Magazines

દંપત્તિના સારા-નરસા સંબંધોની ચાડી ખાય છે તેમની સૂવાની રીત .

By GS TEAM
22 Jun 20263 mins read
દંપત્તિના સારા-નરસા સંબંધોની ચાડી ખાય છે તેમની સૂવાની રીત                .

કોઈપણ દંપત્તિ પરફેક્ટ હોય એ શક્ય નથી. પ્રત્યેક યુગલ વચ્ચે વત્તાઓછા અંશે પણ મતમતાંતર હોવાના જ પરંતુ તેમના સંબંધો કેવા છે તેનો અંદાજ તેમની સુવાની પોઝિશન પરથી સમજી શકાય છે. બિછાના પરની તેમની બૉડી લેંગ્વેજ વગર કહ્યે તેમના સંબંધોની ભાવનાત્મક સ્થિતિ બયાન કરી દે છે. કઈ રીતે સુનારા દંપત્તિઓ વચ્ચેનો સંબંધ કેવો હોય તેના વિશે સમજ આપતાં તજજ્ઞાો કહે છે..,

અલગાવની સ્થિતિ (પોઝિશન) :

 જે યુગલ એમેક તરફ પીઠ ફેરવીને સૂએ, આ સ્થિતિમાં પણ તેમની વચ્ચે અંતર હોય તેમને માટે સમજી જવું કે તેમનો સંબંધ ગાઢ નથી. તેમની વચ્ચે રહેલો વત્તોઓછો સંબંધ પણ તૂટવાની અણી પર છે. વાસ્તવમાં આવા યુગલો સ્વતંત્ર મિજાજના હોય છે. પતિ-પત્ની એકબીજા પર નિર્ભર નથી હોતા.

સ્પૂન ટાઈપ જીવનસાથી (પતિ)  

 આ રીતમાં પતિ-પત્ની બંને પડખાભેર સૂએ છે, પરંતુ પતિનો ચહેરો પત્નીની પીઠ તરફ હોય છે. આનો અર્થ એ થયો કે પતિ તેની પત્નીની પુષ્કળ કાળજી કરે છે. તે પરંપરાગત વિચારોનો હોય છે અને શારીરિક સંબંધ દરમિયાન પત્નીના ગમા-અણગમા પ્રત્યે જાગૃત રહે છે. તે પોતાની જવાબદારીઓ નિભાવવામાં પાછીપાની નથી કરતો.

સ્પૂન ટાઈપ જીવનસાથી (પત્ની) :  

 આ રીતમાં પતિ-પત્ની પડખાભેર સૂએ છે. પરંતુ પત્નીનો ચહેરો પતિના વાંસા તરફ હોય છે. અર્થાત પત્નીને પતિની પુષ્કળ પરવા હોય છે. તેમના સંબંધોનો મુખ્ય આધાર પત્ની જ હોય છે. તે સંબંધોને સુપેરે જાળવી જાણતી હોય છે. પતિને તેનો ભરપૂર ભાવનાત્મક સહયોગ મળે છે.

ડોમિનેટિંગ (પોઝિશન) :

 આ સ્થિતિમાં પતિ-પત્ની બંનેમાંથી એક લગભગ આખા બિછાના પર ફેલાઈને સૂએ છે અને પોતાના જીવનસાથીને એક કિનારે ધકેલી દે છે. જ્યારે સામી વ્યક્તિ તેના તરફ પીઠ ફેરવીને બિછાનાના કિનારે સુઈ જાય છે. આનો મતલબ એ થયો કે બિછાના પર ફેલાઈને સૂઈ જનાર જીવનસાથી દાધારંગો હોય છે. તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે અને તે સ્વાર્થી પણ હોય છે. તેને પોતાના જીવનસાથીની ઝાઝી પરવા નથી હોતી. તે તેની જરૂરિયાતો પ્રત્યે બેપરવા રહે છે.

સહયોગી સ્વભાવ (પોઝિશન) :

 આ પોઝિશનમાં પતિ-પત્ની બંનેમાંથી એક જણ ચત્તી સ્થિતિમાં સુએ છે અને તેનો/તેની જીવનસાથી તેના બહાર તરફ ફેલાવેલા હાથ પર માથું મૂકીને, તેને આલિંગન આપીને સૂએ છે. અર્થાત્ ચત્તી સ્થિતિમાં સૂનાર વ્યક્તિ પોતાના જીવનસાથીને પૂરેપૂરો ભાવનાત્મક સહયોગ આપે છે, તેની દરેક વાતનું ધ્યાન રાખે છે, તેને હમેશાં ખુશ રાખવાનો પ્રયાસ કરે છે.

ભૂલકણો જીવનસાથી (પોઝિશન) :

 આ સ્થિતિમાં એક જણ ચત્તો સૂએ છે અને બીજો બાળકની જેમ ટૂંટિયું વાળીને પોતાના જીવનસાથી તરફ મોઢું રાખીને સૂએ છે. આનો મતલબ એ થયો કે ટૂંટિયું વાળીને સૂનારી વ્યક્તિ સુખ - શાંતિ - સંતોષ ઇચ્છે છે. પરંતુ ચત્તો સૂનાર જીવનસાથી તેની ભાવનાઓ - ઇચ્છાઓ વિસરી જાય છે. જો તમે આવી પોઝિશનમાં સૂતા હો તો તમારા સંબંધમાં ક્યાં ઊણપ સર્જાઈ છે તે શોધી કાઢો અને તે દૂર કરવાનો પ્રયાસ કરો.

હનીમૂન પાર્ટનર (પોઝિશન) :

 આ પોઝિશનમાં પતિ-પત્ની એકબીજાને ગળે વળગાડીને અને પગમાં પણ આંટી મારીને સૂએ છે. આનો અર્થ સીધો છે કે બેઉ એકબીજાના પ્રેમ, રોમાંસ, આકર્ષણમાં ગળાડૂબ હોય છે. આવું યુગલ હમેશાં હનીમૂનના મૂડમાં જ હોય છે. તેમની મોહબ્બત શિરે ચડીને બોલે છે.

- વૈશાલી ઠક્કર