શંકર-એહસાન-લોયને વિદાય આપતી વખતે થોડુંક વિસ્મય...

- સિને મેજિક- અજિત પોપટ
- એક માન્યતા છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મો સામાન્યપણે નિર્માતાને ઝાઝું નુકસાન કરાવતી નથી. છતાં, શંકર-એહસાન-લોયના સંગીતવાળી ફિલ્મોની વાત કરીએ ત્યારે એક નહીં, ત્રણ ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની હાજરી છતાં ફિલ્મો ચાલી નહોતી - 'અરમાન', 'ક્યું હો ગયા ના?' અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 'દિલ જો ભી કહે'.
અહિન્દી ફિલ્મોદ્યોગના અમર-અકબર-એન્થની તરીકે ઓળખાયેલા સંગીતકાર શંકર-એહસાન-લોયને વિદાય આપતી વેળા આ એપિસોડમાં કેટલીક વિચિત્ર લાગે એવી વાત કરવી છે. આ ત્રિપુટીએ જેટલી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું એટલી જ તેમના નામે ફ્લોપ ફિલ્મો બોલે છે. અલબત્ત, એમાં આ સંગીતકારોનો વાંક નથી. એમણે તો પૂરેપૂરી નિષ્ઠાથી પોતાનું કામ કર્યું. છતાં કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધાર્યો બિઝનેસ કર્યો નહીં. બોક્સ ઓફિસના આંકડાને આધારે ફિલ્મની સફળતાનો માપદંડ ગણતા સમીક્ષકોએ કેટલીક ફિલ્મોમાં સંગીત કર્ણપ્રિય અને લોકપ્રિય થવા છતાં એનો યશ સંગીતકારોને આપ્યો નહીં કે લેવા દીધો નહીં.
બે ચાર દાખલા લઇએ. ફિલ્મ રાકફોર્ડનું આ ગીત યાદ કરો- 'આસમાન કે પાર શાયદ કોઇ ઔર આસમાં હોગા, બાદલોં કે પર્વતોં પર કોઇ બારીશ કા મકાં હોગા...' ગુલઝારની આ રચનાને ખુદ શંકર મહાદેવને ગાઇ હતી. ગીત લોકપ્રિય પણ નીવડેલું પણ ફિલ્મે ધાર્યો બિઝનેસ ન કર્યો, ફ્લોપ ગણાઇ ગઈ. ગીત .વિસરાઇ ગયું. ઔર એક ગીત યાદ કરીએ. 'આંખોં મેં નીંદેં, નીંદોં મેં સપને, સપનોં મેં બાતેં તેરી મેરી હોતી જરા...' ગીતકાર ઇર્શાદ કામિલની આ રચનાને રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલે ફિલ્મ 'વી આર ફેમિલી' માટે કંઠ આપ્યો હતો. ગીતને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ ફિલ્મ ચાલી નહીં. પરિણામ? સંગીતકારોનો પુરુષાર્થ એળે ગયો.
...અને આ ગીત સાંભળો. શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણે ગાયેલું ફિલ્મ 'આરક્ષણ'નું પ્રસૂન જોશીએ રચેલું ગીત- 'ઝટક કર ઝુલ્ફ તુમ તૌલિયે સે બારિશેં આઝાદ કરતી હો, અચ્છા લગતા હૈ, હિલાકર હોઠ જબ ભી હૌલે હૌલે, ગુફ્તગુ કા સાજ કરતી હો, અચ્છા લગતા હૈ...' ગીત યુવા પેઢીને ખૂબ ગમ્યું હતું. આજે પણ શંકર-એહસાન-લોયના ચુસ્ત ચાહકો ગણગણતા હશે, પરંતુ આ ફિલ્મ 'આરક્ષણ'ને પણ ફ્લોપ ગણી લેવામાં દિઆવી. સંગીતને યશ મળ્યો નહીં. આ ત્રણે ગીતના શબ્દો ત્રણ અલગ અલગ ગીતકારોએ રચ્યા છે. ત્રણે ગીતના શબ્દો અને એની બંદિશમાં તાજગી છે, એક પ્રકારની નજાકત છે. અગાઉ કહ્યું એમ બોલિવુડના કહેવાતા સમીક્ષકોને જે ફિલ્મોનાં આ ગીત છે એ ફિલ્મો ધંધાદારી રીતે હિટ ન લાગી. પતી ગયું. નિર્દેશક, સિનેમેટોગ્રાફર, આર્ટ ડિરેક્ટર, એડિટર, ગીતકાર, સંગીતકાર- બધાંની મહેનત પર પાણી ફરી વળ્યું. જો કે શંકર-એહસાન-લોયને કોઇ અપયશ ન મળ્યો એ સૌથી મોટું આશ્વાસન ગણાય. હવે આ સંગીતકારોની ફ્લોપ ગણાયેલી થોડીક ફિલ્મોનો ઉલ્લેખ જરૂરી છે. ખરીખોટી એક માન્યતા છે કે અમિતાભ બચ્ચન હોય એવી મોટા ભાગની- યસ, મોટા ભાગની ફિલ્મો નિર્માતાને ઝાઝું નુકસાન કરાવતી નથી. છતાં, શંકર-એહસાન-લોયના સંગીતવાળી ફિલ્મોની વાત કરીએ ત્યારે એક નહીં ત્રણ-ચાર ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની હાજરી છતાં ફિલ્મો ચાલી નહીં. યાદ કરો, અનિલ કપૂર અને અમિતાભ બચ્ચનના અભિનયવાળી ફિલ્મ 'અરમાન'.
અમિતાભ, ઐશ્વર્યા બચ્ચન અને વિવેક ઓબેરોયની ફિલ્મ 'ક્યું હો ગયા ના?' અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 'દિલ જો ભી કહે'. એવું જ સલમાન ખાન અને એના સહકલાકાર બાબત કહી શકાય. સલમાન ખાન, અભિષેક બચ્ચન અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'ફિર મિલેંગે' તથા 'મેરીગોલ્ડ' જેમાં સલમાન ખાન સાથે અમેરિકી અભિનેત્રી અલી લાર્ટર અને ટ્થ હર્ટ્સ હતી. આ રીતે જોઇએ તો શંકર-એહસાન- લોયના સંગીતથી સજેલી અને ફ્લોપ ગણાયેલી ફિલ્મોની યાદી લાંબી થઇ જાય. નોંધી લ્યો- 'શૂલ', 'રૉકફોર્ડ', 'દિલ્લગી', 'ભોપાલ એક્સપ્રેસ', 'અભય', 'યહ ક્યા હો રહા હૈ', 'એક ઔર એક ગ્યારહ', 'નયી પડોશન', 'કુછ ના કહો', 'રુદ્રાક્ષ', 'લક્ષ્ય', 'ફિર મિલેંગે', 'દિલ જો ભી કહે', 'સલામ-એ-ઇશ્ક', 'ચાંદની ચોક ટુ ચાઇના', 'રૉક ઓન' વગેરે.
માત્ર સંગીત પૂરતી વાત રાખીએ તો બોક્સ, ઓફિસ પર ધાર્યો બિઝનેસ નહીં કરનારી કેટલીક ફિલ્મોનું સંગીત વખણાયું હતું તેમ જે-તે સમયે લોકપ્રિય પણ નીવડયું હતું. 'સલામ-એ-ઇશ્ક', 'ઝૂમ બરાબર ઝૂમ', 'હે બેબી', 'જ્હૉની ગદર' વગેરે ફિલ્મો એવા બે-ચાર દાખલા છે. ગળાકાપ હરીફાઇ વચ્ચે પણ સંગીતકારોએ પૂરેપૂરી નિષ્ઠાથી સખત પુરુષાર્થ કર્યો. આમ છતાં ક્યારેક નસીબે સાથ આપ્યો નહીં. જોકે પૂરેપૂરી ધીરજ અને સ્વસ્થતાથી આ ત્રણે પોતાનું કામ કરતા રહ્યા એ હકીકત ધ્યાનમાં રાખીને તેમને સ્નેહભરી સલામ. ગુડબાય, શંકર-એહસાન-લોય....








