પ્રાર્થનાનું પુષ્પ .
નિંદા- ટીકાઓથી કાયમ દૂર રહેવું માનવ માત્રનું સ્વમાન સાચવી ગૌરવ કરવું. ઇશ્વરની અપાર લીલાઓ તથા આશિષોનો ખુલ્લા મને સ્વીકાર કરવો, આ સઘળાં દૈનિક પ્રાર્થનાનાં ભાગ નથી તો શું છે ?
પ્રાર્થનાનાં કર્મને આપણે એક ધર્મ-અધ્યાત્મની સીમામાં બાંધી દીધી છે. તો તેને એક વિધિ-વિધાનનો દરજ્જો પણ આપી દીધો છે. ઘણી જગ્યાએ પ્રાર્થના અંતરમાંની શુધ્ધતા અને સચ્ચાઈ ગુમાવી છે. ને એક યંત્રવત કર્મકાંડ સમાન ભાસે છે. જ્યાં નિષ્પ્રાણ ક્રિયા આચરવામાં આવે, ત્યાં તેનો આત્મા ઉડી જતો હોય છે. વાસ્તવમાં પ્રાર્થના અને કર્મકાંડએ જુદાજુદા માર્ગો છે.
પ્રાર્થનામાં સીધી રીતે, સરળ ભાવમાં આપણે પરમ તત્ત્વને પ્રાથીએ છીએ, આમાં મારું- તારાનો વિચાર હોતો નથી. પણ 'સર્વદા' સર્વેનો કલ્યાણ હો.' ની ભાવના કેન્દ્રમાં હોય છે.
વ્યકિત- વ્યકિતએ, સમયે- સમયે આપણી પ્રાર્થનાનું રૂપ જુદું- જુદું હોઈ શકે. પ્રાર્થનાતો આ પ્રમાણે જ થાય, આ પ્રમાણે ન થાય, એવા કોઈ ખાસ બાંધેલા નિયમો હોતા નથી. હા, મૂળભૂત રીતે તેમાં અંતરની સચ્ચાઈ હોવી જોઈએ, એ ઉપરાંત તેમાં હૃદયનું આજેવ ભળેલું હોવું જોઈએ. એ વખતે પ્રાર્થનામાં શબ્દો કરતાં અંદરનાં ભાવ વધારે મહત્વનાં હોય છે.
અહીં તમારે જેને પ્રાર્થના કરવી હોય તેની સાથે સમાન લયમાં આવવું પડે. ત્યારે 'મે મન: શિવસડ્કલ્પ મસ્તુ' અર્થાત્ : 'પ્રાર્થનામાં મન શુભ-સંકલ્પમય બની રહે' એવો પ્રમુખભાવ હોય. શુદ્ધ પ્રાર્થનામાં અહ્મનો વિદાય થતાં તેનો માર્ગ મોકળો બને છે. મનનું આવું સ્વચ્છ વાતાવરણ થતાં એ પ્રાર્થના ફળ્યા વિના રહેતી નથી. ત્યારે તે ઇશ્વર સાથેની હોઈ શકે કે કોઈ અજ્ઞાાત શક્તિ સાથેની આજેવવાણી હોઈ શકે.
પ્રાર્થના એટલે બે જણ વચ્ચેનો અંગત વાર્તાલાપ. જાણે એક વૃક્ષનાં બે સુગંધિત પુષ્પો. આ પુષ્પોને કોઈ નામ હોતું નથી, પણ તેની મહેક આખા વાતાવરણમાં પ્રસરતી હોય છે. પ્રાર્થનાનાં અનેકરૂપો હોય છે. જેમકે મીરાંની શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ તો તેની દિન-રાતની પ્રાર્થના જ હતી ને. તેમનું શ્રીકૃષ્ણ સાથેનું, ક્ષણેક્ષણનું સાયુજ્ય કેટલું અદ્ભુત હતું ? તેમાં શબ્દ-વાણીનો વ્યવહાર ન'તો. મીરાની પ્રેમભક્તિમાં શ્રીકૃષ્ણ પાસે કોઈ માગણીની વાત ન'તી કે ન'તી કોઈ ફરિયાદ. અહીં તો માત્ર શુદ્ધ લાગણીનો ભાવ હતો.
આમ ખરી પ્રાર્થનાનો વિશુદ્ધ, નિસ્વાર્થ, સ્નેહથી જ સભર હોઈ શકે.
પ્રાર્થના એટલે પરમેશ્વરની અવિરત કૃપા બદલ કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો અવસર. પ્રાર્થના એટલે પરમેશ્વર ની નજીક જવાની તક- પ્રાર્થના એટલે આપણી ખામીઓ, ખરાબી, ભૂલોને પરમેશ્વર આગળ ખુલ્લા મૂકવાનો સમય.
પ્રાર્થનામાં આટલી સંખ્યામાં માળાઓ કરી એની ગણતરી હોતી નથી. પ્રાર્થના એટલે ક્યાં કેટલા મંત્ર જાપ કર્યા, કેટલા સ્ત્રોત્રો ઉચાર્યા, સ્તુતિમાં કેટલા કલાક ગાળ્યા, એ પ્રાર્થના નથી. ખરી પ્રાર્થનાતો માનવ સંબધોમાં પ્રામાણિકતા લાવે. પરસ્પરમાં પ્રેમ જગાવે, તેમાં સહાનૂભૂતિ, અનુકંપા અને કરુણા જન્માવે. સંઘર્ષો, દુ:ખો- દર્દોનું શમન કરે. શાંતિને પ્રસરાવે.
પોતાના ધંધા-વ્યવસાય પ્રામાણિક પણ કરવા નિષ્ઠાપૂર્વકનો કરી કરવી. અન્યોને પીડા ન પહોંચાડી તેને જેમ બને તેમ મદદરૂપ થવા તત્પર રહેવું. નિંદા- ટીકાઓથી કાયમ દૂર રહેવું માનવ માત્રનું સ્વમાન સાચવી ગૌરવ કરવું. ઇશ્વરની અપાર લીલાઓ તથા આશિષોનો ખુલ્લા મને સ્વીકાર કરવો, આ સઘળાં દૈનિક પ્રાર્થનાનાં ભાગ નથી તો શું છે ?
આપણા સમયની ખરી પ્રાર્થના જીવો અને જીવવા દોની છે. જેમકે 'હું આત્મસ્વરૂપ છું, મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી. હું પંચઇન્દ્રિયોમાં નથી કે હું આકાશ, પ્રકાશ, પૃથ્વી, હવા નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું.'