સ્વીકાર .
એક મજાની વાર્તા - ગિરિમા ધારેખાન
'મેઘા, તારે કોલેજ જવાનો ટાઈમ થઇ ગયો છે. તું તૈયાર થઇ જા. હું તારા ડ્રેસને ઇસ્ત્રી કરી આપું છું.'
'ના, થેંક યુ. મને ઝડપથી કરતાં આવડે છે. અને આમેય, કોઈ મારા કપડાંને ઇસ્ત્રી કરે એ મને પસંદ નથી.' મેઘા રુક્ષતાથી બોલી અને ઊર્મિના હાથમાંથી ડ્રેસ છીનવીને એના રૂમમાં જઇને બારણું પછાડીને બંધ કરી દીધું.
ઊર્મિનું મોં પડી ગયું. એ ક્યાંય સુધી મેઘાના રૂમના બંધ બારણા તરફ જોતી રહી અને વિચારતી રહી, 'આ છોકરીએ કેમ એના હૃદયનો દરવાજો એની નવી મમ્મી માટે બંધ કરી દીધો છે ? એ મારી લાગણીઓને કેમ દૂરથી જ જાકારો આપી દે છે ? સંકેત તો કહેતો હતો કે મેઘા બહુ જ સમજદાર છોકરી છે. મેઘાએ હા પાડી પછી જ એણે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. તો પછી પોતાને માટે આ રુક્ષતા શા માટે ?' એણે એક પણ વાર એને 'મમ્મી' કહીને બોલાવી ન હતી. એ ઊર્મિ સાથે જ વાત ભાગ્યે કરતી હતી એટલે સામેથી કંઇ સંબોધન કરીને એને બોલાવે એવો પ્રશ્ન જ ઊઠતો ન હતો.
સંકેત અને ઊર્મિ એક જ ઓફિસમાં, એક જ ડીપાર્ટમેન્ટમાં સાથે સાથે કામ કરતા હતા. સંકેતનું વર્ષા સાથેનું લગ્ન જીવન ખૂબ જ સુખી હતું. સાથે લંચ કરતી વખતે કે ક્યારેય ઓફિસની બહાર જઇને કોફી પીતી વખતે સંકેત વર્ષાની અને એમની દીકરી મેઘાની જ વાતો કરતાં થાકતો જ ન હતો. થોડા ઘરના અને થોડા મનના કારણોસર લગ્નની ઉંમર વીતી જવા છતાં કુંવારી રહેલી ઊર્મિએ વાતો રસથી સાંભળ્યા કરતી. ઓફીસની દિવાળી પાર્ટીમાં વર્ષા અને મેઘાને ક્યારેક અલપ-ઝલપ જ મળવાનું થતું, પણ સંકેતની મેઘધનુષી વાતોની દોરીના માધ્યમથી ઊર્મિનું મન એ લોકો સાથે એક આત્મીયતાના, લાગણીના પડીકે બંધાઈ ગયું હતું.
એટલે જ, વર્ષાના અકસ્માતના સમાચાર સાંભળીને ઊર્મિ ખૂબ જ વ્યથિત થઇ ગઇ હતી. આટલું સરસ લગ્ન જીવન આમ અકાળે નંદવાઈ જાય ? વર્ષાના મૃત્યુ પછી એ સ્ટાફના બીજા સભ્યો સાથે સંકેતને ઘેર ગઇ ત્યારે સંકેત બોલી ગયો હતો, 'આ ઘરમાં હવે સૂરજ ક્યારેય નહીં ઊગે.' હીબકાંને હૈયામાં રુંધીને બેઠેલી મેઘા માટે એ સહુથી વધુ ચિંતિત હતો.
પંદર દિવસ પછી સંકેત ઓફીસ આવવા માંડયો હતો. ઊર્મિ એના ભાંગી પડેલા મનને ખૂબ સાચવતી હતી. મેઘાને મળવા માટે એ ક્યારેક એમના ઘેર પણ પહોંચી જતી હતી. આઠ-દસ મહિના પછી સંકેતના મિત્રોએ જ એને ઊર્મિ સાથે લગ્ન કરી લેવા સમજાવ્યો હતો - તું તો ભાભીને યાદોના સથવારે જીવી લઇશ, પણ અઢાર વર્ષની તારી દીકરીને ઘણી બધી વાતો કરવા માટે એક મમ્મીની જરૂર પડશે. મેઘાને એના પપ્પાની ચિંતા હતી અને એણે સંકેતને બીજા લગ્ન માટે હરખથી સંમતિ આપી દીધી હતી. ઊર્મિ સમજતી હતી કે એક અઢાર વર્ષની છોકરીએ અચાનક જ એની નવી મમ્મી તરીકે આવી ગયેલી એક અજાણી વ્યક્તિ સાથે રહેવાનું થાય તો મન મેળવતાં થોડો પ્રોબ્લેમ તો થાય જ. શરૂઆતમાં તો એને મમ્મીના થઇ ગયેલા અચાનક મૃત્યુનો આઘાત હશે એમ માનીને ઊર્મિએ એની તોછડાઈ તરફ બહુ ધ્યાન ન હતું આપ્યું. પણ હવે તો વર્ષાદીદીના મૃત્યુને બે વર્ષ થયા હતા અને એના આ ઘરમાં આવ્યાને પણ એક વર્ષ થઇ ગયું હતું. એણે એના હૃદયના દરવાજા ઉપર ઘણા ટકોરા મારી જોયા હતા પણ મેઘાએ એને માટે એક નાની ડોકાબારી પણ ખોલી ન હતી.
લગ્ન પહેલાં જ ઊર્મિએ સંકેતને વર્ષાદીદી અને મેઘા અંગે બધું જ પૂછી લીધું હતું અને મનમાં નક્કી કરી લીધું હતું કે એ મેઘાને એની મમ્મીની ખોટ નહીં સાલવા દે. એટલે જ એ મેઘા સાથે એની મમ્મીની જેમ જ વર્તવાનો પ્રયત્ન કરતી, મેઘાને ભાવતી વાનગીઓ બનાવતી. મેઘા પરાણે ખાતી હોય એમ એ ખાઈ લેતી. એના જન્મદિવસે ઊર્મિ એને માટે એને ગમતા રંગોના કપડાં લઇ આવી હતી અને એને ખૂબ સરસ રીતે પેક કરીને, ઉપર ' કર્સિ અિ ર્સસ ' લખેલા એક સરસ કાર્ડ સાથે આપ્યાં હતાં. મેઘાએ એ કાર્ડ ત્યાં જ ફાડી નાખ્યું હતું અને કપડાં ક્યારેય પહેર્યા ન હતાં. ઊર્મિ શરૂશરૂમાં તો કાયમ એને 'બેટા' કહીને બોલાવતી. પણ એક દિવસ મેઘાએ ગુસ્સે થઇને એને કહી દીધું હતું, 'તમારે મને 'બેટા' નહીં કહેવાનું. ઊર્મિની ઉમળકાથી પૂછેલી એક પણ વાતનો એ સરખો જવાબ આપતી નહીં.'
ઊર્મિને મેઘા ઉપર ગુસ્સો ન હતો આવતો, પણ એના માટે સહાનુભૂતિ થતી હતી. સંકેત ઘરમાં ન હોય ત્યારે તો મેઘા એક માનવહીન ટાપુ ઉપર એકલી રહેતી હોય એવી જ રીતે ઘરમાં રહેતી હતી. મેઘાનો સંકેત સાથેનો અને બીજા માણસો સાથેનો વ્યવહાર જોઇને ઊર્મિ એટલું તો સમજી જ ગઈ હતી કે એ બહુ લાગણીશીલ છોકરી છે. કદાચ 'નવી મમ્મી' શબ્દ સાથેના બંધાઈ ગયેલા પૂર્વગ્રહને કારણે એક ઊડાઊડ કરતું રંગીન પતંગિયું પાછું કોશેટામાં જતું રહ્યું હતું. મેઘા તૈયાર થઇને બહાર આવી ગઈ. બંને જણ સાથે જ ઘરની બહાર નીકળ્યા. મેઘા એનું કાયનેટીક ચાલુ કરવા જતી હતી અને ઊર્મિએ કહ્યું, 'આજે હું માસીને મળવા જાઉં છું. તારી કોલેજ વચ્ચે જ આવશે. તને ડ્રોપ કરી દઈશ. વળતે લેતી પણ આવીશ.'
કાંઈ જ જવાબ આપ્યા વિના મેઘાએ કાયનેટિક મારી મૂક્યું. એની આંખો રસ્તા ઉપર હતી પણ ચિત્ત તો કોઈ અગોચર કૂવામાં ડૂબકા મારતું હતું. જે સ્ત્રી એને આટલો પ્રેમ આપી રહી હતી, એની આટલી દરકાર કરતી હતી, એ સ્ત્રીની સાથે એનાથી કેમ આવું વર્તન થઇ જતું હતું ? એના સ્નેહને તરછોડવાનું એને પણ નહતું ગમતું. પણ એ સ્ત્રી એની મમ્મી બનવાનો પ્રયત્ન કરતી હતી એ એને સ્વીકાર્ય ન હતું. 'મમ્મીની જગ્યા કોઈ ન લઇ શકે' એવું કોઇને સમજાતું કેમ નહીં હોય ? એ ઊર્મિને કેવી રીતે સમજાવે કે એને જોઇને એના મનમાં ક્યારેય એ મમ્મી હોય એવા ભાવ ઊઠતા જ નથી ?
મેઘાના ગયા પછી ઊર્મિએ એક નિસાસો નાખ્યો અને ગાડી ચાલુ કરી. એની ગાડી થોડી જ આગળ ગઇ હતી અને એણે રસ્તા વચ્ચે એક ટોળું જોયું. ઊર્મિએ ગાડી ઊભી રાખવી પડી. ગાડીમાંથી ઊતરીને એ પણ ટોળા તરફ ગઇ અને અંદર જોયું તો મેઘા રસ્તા ઉપર પડેલી હતી અને એના પગમાંથી લોહી નીકળતું હતું. એનું ટોપ ચીરાઈ ગયું હતું અને જીન્સનો નીચેનો ભાગ પણ ફાટી ગયો હતો. કાયનેટીક ત્યાં આડું પડેલું હતું. ટોળું એની આ અવદશા ઉપર હસી રહ્યું હતું. બે-ત્રણ છોકરાઓ તો મોબાઇલથી ફોટા પાડી રહ્યાં હતાં. ઊર્મિ મેઘા પાસે દોડી અને પોતાનો દુપટ્ટો ઓઢાડી દીધો. પેલા છોકરાઓના મોબાઈલ ઝૂટવીને નીચે નાખી દીધા. નાજુક નમણી ઊર્મિએ શરીરમાં હતું એટલું જોર એકઠું કરીને મેઘાને બે હાથમાં ઉંચકી લીધી અને ગાડી તરફ ચાલવા માંડી. મેઘાએ આંખો ખોલી, પોતાના બે હાથ ઊર્મિના ગળામાં નાખી દીધા અને બોલી, 'થેંક યુ ઊર્મિ દીદી.' સંવેદનનું એ મૌન પહેલીવાર સ્પર્શ દ્વારા તૂટયું હતું. સ્નેહના એક સૂકાઈ ગયેલા વૃન્દાવનમાં લાગણીની વાંસળીના સૂર ગૂંજી રહ્યાં હતાં. ઊર્મિના ચહેરા ઉપર મુલાયમ સ્મિત આવી ગયું. એ ત્રણ શબ્દોની બારીમાંથી એણે મેઘાના અંતરમનની દુનિયામાં ડોકિયું કરી લીધું હતું. એ એની મમ્મી ન બની શકે તો કંઇ નહીં, પણ આજથી એક મોટી બેન તરીકે મેઘાના જીવનમાં એના પ્રેમનો સ્વીકાર થઇ ગયો હતો.