આધુનિક યુગનો બાળઉછેર ખાંડાની ધાર પર ચાલે છે નવી પેઢીના માતાપિતાઓ
મનોચિકિત્સકો કહે છે કે નવા જમાનાના માતાપિતાએ બાળઉછેરમાં નવી નવી પધ્ધતિઓ અપનાવી છે જે સમયાનુસાર જરૂરી પણ છે.
એક સમય એવો હતો જ્યારે બાળકો ક્યારે મોટા થઇ જતાં તેની માતાપિતાને ખબર પણ ન પડતી. દાદાની આંગળી ઝાલીને ચાલતાં શીખતું ભૂલકું દાદીની કહેલી વાર્તાઓ સાંભળીને પોઢી જતું. તેમાંય વિશાળ પરિવારમાં તો તેના માબાપના હાથમાં તે માંડ આવતું. ઘરની નજીકની શાળામાં ભણવા જતું બાળક રિસેસમાં ઘરે આવીને જમી લેતું. અને શાળાનો સમય પૂરો થતાં જ ઘરમાં દફ્તર ફેંકીને પોતાના ગોઠિયાઓ સાથે રમવા દોડી જતું.
એ એવો વખત હતો જ્યારે બાળકો ખરા અર્થમાં પોતાનું બાળપણ માણતાં હતાં. પણ હવે સમય બદલાયો છે. નવી પેઢીના ભૂલકાઓને ઉછેરવા માબાપ માટે પણ ખાંડાની ધાર પર ચાલવા જેટલું અઘરું બની ગયું છે. અને તેના મુખ્ય કારણો છે વિભક્ત કુટુંબો,નોકરી કરતાં માતાપિતા અને બચ્ચાઓનો નાનપણથી જ બાહ્ય દુનિયા સાથેનો મોટેરાં જેવો સંપર્ક.
આજે લોકોની, ખાસ કરીને શહેરીજનોની જીવનશૈલી સમગ્રપણે બદલાઇ ગઇ છે. અને તેની સીધી અસર ભૂલકાઓ પર જોવા મળી રહી છે. તેમની ખાણીપીણી,ભણતર, પરિધાન ઇત્યાદિમાં સમૂળગો બદલાવ જોવા મળી રહ્યો છે. તેમને આપણું પરંપરાગત ભોજન ખાવું નથી ગમતું. પણ ફાસ્ટ ફૂડ તેઓ હોંશે હોંશે આરોગે છે.બલ્કે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે તેઓ દરરોજ ફાસ્ટ ફૂડ ખાવા જીદ્દ કરે છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યને થતાં નુક્સાનથી બચાવવા માતાપિતાએ ચોક્કસ પગલાં લેવા પડે છે.
૧૦ વર્ષના એક પુત્રની માતા કહે છે કે મેં મારા દીકરાને અઠવાડિયામાં બે દિવસ જંક ફૂડ ખાવાની છૂટ આપી છે. જોકે તે ફરિયાદના સૂરમાં કહે છે કે મારાં સાસુ તેની બધી જિદ્ પૂરી કરે છે. તે જ્યારે માગે ત્યારે તેને વેફરનું પેક્ેટ આપી દે છે. તે વધુમાં કહે છે કે માત્ર ૧૦ વર્ષની વયમાં તે નેટફ્લિક્સ જોવાની હઠ કરતો હોવાથી ઘરમાં અમેજ તે જોવાનું જ છોડી દીધું છે.
અન્ય એક ત્રણ વર્ષની દીકરીના માતા કહ ે છે કે અમારી વહાલસોઇ માટે એક્સપરિમેન્ટલ સ્કુલ શોધવા માટે અમે પંદરેક દિવસ જેટલો સમય ફાળવ્યો હતો. જ્યારે હજી તરૂણાવસ્થામાં પણ ડગ ન માંડનાર એક પુત્રની માતા કહે છે કે તેનો દીકરો ડેટિંગ સાઇટ જોવા માગે છે.
તમને જાણીને આંચકો લાગશે કે માતાપિતા,ખાસ કરીને નોકરી કરતી મમ્મીઓ પોતાના સંતાનોની આવી વાતો 'પેરન્ટ્સ વોટ્સ એપ ગુ્રપ' પર મૂકે છે. તેઓ બાળકો વિશેની પોતાની મૂંઝવણ કે સમસ્યાઓનો ઉકેલ પણ આ ગ્રુપમાં માગે છે.
છ વર્ષની પુત્રીની માતા કહે છે કે મારી દીકરી માટે હંમેશાં ચિંતિત રહેવું મને થકવી નાખતું. હું આખો વખત તેની પાછળ પાછળ ફર્યા કરતી. તેને જરાસરખી શરદી થાય તોય જાણે કે મારા પગ તળેથી જમીન સરકી જતી અને હું મારા મમ્મી-પપ્પાની સલાહ લેવાને બદલે મારી બધી સહેલીઓના માતાપિતાની સલાહ લેતી. ક્યારેક તેમની સલાહ કામ કરી જતી તો ક્યારેક નહીં. અને જ્યાં સુધી તે સાજી ન થતી ત્યાં સુધી મારો જીવ તાળવે ચોંટેલો રહેતો.
ધીરે ધીરે મને એમ લાગવા લાગ્યું કે તેની વધારે પડતી ચિંતા કરવાને કારણે હું પોતે ગુંગળામણ અનુભવી રહી છું. મેં એમ પણ જોયું હતું કે જે માબાપ પોતાના સંતાનોની ઝાઝી ચિંતા નથી કરતાં અને તેમને પોતાની મેળે જ મોટા થવા દે છે તે વધુ હળવશથી જીવે છે. પછીથી મેં પણ એ રીત અપનાવી. હવે મને એમ લાગે છે કે તેને કારણે હું પોતે પણ હળવાશ અનુભવું છું. અને મારી દીકરી પણ પોતાનું કામ જાતે કરતા શીખી રહી છે.
વાસ્તવમાં નવી પેઢીના માતાપિતા, ખાસ કરીને માતાઓ પોતાના સંતાનોનો સારી રીતે ઉછેર કરવા સાથે પોતાની કારકિર્દી પ્રત્યે પણ અત્યંત સજાગ હોવાથી તેમને એકસાથે બે નાવમાં સવાર થવાની નોબત આવે છે.આવી સ્થિતિમાં તેઓ શારીરિક અને માનસિક, બંને રીતે થાકી જાય છે. અને આ થાક દૂર કરવા તેઓ અવનવા માર્ગો શોધે છે.
જેમ કે ત્રણ વર્ષની પુત્રી શેફાલીની માતાએ થોડા સમય પહેલા માઉન્ટ એવરેસ્ટ પર જવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું હતું કે નોકરી અને ઘર-સંતાનને સંભાળતા સંભાળતા હું એટલી બધી થાકી ગઇ હતી કે મારો આત્મવિશ્વાસ ગુમાવવા લાગી હતી. છેેવટે મને એમ લાગ્યું કે મારે એવું કાંઇક કરવું જોઇએ જેને પગલે હું એમ માની શકું કે હું હજી પણ ઘણું કરી શકું તેમ છું. તેથી મેં એવરેસ્ટ સર કરવાનો નિર્ણય લીધો. વળી આવું સ્થળ તમને માનસિક રીતે હળવા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આજની તારીખમાં માતાપિતા બન્યા પછી ઘણાં યુગલોના વિવાહિત જીવન ખરાબે ચડયાના દાખલા પણ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને જે પુરુષોને ઘરકામ કરવાની બિલકુલ આવડત કે ટેવ ન હોય અને તેમની પત્નીઓ પણ નોકરી કરતી હોય ત્યારે તેમનું લગ્નજીવન પડી ભાંગતા વાર નથી લાગતી.એક મનોચિકિત્સક આવા એક કેસનું ઉદાહરણ આપતાં કહે છે કે મારા એક દરદીને ગૃહકાર્ય કરવાની જરાય ફાવટ નહોતી. જ્યાં સુધી તેમના ઘરે પારણું નહોતુ બંધાયું ત્યાં સુધી તો બધું સમુસુતરું ચાલ્યું. પણ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યાર પછી બાજી બગડી.
એ મહિલાને બાળકને સંભાળવા સાથે નોકરીએ જવાની અને ગૃહકાર્ય કરવાની એમ ત્રેવડી જવાબદારી સંભાળવાની નોબત આવી. તે તેના પતિને ઘરકામમાં મદદ કરવાનું સમજાવતી. પરંતુ તે તેને લગીરેય દાદ ન આપતો. છેવટે બંને વચ્ચે અવારનવાર ઝગડાં થવા લાગ્યાં અને તેમનું વિવાહિત જીવન પડી ભાંગ્યું. જ્યારે આવી જ અન્ય એક યુવતીએ પોતાના સંતાનની સારસંભાળ લેવા પોતાની કારકિર્દીમાં ત્રણ વર્ષનો બ્રેક લીધો ત્યારે તે માનસિક રીતે પડી ભાંગી હતી. તે પોતાની સહેલીઓ કે સહકર્મચારીઓને પોતાના કરતાં આગળ વધતાં જોતી ત્યારે તેને પોતાની જાત પર અફસોસ થતો.
નવી પેઢીના માતાપિતાઓ દ્રઢપણે માને છે કે સંતાનોના ઉછેરમાં પિતાની ભૂમિકા સર્જનાત્મક હોવી ઘટે.ે અગાઉના પિતાઓની જેમ બાળકોને સંભાળવાની બધી જવાબદારી માતા પર નાખી દેવીે અયોગ્ય ગણાય.કદાચ તેથી જ હવે નવા જન્મેલા શિશુનું નેપી બદલવામાં કોઇપણ પિતાને સંકોચ નથી થતો કે સૂગ પણ નથી ચડતી. એટલે સુધી કે ઘણાં યુવકો પેટરનિટી લીવ લેતાં પણ થયાં છે. જ્યારે ઘણાં પિતા ઓફિસેથી આવીને પોતાના બાળકોને જમાડવાથી લઇને સુવડાવવા સુધીના જવાબદારી પણ સંભાળે છે.
મુંબઇમાં રહેતો એક યુવક કહે છે કે મારો અને મારી પત્નીનો કામનો સમય અલગ અલગ છે. તેથી અમે અમારા બંને સંતાનોને સારી રીતે સાચવી લઇ શકીએ છીએ. તે વધુમાં કહે છે કે મને સવારના વહેલા જઇને સાંજે વહેલા પરત ફરવાનું હોય છે. જ્યારે મારી પત્નીને મોડા જવાનું હોવાથી તે રાત્રે મોડી પાછી ફરે છે. પરંતુ તેને કારણે અમારા બંને સંતાનો સારી રીતે સચવાઇ જાય છે.સવારના મારી પત્ની ગૃહકાર્યો કરવા સાથે અમારા સંતાનોને શાળામાં મૂકવાનું કામ આટોપે છે.
શાળામાંથી અમારા બાળકો સીધાં બેબી સીટિંગમાં જાય છે. હું સાંજે ઘરે જતાં જતાં તેમને બેબી સીટિંગમાંથી લેતો જાઉં છું. ત્યાર પછી તેમને ફ્રેશ કરીને તેમનું હોમવર્ક જોઇ લઉં છું. મારી પત્ની રસોઇની થોડી તૈયારી કરીને જતી હોવાથી બાકીની રસોઇનું કામ પૂરું કરીને મારા સંતાનોને જમાડી લઉં છું. ત્યાર પછી દાદીમાની જેમ તેમને વાર્તાઓ કહીને સુવડાવું છું. અમે બંને સાથે મળીને અમારા બાળકોને એવી રીતે ઉછેરીએ છીએ કે તેમનામાં આપણા પરંપરાગત સંસ્કારોનું સિંચન થાય.
સાથે સાથે તેમને એ પણ સમજાય કે તેમના માબાપ કામ પર જતાં હોવાથી અમારે અમારું કામ જાતે જ કરતાં શીખી જવું પડેશે.બાકી સોશ્યલ મીડિયાને કારણે તેમને જે એક્પોઝર મળવાનું છે તેને અમે મર્યાદિત કરી શકીએ, પણ ટાળી તો ન જ શકીએ. આવી સ્થિતિમાં તેમનામાં આપણા પરંપરાગત સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હોય તો તેઓ ઘણી રીતે મર્યાદામાં રહે એ વાત ચોક્કસ.
આ કિસ્સામાં પતિ-પત્નીના કામના કલાકો વેગવેગળા હોવાથી તેમના માટે અનુકૂલન સાધવાનું સરળ બની રહે છે. પરંતુ બધા કેસમાં આવું નથી બનતું. જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે તેમને પોતાના માટે ભાગ્યે જ વખત મળે છે. તેમનો મોટાભાગનો સમય નોકરી અને ઘર-બાળકોને સંભાળવામાં નીકળી જાય છે. આવી સ્થિતિમાં બંનેમાંથી કોઇને પણ ગમે ત્યારે ડિપ્રેશન આવી જવાની ભીતિ તો રહે જ છે.
મનોચિકિત્સકો કહે છે કે નવા જમાનાના માતાપિતાએ બાળઉછેરમાં નવી નવી પધ્ધતિઓ અપનાવી છે જે સમયાનુસાર જરૂરી પણ છે. આવી એક પધ્ધતિ એટલે રબ્બર બેન્ડ પેરન્ટિંગ. આ કોન્સેપ્ટમાં માબાપ દરરોજ સવારના પોતાના જમણાં હાથમાં ત્રણ રબર બેન્ડ પહેરી લે છે. આ પેરન્ટિંગનો સૌપ્રથમ નિયમ છે બાળકોની પ્રશંસા કરવી. દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત માતાપિતાએ પોતાના બાળકોના વખાણ કરવાના. પહેલી વખત સવારના પહોરમાં જ તેની પ્રશંસા કરી લેવાની.
દરેક વખાણ વખતે એક રબર બેન્ડ જમણા હાથમાંથી કાઢીને ડાબા હાથમાં પહેરી લેવાની જેથી તેમને ધ્યાનમાં રહે કે તેમણે કેટલી વખત પોતાના સંતાનોના વખાણ કર્યાં. તેને કારણે તેમનો ક્રોધ આપોઆપ કાબૂમાં રહે. આમ છતાં જો કોઇ બાબતે ગુસ્સો થઇ જાય તો તેની સજારૂપે બાળક સાથે તેને ગમતી પાંચ પ્રવૃત્તિ કરવી.
ચાહે તે ડાન્સિંગ હોય, સિંગિંગ હોય,વાર્તા વાંચવાની હોય,સ્વીમિંગ હોય કે પછી ઇનડોર ગેમ રમવાની હોય.આ રીતે સંતાનો અને માબાપ વચ્ચે સ્નેહનો સેતૂ મજબૂત રહે છે. માતાપિતાને હંમેશાં પોતાના બાળકોની કાળજી લેવાનું ધ્યાનમાં રહે છે. તેવી જ રીતે સંતાનોને પણ પેરન્ટ્સની કદર થાય છે.મનોવૈજ્ઞાાનિકો વધુમાં કહે છે કે વિભક્ત કુટુંબના ચલણ સાથે બદલાયેલી બાળઉછેરની પધ્ધતિમાં આવા કોન્સેપ્ટ્સ બહુ ખપ લાગે છે.
મમ્મી-પપ્પા બંને નોકરી કરતાં હોય ત્યારે તેમણે પોતાના ભૂલકા બાબતે ઘણાં પડકારો ઝીલવાના હોય છે. પ્રસાર માધ્યમમાં ફરજ બજાવતું એક યુગલ પોતાની ત્રણ વર્ષની દીકરીને કોઇ જાતની તકલીફ ન પડે એ બાબતે અત્યંત સાવધાન રહે છે. આમ છતાં તેમના લાડપ્યારને કારણે તેમની દીકરી માથે ચડી ન બેસે એ વાતનું પણ ધ્યાન રાખે છે. આ ત્રણ વર્ષની દીકરીની માતા કહે છે કે હવે હું બહારગામના અસાઇનમેન્ટ નથી લેતી જેથી સમયસર ઘરે આવીને મારી પુત્રીની દેખભાળ કરી શકું. અમે બંને શક્યત: અમારા કામના કલાકો અલગ અલગ રાખીએ છીએ જેથી બેમાંથી એક જણ તેની સાથે રહી શકે.
આમ છતાં મારો પતિ જ્યારે અસાઇનમેન્ટ માટે બહારગામ જાય ત્યારે મારી દીકરી તેના માટે બહુુ હિજરાય છે. કેટલીક વખત તે એક એક બબ્બે કલાક લાગલગાટ રડે છે. પરંતુ અમે તેને એવી ટેવ પાડવા નથી માગતા કે તેના રડવાને કારણે તેના પપ્પા બહારગામના અસાઇનમેન્ટ નહીં કરે. ધીમે ધીમે તેને થોડાં દિવસ માટે પપ્પા વિના રહેવાની ટેવ પડી જશે. અમે તેને બધા લાડ કરીએ છીએ, આમ છતાં તેને કારણે તે જિદ્દી ન થઇ જાય તેની કાળજી પણ લઇએ છીએ.
મનોવૈજ્ઞાાનિકો કહે છે કે આધુનિક માતાપિતાઓએ તેમના સંતાનોને ઉછેરતી વખતે ત્રણ નિયમો ખાસ પાળવા જેવા છે, ૧)તેમના વિશે કાંઇ ધારી ન લો, ૨)તમારા શમણાં તેમના માથે ન થોપો, ૩)તેમની તુલના તેમની વયના અન્ય બાળકો સાથે ન કરો. જોકે તેઓ તરત જ ઉમેરે છે કે મોટાભાગના શિક્ષિત માબાપ આ વાતો સારી રીતે સમજે છે અને તેનું પાલન પણ કરે છે. વાસ્તવમાં આધુનિક પેઢીના માતાપિતા અગાઉની પેઢીના માબાપ કરતાં ચડિયાતા પુરવાર થઇ રહ્યાં છે.
તેઓ પોતાના સંતાનો પર માલિકીભાવ નથી રાખતાં. તેઓ એવો કોઇ આગ્રહ નથી સેવતાં કે તેમના સંતાનોને તેમની મરજી મુજબ જ ચાલવું પડશે. તેઓ તેમનામાં રહેલી આવડત-ક્ષમતાને પિછાણીને તેને અજવાળવાનો પ્રયાસ કરે છે. તેમને સંગી,નૃત્ય, ખેલકૂદ,ઇનડોર ગેમ્સ,ચિત્રકળા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં કેળવે છે.
એટલું જ નહીં, તેઓ તેમની સાથે માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં વાતો કરતાં હોવાથી બાળકો પહેલેથી જ ભાષા પર પ્રભુત્વ મેળવવા લાગે છે. જો કોઇ કિસ્સામાં માબાપ અલગ અલગ જ્ઞાાતિના હોય તો તેમના સંતાનો એકસાથે ત્રણ ત્રણ ભાષા શીખી જાય છે. આ સિવાય નવી પેઢીના માતાપિતા પોતાના સંતાનો સાથે સેક્સ વિશે પણ બહુ કુશળતાપૂર્વક વાતો કરી જાણે છે.
જોકે મનોવૈજ્ઞાાનિકો તરત જ ઉમેરે છે કે આધુનિક માબાપ નોકરી કરવાની સાથે સાથે પોતાના સંતાનોને પણ સારી રીતે ઉછેરે છે તેનો સઘળો યશ તેમના શિક્ષણને જાય છે. ઉચ્ચ શિક્ષિત માતાપિતા સંતાનોની માનસિકતા સમજી શકે છે.
વળી આ પેઢીના મોટાભાગના માબાપ પોતાના બચપણમાં પોતાના માતાપિતા કે ઘરના અન્ય વડિલોના કડક નિયંત્રણમાં ઉછર્યાં હોવાથી કંઇકેટલીય બાબતોમાં પોતાનું મન માર્યું હોય છે. તેથી તેઓ એમ માનતા હોય છે કે અમે ભલે અમારું મન મારીને મોટા થયાં, પરંતુ અમારા સંતાનોને તેમની ગમતી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપીશું.
અલબત્ત, આ બાબતે તેઓ પોતાના માબાપને દોષ નથી આપતાં. તેઓ સમજે છે કે તેમના મમ્મી-પપ્પા સમયાનુસાર ચાલ્યાં હતાં. અને જો તેમણે તેમને આટલું શિક્ષણ ન આપ્યું હોત તો તેમને આજે જે વાત સહેલાઇથી સમજાઇ રહી છે તે કદાચ ન સમજાત. વળી તેઓ એ વાત પણ સારી રીતે જાણતા હોય છે કે ઇન્ટરનેટના આ યુગમાં તેમના બાળકો તેમના કરતાં બે કદમ આગળ જ રહેવાના છે. તેથી તેમણે જ તેમને અનુકૂળ થવું પડશે.
- વૈશાલી ઠક્કર