નવવધૂના સોળ શણગારમાં નવી 'એસેસરીઝ'નો ચળકાટ
એક સમય હતો જ્યારે લાજ નવવધૂનું ઘરેણું હતું. ગાલ પર પડતા શરમના શેરડા અને લજ્જાળ સ્મિત તેના સૌંદર્યને ચાર ચાંદ લગાડતા હતા. બસ, આ જ તેમનો મેકઅપ હતો. ઝગારા મારતા તેના પ્રાકૃતિક સૌંદર્યએ ભલભલા પાષાણ અને નિરસ હૈયાના લોકોને પણ કવિ બનાવી દીધા હતા. 'ઝુકે ઝુકે નૈના, બલખાતી લટ અને શરમસે દહેકે ગાલ' નવવધૂના અમૂલ્ય આભુષણો હતા. પરંતુ આજે જમાનો બદલાઇ ગયો છે. આજે નવવધૂ પાસે ઘણા વિકલ્પો છે અને અહીં આપણે માત્ર એસેસરીઝની જ વાતો કરી રહ્યા છે. બાકીના વિકલ્પોને તો અત્યારે બાજુએ જ મૂક્યા છીએ.
આજે સાજ-શણગારમાં એસેસરીઝનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજે જમાનો એવો આવ્યો છે કે એસેસરીઝ વિના તમારો શણગાર અપૂર્ણ રહી જવાની શક્યતા છે. વાસ્તવિકતા તો એ છે કે આજે તમે ક્યો પોશાક પહેરો છો એના કરતા એની સાથે બીજું શું પહેરો છો એ પર જ લોકોની ખાસ કરીને લગ્નમાં આમંત્રિત મહિલાઓની નજર હોય છે. સોળ શણગાર કરવામાં આજની દુલ્હન પાસે વિવિધ પ્રકારના તેમજ મન મોહી લે તેવા વિકલ્પો મોજુદ છે.
સૌ પ્રથમ સૌભાગ્ય કાંક્ષિણીના કપાળ પર શોભતી લાલ ચટ્ટાક બિંદીની વાત કરીએ. બિંદીની આસપાસ શોભતી પરંપરાગત પિયળની જગ્યા આજે ડિઝાઇનર પિયળે લઇ લીધી છે. તમને પરવડે તો તમે સાચા હીરાની તેમજ કિંમતી રત્નોની બિંદી અને પિયળ પસંદ કરી શકો છો. જો તમારી પહોંચ બહાર હોય તો આજે આના સસ્તા વિકલ્પો પણ ચોરે ને ચૌટે ઉપલબ્ધ છે. ડિઝાઇનર યુગમાં બિંદી અને પિયળ પણ ડિઝાઇનર બની ગયા છે.
આજે તો બજારમાં તમને કપાળે ચોડવામાં આવતા ભાતભાતના સ્ટીક ઓન સ્પાર્કલર્સ મળી આવશે. જે કપાળથી શરૂ કરીને પાંથી સુધી લગાડી શકો છો. પાંથીની અંદર પણ સિંદુરની જેમ આ સ્પાર્કલર્સ ચોંટાડવાનું આધુનિકા પસંદ કરે છે. પરંપરાગત ટીક્કાની જગ્યા આજે આધુનિક સ્પાર્કલર્સ લઇ લીધી છે. હા, કેટલીક યુવતીઓ ભમર ઉપર પણ આ ટીલીઓ ચોડે છે.
આ પસંદ ન હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બજારમાંથી તમને તમારા પોશાક સાથે મેળ ખાતી રંગીન ચમકતી બનાવટી હીરાની ટીલડીઓ વિવિધ ડિઝાઇનની મળી રહેશે. જો કે આ માટે તમારે તમારા બટવાની દોરી જરા વધુ ઢીલી કરવી પડશે. પરંતુ લગ્ન પણ અમૂલ્ય અવસર છે. જીવનના આ મહામુલા પ્રસંગમાં થોડી ઘણી બાંધછોડ કરવાની તૈયારી તો રાખવી જ પડે છે.
જમના સાથે સાથે નવવધૂની પરંપરાગત બંગડીઓએ પણ નવો અવતાર ધારણ કર્યો છે. સૌભાગ્યની ચૂડલા સાથે આજે સાદી કાચની બંગડીઓની ફેશન 'આઉટ' થઇ ગઇ છે. આજની નવયૌવના સૌભાગ્ય ચૂડા સાથે ચળકતી તેમજ પરિધાન સાથે મેળ ખાતી બંગડીઓ પહેરે છે. આ બંગડીઓ લાખ, કાચ અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તમે તમારી પસંદગી મુજબ બંગડીઓ પહેરી શકો છો. ગઇકાલની જેમ આજની બંગડીઓ સાદી નથી. જમાનાની હવા બંગડીઓને પણ લાગી ગઇ છે.
આજે વિવિધ પ્રકારના આકર્ષક પથ્થરો, સ્પાર્કલર્સ તેમજ મન લોભાવી દે એવી ડિઝાઇન ધરાવતી બંગડીઓ મળે છે. પાકિસ્તાની તેમજ જોધપૂરી બંગડીઓ આજની લલનાને લોભાવી ગઇ છે. ઝીણી ઝીણી ડિઝાઇન અને વિવિધ આકારની ચૂડીઓ નવવધૂના કાંડાની શોભા બની ગઇ છે. રાજસ્થાની ગ્લાસમાંથી બનાવેલી બંગડીઓ પણ 'ઇન' છે. આ બંગડીઓ જરા મોંઘી છે. પરંતુ આ વર્ષો સુધી તમને તમારા જીવનની આ યાદગાર પળોને તાજી રાખશે. આધુનિક બંગડીઓ કડા જેવા આકારની હોય છે. હા, કાંડામાં બંગડીઓ સાથે સાથે ભુજા પર બાજુબંધ પહેરવાની ફેશને પણ જોર પકડયું છે.
નવવધૂના હાથમાં શોભતી મહેંદી પણ ફેશનેબલ બની ગઇ છે. જરી, નેઇલ પોલિશ જેવી મહેંદીઓ પણ આજે પરંપરાગત મહેંદી સાથે સ્પર્ધામાં ઉતરી છે. આ ઉપરાંત કાચ તેમજ મહેંદીના છૂંદણા પણ બાવડામાં છૂંદવામાં આવે છે. જો કે આ છૂંદણા થોડા દિવસમાં અદ્રશ્ય થઇ જાય છે.
આવા કામચલાઉ છૂંદણા તો ઠેકઠેકાણે લગાડવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ કમરબંધ તેમજ ડૂંટી માટે પણ ભાતભાતના શણગારો મળે છે. ડૂંટી પર તો આજકાલ ચળકતા જરીના તેમજ કાચના કે હીરાના શણગારો બજારમાં મળે છે. મેટાલિક, ગ્લિટરિંગ નેવલ સ્પાઇરલ્સ તમારી નાભીને ઓર ખૂબસૂરત બનાવશે.
આજે તો હવે આ શૃંગારો બ્યુટીશીયન જ લાવે છે. તમારી પસંદગી એને જણાવી દો એટલે તમારી જવાબદારી પૂરી. આ પછીની જવાબદારીઓ તે જ સંભાળી લે છે. અથવા તો તમારામાં આવડત હોય તો તમે હવે સ્પાર્કલ અને ગ્લિટર મેકઅપ ઘરે પણ બનાવી શકો છો.
મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં તો મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરોમાંથી તમને સ્પાર્કલર્સ તેમજ બ્રાઇડલ એસેસરીઝ મળી રહેશે. માત્ર પૈસા ખરચવાનું જીગર હોવું જરૂરી છે.
ચહેરા અને શરીર પર ચળકાટ માટે ગોલ્ડ ડસ્ટ પાવડર જરૂરી છે તેમજ કપાળ અને ભમરના શણગાર માટે સ્વાન્વોસ્કી ક્રિસ્ટલ્સ વાપરવાની સલાહ બ્યુટિશિયનો આપે છે. વાળનો પણ ગ્લીટર્સ તેમજ નાના- નાના રંગીન ફૂલોથી શણગારવામાં આવે છે.
સાચુ કહીએ તો આજના ફેશન ઘેલા જમાનામાં ફેશનને નામે કોઇ પણ ચિત્ર-વિચિત્ર શણગાર તરી જાય છે. ફેશનેબલ દેખાવા તમે જે કરો તે ઓછું છે. તમે ફેશન ભલે કરો પણ તે મર્યાદામાં રહીને કરશો તો જ શોભશે.