Magazines

મનોદશા અને શારીરિક અવસ્થા વચ્ચે ઘેરો સંબંધ

By GS Team
17 Feb 20204 mins read
This article was originally published on 17 Feb 2020
મનોદશા અને શારીરિક અવસ્થા વચ્ચે ઘેરો સંબંધ

તમારા મનની લાગણીઓનું પ્રતિબિંબ તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે અને એ કારણસર જ તમે અત્યારે બીમાર પડયા છો તો તમને મનમાં સખત ચીડ ચડે એ સ્વાભાવિક છે. 

તમે જ્યારે વારંવાર છીંક ખાતા હો અને તમારું ચકરાવે ચડયું હોય ત્યારે કોઈ તમને એમ કહે કે તમારા મનની લાગણીઓનું પ્રતિબિંબ તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે અને એ કારણસર જ તમે અત્યારે બીમાર પડયા છો તો તમને મનમાં સખત ચીડ ચડે એ સ્વાભાવિક છે. બીમારી માટે આપણો પોતાનો જ વાંક હોય એ વાત સ્વીકારવી આપણને નથી ગમતી.

છતાં તબીબી ક્ષેત્રમાં આજકાલ એવો જ મત પ્રવર્તે છે કે મોટા ભાગની બીમારીઓ (૭૦ થી ૮૦ ટકા) સાઈક્રોસોમેટિત પ્રકારની એટલે માનસિક તાણને કારણે પેદા થતી બીમારી હોય છે.

શું છેલ્લા કેટલાક સમય દરમ્યાન તમને આમાંનાં કોઈ ચિહ્નો જણાયાં છે? એ પ્રકારની પર્સનાલિટીવાળા લોકો જ્યારે સાઈકોસોમેટિક બીમારીઓનો ભોગ બને ત્યારે તેમને આ લક્ષણો દેખાય છે:

ઉતાવળા બનવું.

બોલવાનું, જમવાનું ચેષ્ટાઓ કરવાનું, ચાલવાનું બધું ઝડપથી કરવા લાગવું.

રાહ જોવી પડે ત્યારે ચીડિયા બની જવું. ખાસ તો ટ્રાફિક સિગ્નલ પાસે કે લાંબી કતારમાં ઊભા હોઈએ ત્યારે.

એકસાથે એકથી વધુ કામ કરવા માંડવું.

બીજું કોઈ વાત કરતું હોય ત્યારે વચ્ચે બોલવું કારણ કે તમારા વિચારો મનમાં અતિ ઝડપથી આગળ ચાલી રહ્યા છે.

પૂરતો સમય હોવા છતાં હળવાશ ન અનુભવવી અને આરામ ન કરવો.

અતિશય વેદિયા બની જવું અને સમયની બાબતમાં વધુ પડતા ચુસ્ત બનવું.

તમારી પાસે સમય ઓછો છે અને તમે હંમેશાં સમયની સામે દોડી રહ્યા છો એવી સતત લાગણી થવી.

તમે તમારી જાતને આક્રમક સ્પર્ધાત્મક, મહત્વાકાંક્ષી અને ઉત્કટ ગણાવા માંડો.

જ્યારે પણ તમને કોઈ ભય વર્તાય ત્યારે તમારી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય બની જાય છે અને તમે લડો અથવા ભાગી છૂટોની વૃત્તિ અપનાવો છો. ઝઘડા કરતી પત્ની, ગેરવાજબી વર્તન કરતો બૉસ, સામે થતાં બાળકો, અણગમતી રિસેપ્શનિસ્ટ, કજિયાળી કામવાળી વગેરે તમારા મનની અંદર આ પ્રકારનો ભય ઊભો કરી શકે છે.

આ ચિહ્નો શારીરિક સ્વરૂપ કઈ રીતે ધારણ કરે છે?

તમે એબ્સન્ટ માઈન્ડેડ બની જાઓ છો એટલે કે આસપાસના વાતાવરણ બાબતે સાવ બેધ્યાન બની જાઓ છો.

ખાવાની બાબતે તમે સાવ બેદરકાર  બની જાઓ છો.

સતત થાક અનુભવવા લાગો છો.

એલર્જી સરળતાથી તમારા પર સવાર થઈ જાય છે.

ધૂમ્રપાન, આલ્કોહોલ, જુગાર તથા અન્ય આદતો જોર પકડે છે અને તમે એના બંધાણી બની જાઓ છો.

વજન ખૂબ વધી જાય છે અથવા ખૂબ ઘટી જાય છે.

રાત્રે તમે વારંવાર જાગી જાઓ છો.

શરીરના અમુક ભાગો સજ્જડ બની જાય છે.

હાઈ અથવા લો બ્લડપ્રેશરની તકલીફ શરૂ થાય છે.

માઈગ્રેન શરૂ થાય છે.

જાતીય આનંદમાથી રસ ઊડી જાય છે. પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમમાં શરીર આરામ કરે છે અને એને પગલે બીમારી હળવી બની જાય છે, કારણ કે એની અસર ફક્ત લોકલ એટલે જ્યાં અસર થઈ હોય એટલા ભાગ પૂરતી જ હોય છે, પરંતુ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમમાં સમગ્ર શરીર અને મગજ હલબલી જાય છે. લાગણીની સાથોસાથ શારીરિક ઊથલપાથલ પણ થાય છે. આથી જ માનસિક તાણ અનુભવતા માણસને એવી લાગણી થાય છે કે તે શ્વાસ લીધા વિના ડુંગર ચડી રહ્યો છે (શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને અસર થવાથી), કોઈ વાત પર એકાગ્રતા દાખવી નથી શકતો, કંઈ ખાવાનું નથી ભાવતું (કારણ કે પાચનક્રિયા મંદ પડી ગઈ હોય છે) અને સતત થાક લાગે છે (કારણ કે તાણયુક્ત સ્નાયુઓ શક્તિ એકઠી કરવા માટે ફાંફાં મારે છે).

અરે, આંખની દ્રષ્ટિ પણ નબળી પડે છે. શરીરને વધુ પરસેવો વળે છે, ચામડી પર રૂંવાડાં ખડા થઈ જાય છે, લોહીનાં રસાયણો બદલાઈ જાય છે, હૃદય ઝડપથી ધબકવા લાગે છે, લોહી હાથપગમાં વધુ વહેવા લાગે છે અને પાચનક્રિયા મંદ પડી જાય છે. (પાચનક્રિયા મંદ પડવાને કારણે કબજિયાત થાય છે, જેને પરિણામે ઝેરીલી અસર પેદા થાય છે અને ચામડી ખરાબ થઈ જાય છે).

આ બધાં પરિવર્તનો થવાને કારણે શરીરની અન્ય સંદેશવ્યવહારની તથા નિયમનની એન્ડોક્રાઈન ગ્રંથિઓની કામગીરી અટકી પડે છે અને આ રીતે એક વિધચક્ર શરૂ થઈ જાય છે. એન્ડોકાઈન ધીમું હોય છે, પરંતુ એ લાંબો સમય ચાલુ રહે છે. આથી જ માનસિક તાણ અનુભવતો માણસ તેની સામેનું જોખમ જતું રહેશે પછી પણ ધૂંધવાતો રહે છે. રોગપ્રતિકારક શક્તિને ક્ષીણ કરતાં આ ઈમરજન્સી રસાયણોનેે લોહીનો પુરવઠો મળતો રહે છે. રોગપ્રતિકારક શક્તિ આમ પણ વધુ પડતા કામને કારણે નબળી પડી ગઈ હોય છે એટલે ખરેખરે જ્યારે રોગનો હુમલો થાય ત્યારે એ હાથિયાર હેઠાં મૂકી દે છે અને આ રીતે રોગને ઘર કરવા માફક સ્થાન મળી જાય છે.