માનવજીવનમાં નવી આશા, ઉત્સાહ અને સમૃધ્ધિ લાવનારું પર્વ- અખાત્રીજ

- શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અખાત્રીજ ચંદનના શણગારનો પ્રારંભ થશે, તો આપણે પણ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લઈએ અને શક્ય હોય તો ચંદન તૈયાર કરવાની સેવામાં પણ જોડાઈએ
આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈશાખ-સુદ ત્રીજ એટલે કે, અખાત્રીજના દિવસને પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે. આ દિવસ ધાર્મિક-સામાજિક-આર્થિક રીતે બહુ જ મહત્વ ધરાવે છે. અખાત્રીજને અક્ષય તૃત્તીયા કહેવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે, આ દિવસે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે દાન-પુણ્ય, જપ-તપએ ક્યારેય નાશ પામતું નથી અને અનંતગણું ફળ આપે છે.
અખાત્રીજના દિવસે અનેક પ્રસંગોની હારમાળા સર્જાય છે.
- અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટય થયું.
- મહાભારતનું યુધ્ધ પણ આ અખાત્રીજના દિવસે પૂર્ણ થયું હતું.
- ગંગાનું અવતરણ પણ સ્વર્ગમાંથી અખાત્રીજના દિવસે થયું હતું.
- દ્વાપરયુગનું સમાપન પણ અખાત્રીજના દિવસે થયું હતું.
- જગન્નાથપુરી અને અમદાવાદમાં નીકળતી રથયાત્રાના રથોના નિર્માણનું કાર્ય પણ અખાત્રીજના દિવસથી પ્રારંભ કરવામાં આવે છે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજના દિવસથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના ભવ્ય શણગાર કરવાનો પ્રારંભ કરવામાં આવે છે.
- ખેડુતો પણ અખાત્રીજના દિવસે ખેતરમાં હળ ચલાવાનો પ્રારંભ કરે છે અને શુકનનો દિવસ ગણે છે.
અખાત્રીજના દિવસે અક્ષત્ કહેતાં ચોખાથી ભગવાનનું- પૂજન કરવામાં આવે છે. સોના-ચાંદીની ખરીદી પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
અખાત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ. આ દિવસે શુભકાર્યો વગર મુહૂર્તે કરવામાં આવે છે. આ દિવસે સૌથી વધુ લગ્નપ્રસંગો પણ યોજાય છે.
આમ, અખાત્રીજ એ માનવજીવનમાં નવી આશા, ઉત્સાહ અને સમૃદ્ધિ લાવનારું પર્વ છે. આ પર્વ શીખવે છે કે, આપણે સત્કાર્યો કરીશું તો તેનું ફળ અવશ્ય લાભદાયી અને મોક્ષદાયી બની રહેશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખમાસની ગરમીમાં ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી ચંદનના વાઘાના શણગાર ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે. આપણા દેશમાં વૈશાખમાસની અંદર અત્યંત ગરમી પડે છે. ગરમીથી બચવા માણસો પંખો, એરકુલર કે એરકન્ડીશન ચલાવીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આજથી અનેક વર્ષો પહેલાં જ્યારે આવા સાધનો ન હતા. ત્યારે પણ આપણા ઋષિમુનિઓ અને સંતોએ ભગવાનને ગરમીમાંથી ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુથી ભગવાનને ચંદનના શણગાર ધરાવવાની પ્રણાલિકા પાડેલી છે. ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં કહયું છે કે,' ભગવાનને પ્રસન્ન કરવાને માટે શિયાળો, ઉનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભક્તિ કરવી જોઈએ.'
ચંદનના શણગાર એ સેવા અને ભક્તિનું પ્રતિક છે. ચંદન પોતાની જાતને ઘસીને બીજાને સુગંધ અને શીતળતા અર્પણ કરે છે. તેમ આપણે સહુને આ માનવદેહ રુપી ચંદન પ્રાપ્ત થયું છે. તે શરીર દ્વારા આપણે ભગવાનની ભક્તિ અને સેવા કરીશું તો મોક્ષપદ રુપી પરમપદની પ્રાપ્તિ થશે અને જો આ શરીરથી ભક્તિ નહિ કરીએ તો અંતે તેને બાળી જ નાંખવામાં આવશે. તેથી આ ચંદનના શણગાર એ પણ એક મહત્વનો સંદેશ આપે છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ









