તમિળ યુવતી અને પંજાબી યુવાનની રમતિયાળ પ્રેમકહાણી

- 'ટુ સ્ટેટ્સ'માં હીરોનાં માતાપિતા દિલ્હીમાં વસે છે, જ્યારે હિરોઈનનાં માતાપિતા ચેન્નાઇમાં રહે છે. તેથી શંકર-ઐહસાન-લોયે પંજાબી અને તમિળ પ્રજાના મૂડને સંગીત થકી પ્રગટ કરવાનો હતો. વળી, નાયક-નાયિકા આઈઆઈએમ-અમદાવાદમાં ભણે છે, તેથી આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની હતી.
લોકપ્રિય નવલકથા પરથી સરસ અને સફળ ફિલ્મ બની હોય એવું અગાઉ પણ ઘણીવાર બન્યું છે. કનૈયાલાલ મુનશીની 'પૃથિવીવલ્લભ' અને 'વેરની વસૂલાત' નવલકથા પરથી હિટ ફિલ્મો બનેલી. હિન્દી લેખક ગુલશન નંદાની ઘણી નવલકથા પરથી ફિલ્મો બની છે. આર. કે. નારાયણની નવલકથા 'ધ ગાઇડ' પરથી દેવ આનંદે 'ગાઇડ' બનાવેલી. હવે સાજિદ નડિયાદવાલા અને કરણ જોહરના સહિયારા નિર્માણથી બનેલી 'ટુ સ્ટેટ્સ' એવી જ એક ફિલ્મ છે. ચેતન ભગતે આત્મકથનાત્મક પ્રસંગો પરથી લખેલી નવલકથા 'ટુ સ્ટેટ્સ' પરથી એ જ નામે ફિલ્મ બની. નિર્દેશક તરીકે અભિષેક વર્મનની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ હિટ નીવડી, એટલું જ નહીં, ડેબ્યુ ડિરેક્ટર તરીકે વર્મને બેસ્ટ ડિરેક્ટર તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો. આ એક રોમેન્ટિક લવસ્ટોરી હતી. ૨૦૧૪માં બનેલી આ ફિલ્મ આજે પણ માણવી ગમે એવી છે.
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ આફ મેનેજમેન્ટ - અમદાવાદમાં એક પંજાબી યુવાન ક્રિશ (અર્જુન કપૂર)નો એક તમિળ યુવતી અનન્યા (આલિયા ભટ્ટ)નો પરિચય થાય છે. એ પરિચય પ્રેમમાં પરિણમે છે. બંને લગ્ન કરવા ઉત્સુક છે. બંનેનાં માતાપિતા જુદા જુદા રીતરિવાજ અને સંસ્કૃતિમાં વિકસેલાં દંપતી છે. જોકે ક્રિશનાં માતાપિતા વચ્ચે અણબનાવ છે, કારણ કે ક્રિશનો પિતા વિક્રમ મલ્હોત્રા શરાબી છે. થોડાક છબરડા પછી ક્રિશ (અર્જુન કપૂર) અને અનન્યા (આલિયા ભટ્ટ) પરણે છે. ફિલ્મ થોડીક સ્લો છે પણ માણવા જેવી ખરી. ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય અને નિરંજન આયંગરનાં છે.
આ ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતે સંગીતકારો શંકર-એહસાન-લોયે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હતી. એક, બંને યુવાન હૈયાં અમદાવાદની આઇઆઇએમમાં ભણે છે, એટલે એ વાતાવરણ ધ્યાનમાં રાખવાનું. કથાનાયકનાં માતાપિતા દિલ્હીમાં વસે છે જ્યારે નાયિકાનાં માતાપિતા ચેન્નાઇમાં રહે છે એટલે દિલ્હી અને ચેન્નાઇ બંને સ્થળોનાં સંગીતના ટેમ્પરામેન્ટને જીવંત કરવાના હતા. સાથોસાથ પંજાબી અને તમિળ પ્રજાના સંગીતના મૂડને પ્રગટ કરવાનો હતો. નિરંજન આયંગરે તમિળ ભાષામાં બે ગીતો રચ્યાં છે. બાકીનાં ગીતો અમિતાભ ભટ્ટાચાર્યે રચ્યાં છે. તાજેતરમાં સ્વેચ્છિક નિવૃત્તિ જાહેર કરનારા અરિજિત સિંઘે અહીં જે રોમાન્ટિક ગીત ગાયું છે એવાં ગીતો હવે અરિજિતના કંઠે સાંભળવા નહીં મળે. સંગીતકારોએ અહીં બે ત્રણ રાગરાગિણી અજમાવીને પંજાબી તથા તમિળ વાતાવરણને જીવંત કર્યાં છે. અરિજિત સિંઘ અને ચિન્મયીએ રોમાન્ટિક ગીતમાં જબરી જમાવટ કરી છે. ચેન્નાઇમાં જન્મેલી તેમજ તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મો ઉપરાંત હિન્દીમાં ગીતો ગાનારી ચિન્મયી શ્રીપદાએ આ ગીતને ગાતી વખતે પોતે એક તમિળભાષી નાયિકા માટે ગાય છે એ રીતે સ્વરફેંક અને ઉચ્ચારોનું ધ્યાન રાખ્યું છે. 'ઇશ્ક કી ધૂની રોજ જલાયે, ઊઠતા ધૂંઆ તો કૈસે બુઝાયે, હો અંખિયાં કરે જી હજૂરી, માંગે હૈં તેરી મંજૂરી...' રાગ પહાડીમાં સ્વરાંકિત આ ગીત યુવા પેઢીને જકડી રાખે એવું છે.
પ્રેમલગ્ન કર્યાં હોવા છતાં જે દંપતીનું દાંપત્ય ઝઘડાથી ખરડાયેલું છે એવા દંપતીનો પુત્ર સ્વભાવે કેવો છે એ વર્ણવતું ગીત આપણા સૌની લાડકી ભૈરવી રાગિણીમાં બેની દયાલે ગાયું છે. મુખડું છે- 'ઇકલૌતા મેરા દિલ થા, ભોલાભાલા સિમ્પલ થા, તુઝ સે મૈં ટકરાયા, સરફિરા હો ગયા, ના હોના થા ક્યૂં હો ગયા, લોચા-એ-ઉલ્ફત હો ગયા...'
ચેન્નાઇના ફિલ્મ સર્જક અને ગાયક કે. મોહન તથા યશિતા શર્માએ ગાયેલું રોમાન્સરંગી ગીત પ્રેમમાં પાગલ યુવા હૈયાના દિલની વાત કરે છે- 'તુઝ બિન સૂરજ મેં આગ નહિ રે, તુઝ બિન કોયલ મેં રાગ નહીં રે, ચાંદનિયા તો બરસે ફિર ક્યૂં મેરે હાથ અંધેરે લગદે ને...' અદિતિ સિંઘ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યનો કંઠ એવું જ એક રોમાન્ટિક ગીત જમાવે છે- 'દિલ કા દિમાગ સે ઝઘડા લગાયા કૈસે, પીછે કે દરવાજે સે દબે પાંવ આયા કૈસે, થોડા-સા કમીના થોડા સા બેચારા હૈ... ઇશ્ક ભૂત સહી, પર યહ ભૂત બડા હી પ્યારા હૈ, ઓફ્ફ ઓ ઇસે ડાંટ કે ભગાઉં?'... રસપ્રદ વાત એ કે આ ગીત પણ રાગ પહાડીનો આધાર લઇને બનાવાયું છે છતાં અલગ લાગે એ રીતે સ્વરો અજમાવાયા છે.
અદિતિ કક્કડ અને શાહિદ મલ્લાયાએ ગાયેલું પંજાબી યુવાનની વાત કરતું ગીત 'ઇસકી ઉસ કી તરીકે' ખાસ્સું લોકપ્રિય નીવડયું હતું. બીજીવાર આ ગીત પંજાબી યુવક અને તમિળ પોન્ની (યુવતી)ના રૂપે આદિત્ય નારાયણ અને આકાંક્ષા ભંડારીના કંઠમાં છે. 'પંજાબ દા પુત્તર પિંડ જલંધર, યાર વાઇ વાઇ અંખિયોં સે કીલ કરદા, ઇસ કી ઉસ કી, કૌન કીસ કી...' આ ગીતમાં પંજાબી અને તમિળ બોલચાલના શબ્દોને ચાતુરીપૂર્વક ગોઠવ્યા છે. ગીતકારની આ ખૂબીને પારખીને સંગીતકારોએ સ્વરોની ગોઠવણી કરતી વખતે પંજાબી લોકગીતની અને તમિળ ગીતોના સ્વરલગાવને અજમાવ્યા છે. ગીત હિટ નીવડયું હતું.
લેખકની આત્મકથનાત્મક નવલકથા પરથી તૈયાર કરાયેલી ફિલ્મનું સંગીત હિટ નીવડયું અને શંકર એહસાન લોયને બેસ્ટ સંગીતકારનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો. ફિલ્મ પણ હિટ નીવડી હતી.









