શનૈશ્વર જયંતીએ શનિદેવની સંક્ષિપ્ત કથા

શનિ ન્યાયનો ગ્રહ છે. તે કોઈનેય પણ ખોટી રીતે નડતો જ નથી. જેણે જેણે ખોટું કર્યું છે તેને ઉચિત દંડ શિક્ષા કરે છે.
બ્રહ્મપુરાણ મુજબ પુલહ, પુલત્સ્ય, અત્રિ, અંગિરા, ક્રતુ, વશિષ્ઠ, મરીચ એ બ્રહ્માના માનસપુત્રો છે, જે પૈકી મરીચનાં લગ્ન કર્દમ પ્રજાપતિની પુત્રી કલા સાથે થયાં. તેમના પુત્રનું નામ કશ્યપ. કશ્યપની બે પત્નીઓ દિતિ અને અદિતિ. દિતિથી દાનવો થયા, અદિતિથી દેવો થયા. દેવો પૈકી કશ્યપના એક પુત્રનું નામ વિવસ્વાન. વિવસ્વાનના પુત્રનું નામ સૂર્ય.
સૂર્યને સંજ્ઞા, પ્રભા, રાત્રિ, છાયા અને બડવા - એમ પાંચ પત્નીઓ છે. પ્રથમ પત્ની સંજ્ઞાથી યમ, મનુ અને યમુનાજી થયાં. આ સંજ્ઞાથી સતત સૂર્યતેજ સહન ના થતાં ત્રણેય સંતાનો ચોથી પત્ની છાયાને સોંપી તપ કરવા ગયાં. આ પછી છાયાને એક પુત્ર થયો તે જ આપણા શનિદેવ. આ મંત્ર (શ્લોક) તેનો પુરાવો છે :
નિલાંજન સમાભાસં, સૂર્યપુત્ર યમાગ્રજમ્ ।
છાયામાર્તણ્ડ સંભૂતમ્, નમામિ શનૈશ્વરમ્ ।।
છાયાને શનિ અતિ વહાલો હોવાથી સંજ્ઞાનાં ઉપર જણાવેલાં ત્રણ સંતાનો ઉપર ઝાઝું ધ્યાન ન આપતાં સૂર્યને ફરિયાદ કરતાં શનિ ઉપર સૂર્યદેવ કોપાયમાન થતાં શનિએ સ્વબળે દેવો ઉપર ચડાઈ કરી. દેવો શિવજી પાસે ગયા, શિવ-શનિ વચ્ચે યુધ્ય થયું. પછી સમાધાન થયું. શિવ શનિના ગુરૂ બન્યા અને શનિને અનેક વરદાનો આપ્યાં.
શનિનાં માતા છાયા. પિતા સૂર્ય. યમ એમના ભાઈ. યમુનાજી એમનાં બહેન. શિવજી ગુરૂ. રાહુ-કેતુ શનિના સાથીદારો, હનુમાનજી એમના પરમ મિત્ર. સીતા શોધ માટે હનુમાનજી લંકા ગયા ત્યારે રાવણે યમ અને શનિને કેદ કરેલા તે હનુમાનજીએ છોડાવેલા ત્યારે શનિએ વચન આપેલું કે તે હનુમાનજીના ભક્તોને ક્યારેય નડશે નહિ. શનિદેવનો વાર શનિવાર. શનિની ડાબી બાજુ રાહુ અને જમણીબાજુ કેતુની સ્થાપના થાય છે. કાગડો, ગીધ વાહન છે. ત્રિશુળ, ગદા, ધનુષ આયુધો છે.
શનિ ગ્રહ પૃથ્વી કરતાં ૭૫ (પંચોતેર) ગણો મોટો છે. શનિમાં લોખંડનું પ્રમાણ અતિગણું હોઈ શનિદેવનો રંગ કાળો મનાયો છે. શનિગ્રહ સાથે એક શબ્દ પરછાયાની જેમ જોડાયેલો છે : પનોતી : પોતાની જન્મરાશિથી બારમે, પહેલા, બીજા સ્થાને આવે તે મોટી પનોતી મનાય છે જેને સાડા સાતી કહે છે. શનિ ન્યાયનો ગ્રહ છે. તે કોઈનેય પણ ખોટી રીતે નડતો જ નથી. જેણે જેણે ખોટું કર્યું છે તેને ઉચિત દંડ શિક્ષા કરે છે. નળ-દમયંતી, હરિશ્ચંદ્ર-તારામતી જેવાઓને પણ પનોતી નડી છે, પણ પછી સોનું તપી શુદ્ધ થાય તેમ પનોતી પછી માણસ ગમે તેવા સંજોગો સામે પણ ટક્કર ઝીલે તેવો ખડતલ બની જાય છે.
શનિદેવનું પ્રખ્યાત તીર્થધામ શિંગણાપુર છે. શિંગણાપુરમાં આજે પણ કોઈ ઘર કે દુકાનને ક્યારેય તાળું મારવામાં નથી આવતું. આમ છતાં આજદિન સુધી એક પૈસાનીય ચોરી થઈ નથી એ સમગ્ર વિશ્વનો અચંબો પમાડે તેવો આસ્થાનો પ્રત્યક્ષ પરચો છે. જય શનિદેવ. શનિનો મૂળ મંત્ર છે : '' શં શનૈશ્ચરાય નમ:'' - છે. શનિદેવની કૃપા મેળવવા શનિમંત્ર, શનિ યંત્ર, શનિમહાસ્તોસ્ત્ર, અષ્ટક, શનિચાલીસા વગેરેનો ઉલ્લેખ વિવિધ પુરાણોમાં છે. સરળ અને પ્રચલિત મંત્રનું ધ્યાનપૂર્વક ગાન કરી શનૈશ્વર દેવના સંક્ષિપ્ત પરિચયનું સમાપન કરીએ.
ઁ સૂર્યપુત્રો દીર્ઘદેહી વિશાલાક્ષ: શિવપ્રિય:
મંદાચાર પ્રસન્નાત્મા, પીડા હરતુ મે શનિ:
: શાંતિ :
- પી. એમ. પરમાર








