફરતો હતો ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં હું એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો હતો તે સમયે એક ઉંદર દરમાંથી બહાર આવ્યો. તેના મોઢામાં સોનાનો સિક્કો હતો. ઉંદરે સિક્કો ત્યાં મુકીને ફરી તે દરમાં જતો અને સિક્કાનો ઢગલો કરતા કુલ ૩૨ સિક્કાનો ઢગલો થયો. તેની આજુબાજુ નાચવા લાગ્યો. હું દ્રશ્ય નિહાળી રહ્યો. તે સમયે મારી હાલતની તો આપશ્રીને ખબર જ છે. કેટલાય દિવસની ભૂખ-તરસ મીટાવા માટે મેં તે ૩૨ સિક્કા લઈને મારા ખેસમાં બાંધી દીધા. થોડી ક્ષણોમાં ઉંદર દરમાંથી બહાર આવ્યો. સિક્કા ન જોતા ચારે તરફ નજર કરીને સિક્કા ન મળવાથી તેણે પથ્થર સાથે માથુ પછાડી પછાડીને મોતને ભેટયો. હે ગુરૂદેવ આ દ્રશ્ય યાદ કરું તો કંપારી છુટે છે. મેં કેટલું મોટું પાપ કર્યું. એક ઉંદરનો જીવ લેવામાં હું નિમિત્ત બની ગયો. હે ગુરૂદેવ મને આ પાપનું પ્રાયશ્ચિત્ત આપો.

કલિકાલ સર્વજ્ઞા ગુરૂદેવશ્રીએ જણાવ્યું કે પશુ પંખી માનવ સર્વ જીવોને લોભ હોય છે. તેને પણ સોનાના સિક્કા પ્રિય હતા. હવે તું એક કામ કર જે જગ્યાએ ઉંદર મૃત્યુ પામ્યો ત્યાં જ ભવ્ય જિનાલય નિર્માણ કરાવ. કુમારપાળ મહારાજાએ ગુરૂદેવશ્રીની આજ્ઞાાનો સ્વીકાર કરીને તે અરવલ્લીની પહાડીઓમાં ભવ્ય દિવ્ય અને આભને અડે તેવું નયન રમ્ય જિનાલયનું નિર્માણ કરી ત્યાં અજિતનાથ દાદાની પ્રતિષ્ઠા કરી. તે જિનાલય 'મૂષકવિહાર' નામકરણ થયું. આજે પણ તારંગાનું જિનાલય વાદળોથી વાતો કરતું અને ન્યાયપ્રિય રાજાનો સંદેશ આપી રહેલ છે.

કહેવતમાં આબુ દેલવાડાના દેરાની 'કોતરણી' રાણકપુરના દેરાની 'માંડણી' અને તારંગાના દેરાની 'ઊંચાણી' જગપ્રસિદ્ધ છે. તારંગાના આ જિનાલયની એકવાર દર્શન પૂજા કરીને જીવનને યાદગાર બનાવશો જ.

- હસમુખભાઈ વેદલીયા