કૃમિવાળા બાળકને કાયમી શરદી થઈ શકે
- શ્વાસ જેવા ગંભીર રોગથી પીડાતાં બાળકના પેટમાં ચરમીયા હોઈ શકે છે
સામાન્ય રીતે બાળકોને કફજન્ય અને પાચનતંત્રને લગતાં રોગો વિશેષ થતાં હોય છે. કફ અને મંદાગ્નિને કારણે પેટમાં થતાં કૃમિ પાચનતંત્ર બગાડી બીજા કેટલાક ઉપદ્રવો ઉત્પન્ન કરે છે. શારીરિક વિકાસ અટકાવે છે. કૃમિને લોકો કરમીયા કે ચરમીયાં કહે છે. અંગ્રેજીમાં ઉર્સિજ કહે છે. આયુર્વેદની દ્રષ્ટિએ સાત પ્રકારના કૃમિ પેટમાં થાય છે. બાળકોમાં ખાસ કરીને ગોળ લાંબા રાઉન્ડ વોર્મ્સ અને સૂત્રકૃમિ થ્રેડ વોર્મ્સ જોવા મળે છે. ગોળ કૃમિ વૃદ્ધિ પામીને ૧૦ થી ૧૨ ઇંચ લંબાઈના થાય છે. સૂત્રકૃમિ પાતળા દોરા જેવા ૧/૮ થી ૧/૨ ઇંચ લંબાઈના હોય છે. કોઈ વખત બાળક મળ પ્રવૃત્તિ કરે એ સાથે કૃમિ બહાર આવે છે ત્યારે આપણે સજાગ થઈએ છીએ અને બાળકને ચરમીયાની ચિકિત્સા શરૂ કરીએ છીએ. કેટલાંક મા-બાપ આ વ્યાધિને બહુ મહત્વ આપતા નથી, પરંતુ આ બરોબર નથી કારણ કે, શ્વાસ જેવા ગંભીર રોગથી પીડાતાં બાળકના પેટમાં ચરમીયા હોઈ શકે છે. ચરમીયાની ચિકિત્સા કાળજી રાખી કરવાથી બીજા ઉપદ્રવો જલ્દી મટે છે.
પાચન નબળું હોય છતાં વારંવાર ખાતા રહેવાથી મધુર અને ખાટા પદાર્થોનું વિશેષ સેવન કરવાથી, પ્રવાહી ભારે ખોરાક વિશેષ લેવાથી, કફ કરે એવો ખોરાક વિશેષ લેવાથી, ગોળ જેવા ગળ્યા અને અડદ જેવા ભારે કઠોળ વિશેષ લેવા વિગેરેથી પાચન બરોબર થતું નથી એટલે કૃમિ ઉત્પન્ન થાય છે કે કૃમિનો ચેપ સહેલાઈથી લાગી શકે છે. કૃમિવાળા દર્દીના મળમાં અસંખ્ય સૂક્ષ્મ એવા અંડા હોય છે. આવા મળવાળા ગંદા સંડાસ અને જમીન મારફત ચેપ ફેલાય છે. આ કૃમિ અસંખ્ય આશરે બે લાખ ઓવા મળ સાથે શરીરમાંથી બહાર ફેંકે છે. ઓવા એટલે અંડા સ્ત્રી રીપ્રોડક્ટીવ સેલ. આ અંડાવાળા મળ મારફત ચેપ ફેલાય છે. કૃમિ ઉશ્કેરાય કે વૃધ્ધિ પામે તો બાળકને પરેશાન કરી મુકે છે.
ગોળ કૃમિવાળા બાળકને શરદી, કફ અને તાવ અવારનવાર સતાવે છે. ઝાડા, ગેસ, ઉદરશૂલ, વમન, અરુચિ, પેટ મોટું દેખાવું, ફીકાશ, અશક્તિ, ખૂજલી વગેરે લક્ષણો અવારનવાર થાય છે. કોઈ બાળકને આંચકી થઈ આવે છે. કૃમિ વૃધ્ધિ પામે તો લક્ષણો તીવ્ર થાય છે. ક્યારેક કૃમિ મોઢેથી કે ગુદા મારફત બહાર આવે છે. કૃમિવાળા બાળકના મળમાં કૃમિના સૂક્ષ્મ અંડા હોય છે જેના મારફત રોગ ફેલાતો રહે છે. આ કૃમિથી પીડાતું બાળક રાત્રે ઉંઘમાં દાંત કચકચાવે છે. ગુદાએ ખંજવાળવાનું રોકી શકતું નથી. આ કૃમિની યોગ્ય સારવાર કરવામાં આવે નહીં તો વર્ષો સુધી એટલે કે, મોટી ઉંમર સુધી સતાવે છે. શારીરિક અને માનસિક વિકાસ પૂરતા પ્રમાણમાં થતો નથી. સૂત્રકૃમિથી પીડાતાં બાળકને રાઉન્ડ કૃમિ જેવા લક્ષણો થાય છે. વધારેમાં કૃમિ વધી જવાથી મોટા ભાગે ગુદા મારફત બહાર નીકળે છે. ગુદા આસપાસ ખુજલી આવે છે.
આ વ્યાધિમાંથી બાળકને મુક્ત કરવા માટે પાચન સુધારવું. સ્વચ્છતા રાખવી અને કૃમિઘ્ન ઔષધો આપવા. આયુર્વેદમાં આ રોગ માટે ઘણાં નિર્દોષ ઔષધો છે. જેમાંથી બે પ્રયોગો અહીં રજુ કર્યા છે. અનુભૂત સફળ ઔષધો છે.
૧. વાવડીંગ, ખુરાસાની અજમો, કપીલો, પલાશબીજ, કરંજબીજ દરેક ૧ તોલો લેવા. ગોળ અઢી તોલો લેવો. દરેક મેળવી બારીક ચૂર્ણ બનાવી ગોળ મેળવી ૪ રતિની ગોળીઓ બનાવવી. સવાર સાંજ ૧-૧ પંદર દિવસ આપવી.
૨. મંડૂરભસ્મ, કડુ ચૂર્ણ, વાવડીંગ ચૂર્ણ, હરડે ચૂર્ણ દરેક સરખે ભાગે લઈ સારી રીતે મેળવવું. આમાંથી બે થી ચાર રતિ આપવું. શુધ્ધ ગૌમૂત્ર અને પાણી સાથે આપવાથી વધારે સારું પરિણામ મળે છે.
આ ઔષધ યોગ સાથે વિંડગારિષ્ટ જમ્યા પછી આપવાથી વધારેેે સારું પરિણામ મળે છે.
- શાંતિભાઈ અગ્રાવત