FOLLOW US

'રાજાનું કુંડાળું' .

એક મજાની વાર્તા -પ્રતિભા ઠક્કર

Updated: Mar 3rd, 2020


એય સોનુ  તું અંચઈ કરે છે. શાની અંચઈ  ? કૂંડાળું તો મેં જ દોર્યું તુંદ ને ?  હા પણ મારી બેન, રમતમાં  કંઈ નિયમ બીયમ હોય કે નહિ? અરે ઓયે  આ કંઈ તારી જૂની રમત નથી કે ઠીકરી લઈને રમવાનું . આ તો રાજાનું કૂંડાળુ છે. આ કૂંડાળાની અંદર જો તમે રાજા ક્યે એટલી વાર આંખનો પલકારો માર્યા વગર  નીચી નજરે ઉભા રહો ને તો રાજા તમને સોના મહોરનું ઇનામ આપે. અને આ નાનું કૂંડાળું ? સોનુ એ જવાબમાં કલ્પનાનો દોર આગળ ચલાવ્યો, જો આ મોટા કૂંડાળામાં જીતી જઈએ તો નાના કૂંડાળામાં આપણું નામ લખીને રાખે. એટલે આપણે પેલો નંબર કેવાઈયે. મોનુએ પૂછયું એવું ? સોનું કહે  હા, પણ હવે    ચાલ શરુ કર. પેલાં નંબરની લાલચમાં મોનુ સોનુ સાથે  રમવા લાગતી.

સાંજ પડયે બંને રમવા માટે ભેગી મળતી  પણ આ અટપટી રમતમાં  મોનુ અકળાઈ જતી. આપણે બધાં જે કૂંડાળા રમીએ એમાં તો આપણે જ દાવ આપવો પડે, ઠીકરી પહોચાડવી પડે, કેવી મજા આવે ? અને આ તો ખાલી રાજાનાં હુકમ પ્રમાણે  ઉભું જ રહેવાનું, આવું ન ગમે. કંઈ કર્યા વગર થોડું  ઇનામ મળે?

અને  નિશાળમાં ભણ્યા વગર પેલો નંબર ક્યાંથી આવે ? મારે તો આજે લેસન પૂરું કરવાનું છે. ટીચરે કેટલાં બાં સવાલ જવાબ લખવા આપ્યા છે. તારે નથી કરવું? મોનુ પાઠ બોલતી હોય એમ કડકડાટ બોલી. 

હવે સવાલ જવાબ જ છે, રોજ એકનું એક લેશન કરો લેશન કરો, છોડ ને આપણે ક્યાં મોટાં અફસર બનવું છે ! એ મગજમારી કરવાં કરતાં ચાલને રમીયે.

પણ મારા મમ્મી કહેતાં હતાં કે, જો તારે ડોક્ટર બનવું હોય તો ખુબ ભણવું જોઈએ. મોનુ બોલી.

સોનુ મોનુને પાસે ખેંચી કાનમાં જોશ થી કુક્ડે કૂ બોલી ખડખડાટ હસવા લાગતી. મોનું મૂંઝાઈ જતી.  મોનુ ચાલ, હું બહાર આવી જાઉં આપણે ખેચમપટ્ટી રમીયે.અને ફરી સોનુ મોનુને ખેચવા લાગતી, મોનુ જોરદાર પ્રયત્ન કરે પણ હારી જતી. સોનુ એને પહેલાં કૂંડાળામાં લઇ જતી અને પછી ધક્કો મારી બહાર કાઢી મુકતી.

ઘરે જઈ મોનુ એની મમ્મીને આ બધી રમતો વિષે પૂછતી. મમ્મી કહેતીકે, આ તો મહેનત ન કરવાનાં ટુચકા છે કહી એને ભણવાનું મહત્વ સમજાવતી અને એ પ્રકારની વાર્તાઓ કરતી.

મોનુ ઘણી વખત સોનુને મા એ કહેલી વાર્તાઓ કહેતી અને મોટા થઈને કૈંક બનવા માટે, ભણવા માટે સમજાવતી પણ સોનુ જેનું નામ... આખો દિવસ ધમાલ મસ્તી અને સરસ સરસ કપડાઓ પહેરી તૈયાર થવા સિવાય કશું ન ગમતું.

આજે શાળાનો વાષક દિન હતો. દરેક વિદ્યાર્થીઓનાં માબાપને પણ કાર્યક્રમમાં બોલાવ્યા હતાં.મોનુ પહેલા નંબરે પાસ થઇ અને સોનુ એક વિષયમાં નાપાસ હતી, ચડાવો પાસ થઇ ઉપલા ધોરણમાં જઈ શકી હતી. મોનુનાં બધાએ ખુબ વખાણ કર્યા અને ઇનામો અપાયાં. બીજી છોકરીઓ સોનુને ચીડવતી હતી પણ બટકબોલી સોનુનો જવાબ હાજર જ હતો, '' જુઓ ચડી ગઈને તમારા બધા હાર્યે ...'' અને કેપ્ટન પણ હું જ બનીશ. આમને આમ સમય જેટ ગતિથી દોડતો રહ્યો.

મોટાં થતાં બધા છુટ્ટા પડી ગયાં અને પોતપોતાના જુદા જુદા વિષયની કોલેજોમાં એડમીશન લઇ લીધું હતું. મોનુંની મહેનત રંગ લાવી  અને તે ડોક્ટર બની એજ ગામમાં પ્રેકટીશ કરતી હતી.

જયારે સોનુને ગ્રેજ્યુએટ થઇ કે તરતજ શ્રીમંત અને પ્રતિષ્ઠિત પરિવારમાં પરણાવી દેવામાં આવી. 

ડો. મોના દવાખાના સિવાયના સમયમાં અન્ય સંસ્થાઓમાં જોડાઈને ઓનરરી તબીબી સેવા પણ આપતી. શહેરમાં એનું નામ પ્રતિતિ લોકોની યાદીમાં આવી ગયું હતું પણ ડો. મોનાને સાંપ્રત પરિસ્થિતિ થી બહુ નારાજગી હતી. એને થતું કે બધાને અપ્રામાણિકતાનો ન ઉતરે એવો તાવ ચડયો હતો. છાપું ખોલતાં દરેક ક્ષેત્રે થતાં ભ્રષ્ટાચારની દુહાઈ નજરે પડતી એટલે એ સમાચાર પણ ઉપરછલ્લી નજરેજ  જોઈ લેતી. એના માટે દર્દીઓની સારવાર જ એનો ધર્મ બની ગયો હતો, એ ગરીબ દર્દીઓની મસીહા બની ચુકી હતી. તે જે કામ કરતી એ એક સાર્વજનિક આરોગ્ય ધામ હતું. જ્યાં કોઈપણ જાતનાં ભેદભાવ વગર દર્દીઓની સેવા કરવાની હોઈ એ સંસ્થાને સમપત થઇ ચુકી હતી.

આજે પહોંચતાની સાથે તેણે જોયું કે, બહાર રીસેપ્શન રૂમમાં  સંસ્થાનાં હોદ્દેદારો રાહ જોઈ બેઠા હતાં. ડો.મોનાની સુચના પ્રમાણે રીસેપ્સનીસ્ટ આવીને બધાને ચેમ્બરમાં લઇ ગઈ.

સામાન્ય આગતા સ્વાગતા થઇ પછી આવેલા મહેમાને વાત શરુ કરી, 

'આપણા શહેરનાં માતબર ઉદ્યોગપતિ શાંતિભાઈના પુત્રવધુ સોનલબેન આ વખતે આપણા શહેરની સામાજિક સંસ્થાઓનાં એસોસીએશનનાં પ્રમુખ  તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. એમનું અભિવાદન કરવાનું છે. સાથોસાથ તેમના તરફથી આપણા સાર્વજનિક આરોગ્યધામને મોટી રકમ નું ડોનેશન પણ આપવાનાં છે. તમે આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે આવો અને સંસ્થા વતી ચેક સ્વીકારો એવી અમારી બધાંની ઈચ્છા છે.

પહેલા તો ડો.મોનાને  થયું કે ના કહી દઉં. પણ પોતે  આરોગ્ય ધામની  મુખ્ય ડોક્ટર હોઈ પોતાની ફરજ સમજી કાર્યક્રમમાં આવવાની સંમતિ આપી.  

બીજા દિવસે રવિવાર હોય ડો. મોના કાર્યક્રમના  સ્થળ પર સમયસર પહોંચી. જુદા જુદા ક્ષેત્રનાં લોકો આવવા લાગ્યા. કેટલાક લોકો ડો.મોનાને માનપૂર્વક મળતાં હતાં તો વધા લોકો સોનુને મળવા તલપાપડ થતાં હતાં. મોનાએ નોંધ્યું કે, પબ્લિકમાં સોનુ અને એનાં ડોનેશનની રકમની ચર્ચા વધુ થતી હતી. કેટલાક તો એનાં વ અને અલંકારો  અહોભાવથી જોઈ રહ્યા હતા અને કેમેરામેન પણ ફટાફટ તસ્વીરો ખેંચ્યે જતો હતો. જાણે લક્ષ્મી આગળ બધાં વામણાં હોય એવો અહેસાસ કરાવતાં હતાં.

સંચાલકે સોનુનો પરિચય આપવાની સાથે જાહેર કર્યું કે, એક બહુજ હરખનાં સમાચાર પણ આપવાનાં છે. આગામી ચૂટણીમાં સોનલબહેન આપણા શહેર-જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને આટલાં મોટા પક્ષે એમના પર વિશ્વાસ મૂકી એમને ટીકીટ આપી  છે એનું આપણને ગૌરવ છે. લોકોએ આ વાત તાળીનાં ગડગડાટ સાથે વધાવી લીધી. ડો. મોના મનોમન વિચારી રહી હતી વાહ સોનુ, તારી રમત તો હજુ ચાલુજ છે. એ વખતે  બાળ સહજ ભાવમાં  આ રમત સમજાઈ નહોતી પણ હવે તો !

ત્યાર બાદ કાર્યક્રમનાં સંચાલકે  આરોગ્ય ધામમાં માનદ સેવા આપતાં અને શહેરનાં પ્રસિદ્ધ ડોક્ટર તરીકે મોનાની ઓળખાણ આપી અને  આજનાં વ્યક્તિ વિશેષ સોનલબેનનાં બાળસખી તરીકેની  વિશેષ ઓળખાણ આપી.

કાર્યક્રમ આગળ ચાલ્યો. દીપ પ્રાગટય પછી ચેક અર્પણની વિનંતી કરવામાં આવી. સોનુએ એકદમ રુઆબભેર ડો. મોનાને ચેક અર્પણ કર્યોે અને ભેટી પણ મોનાને લાગ્યું કે, પહેલાં ભલે  તોફાન મસ્તી કરતાં પણ એક ઉમળકો હતો અને આજે ગળે મળ્યાં પણ પહેલાં જેટલું આહ્લાદક ન લાગ્યું. સોનું પર સ્ટેટસનું આવરણ ચડી ચુક્યું હતું.  

સંચાલકે ડો. મોનાને વિનંતી કરી કે, આપનું વક્તવ્ય સાંભળવા લોકો આતુર છે. ડો.મોનાએ પોતનાં વક્તવ્યમાં પોતાની તબીબ થયા સુધીની સફર અને તબીબી વ્યવસાયનાં ઉમદા કાર્યને પોતાનું જીવન ધ્યેય બનાવ્યાનો આનંદ વ્યક્ત કર્યો પણ એને સાથે એ માહોલનું અવલોકન કરતાં કહેવાનું મન થયું હતુકે,  ખાલી ચણો વાગે ઘણો.  એ મનોમન બોલતાં સોનુ તરફ ફરી.  એ વખતની સાથે રમેલી બાળ રમતો યાદ કરી અને કહ્યું કે ખેચમપટ્ટીમાં કાયમ સોનું જીતી જતી. રસપૂર્વક સાંભળતાં લોકોને સોનુએ બનાવેલી રાજાના કુંડાળાની રમતની વાત પણ ડો.મોનાએ પોતાની આગવી શૈલીમાં કરી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું અને  મૂવિંગ લાઈટની  રોશનીમાં થી સર્જાતી ડીઝાઈન  સોનુનાં  બેનર વાળી તસ્વીર પર પ્રકાશ ફેંકતી રહી અને સોનુની નજર એ ચમકતાં ગોળ ગોળ ફરતાં કૂંડાળા  પર સ્થિર થઇ ગઈ ... 

Gujarat
IPL-2023
Magazines