વસંત દેસાઇ જ સ્વરાંકિત કરી શકે એવું ભગીરથ કાર્ય- મૈત્રી ભજતઃ!

- સિનેમેજિક - અજિત પોપટ
- વજય ભટ્ટે ગૂંજ ઊઠી શહનાઇનું સંગીત વસંત દેસાઇને સોંપેલું. વસંત દેસાઇએ નૌશાદ સાથે ખભેખભા મિલાવીને ઊભા રહી શકે એવું સંગીત આ ફિલ્મમાં આપેલું. બૈજુ બાવરામાં ક્લાસિકલ મ્યુઝિકના બે મહારથી હતા- પંડિત ડી વી પલુસ્કર અને ઉસ્તાદ અમીર ખાન. ગૂંજ ઊઠી શહનાઇમાં પણ બે ધુરંધર કલાકારો હતા.
- છેલ્લા ઘણા મહિનાથી વિશ્વના એક યા બીજા વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યાં છે. રશિયા-યુક્રેન, ગાઝા(પેલેસ્ટાઇન) ઇઝરાયેલ અને ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યા છે. ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દઇને વિશ્વના મોટા ભાગના દેશોનો જીવ અદ્ધર કરી નાખ્યો, કારણ કે ક્રૂડ તેલ વિના દુનિયાનો રોજબરોજનો વ્યવહાર ચાલે એમ નથી. રસપ્રદ વાત એ છે કે બધાં લોકો વિશ્વશાંતિની, વસુધૈવ કુટુંબકમ્ અને ભાઇચારાની વાતો કરે છે. પરંતુ ફલાણાએ અણુશક્તિ વિકસાવી એનાથી અમારો અહં ઘવાયો. મારો સાલાને એવી માનસિકતાએ વાત વણસાવી નાખી.
લિેજેન્ડરી ફિલ્મ સંગીતકાર વસંત દેસાઇનાં સંગીત અને ગીતોની વાતોમાં સાંપ્રત સમયમાં ચાલી રહેલાં યુદ્ધોની વાત ક્યાં આવી એવું ના વિચારતા. અહીં વસંત દેસાઇની જ વાત છે. થોડી ધીરજ રાખીને વાંચજો. આદિ શંકરાચાર્યે જે આધ્યાત્મિક પીઠ સ્થાપી એવી ચાર શાખા-પીઠ અત્યારે છે. ૧૯૬૫ના ઑગષ્ટમાં કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના પાકિસ્તાને ભારતના જમ્મુ કશ્મીર વિસ્તારમાં આક્રમણ કર્યું હતું. માત્ર ત્રણ માસ ચાલેલી આ અથડામણમાં બંને પક્ષે સારી એવી ખુવારી થઇ હતી. ત્યારબાદ તાશ્કંદ કરાર હેઠળ યુદ્ધ સમાપ્ત થયું. એ સમયે કાંચી કામકોટી પીઠના ૬૮મા પૂજ્ય શંકરાચાર્ય ચંદ્રશેખરેન્દ્ર સ્વામીનો અંતરાત્મા દુભાયો હતો. એમણે અંતઃસ્ફૂરણાથી એક સંસ્કૃત રચના કરેલી. મૈત્રી ભજતઃ નામની આ રચનાને સ્વરાંકિત કરવાની ઇચ્છા દેશના ઘણા ટોચના સંગીતકારોની હતી. પરંતુ ખુદ શંકરાચાર્યની ભલામણ વસંત દેસાઇને આ જવાબદારી સોંપવાની હતી. પૂજ્ય સ્વામીજીની શરત માત્ર એટલી હતી કે આ સંસ્કૃત કવિત એમ એસ શુભલક્ષ્મીના કંઠે ગવાવું જોઇએ.
ખરું પૂછો તો એ સમયે લતાની કારકિર્દીનો સૂર્ય સોળે કળાએ પ્રકાશિત હતો. પ્રદીપજીની રચના અય મેરે વતન કે લોગોં... અગાઉ આશા ભોંસલે ગાવાની હતી. પરંતુ લતાએ પોતાની રીતે પોલિટિક્સ રમીને એ ગીત પોતે ગાયું. પરંતુ મૈત્રી ભજતઃ કોઇ ફિલ્મગીત તો નહોતું કે લતા ધાર્યું કરી શકે. કાંચી કામકોટી પીઠ દ્વારા વસંત દેસાઇને તેડાવાયા. શંકરાચાર્યજીના સેવકોએ આ જવાબદારી વસંત દેસાઇને સોંપી. કવિતનો ભાવાર્થ સંગીતકારને સ્પષ્ટ કરવામાં આવ્યો. આમ તો આખું કવિત આજના સંદર્ભમાં પણ સુસંગત છે. અહીં કવિતનો માત્ર એક અંશ રજૂ કરું છું. સરળ શબ્દો છે એટલે મૂળ સંસ્કૃતના ગુજરાતી ભાષાંતરની જરૂર નહીં રહે. માણો તમે પણ એ સંસ્કૃત અંશ- યુદ્ધમ્ ત્યજત, ત્યજત સ્પર્ધા, ત્યજત પરેષુ અક્રમ આક્રમણમ્.... (યુદ્ધનો ત્યાગ કરો, સ્પર્ધાનો ત્યાગ કરો, અન્ય જનો પર વિના કારણે આક્રમણ કરવાનું
ત્યજી દો)
વસંત દેસાઇએ સ્વામીજીને પૂછયું કે સ્વરાંકિત કરવા બાબત આપનું કોઇ સૂચન છે ? ત્યારે પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ હોય છતાં સમગ્ર માનવજાતને આકર્ષી શકે એવી રીતે સ્વરાંકિત કરજો. વસંત દેસાઇએ પોતાના ઇષ્ટદેવની પ્રાર્થના કરી અને માત્ર બે રાગ પસંદ કર્યા- યમન કલ્યાણ અને કાફી. સાઉથમાં ખાસ કરીને ક્લાસિકલ ડાન્સમાં વધુ વપરાતા ખાસ્સા લોકપ્રિય આદિ તાલમાં આ કવિતને બાંધીને વસંત દેસાઇએ સ્વામીજી સમક્ષ પ્રસ્તુત કર્યું. આ તાલ ઉત્તર ભારતીય સંગીતના આઠ માત્રાના કહેરવા તાલ જેવોજ આઠ માત્રાનો તાલ છે પરંતુ એનું વજન જુદા પ્રકારનું છે. સ્વામીજી પ્રસન્ન થયા.
વસંત દેસાઇએ એમ એસ શુભલક્ષ્મી અને ડૉક્ટર રાધા વિશ્વનાથનના કંઠે આ કવિત તૈયાર કરાવ્યું. ૧૯૬૬ના ઓક્ટોબરની ૨૩મીએ યોગાનુયોગે યુનો દિવસ હતો. એ દિવસે યુનોની મહાસભા (જનરલ એસેમ્બલી)માં આ કવિત એમ એસ શુભલક્ષ્મી અને ડૉક્ટર રાધા વિશ્વનાથને રજૂ કર્યું. બંને મહિલાએ ભાવવિભોર થઇને એટલી અદ્ભુત રજૂઆત કરેલી કે એમને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું. વિશ્વના તમામ દેશોના પ્રતિનિધિઓએ પોતાની બેઠક પરથી ઊભા થઇને તાળીના ગડગડાટથી આ બંને મહિલાઓને બિરદાવી. વસંત દેસાઇને યાદ કરીને એમના વિશે પણ પ્રશંસાના શબ્દો ઉચ્ચારાયા.
આ એક એવું વૈશ્વિક (ગ્લોબલ) બહુમાન હતું જે જીવનમાં ક્યારેક જ કોઇ વીરલાને મળે. વસંત દેસાઇને આ બહુમાન મળ્યું. હિન્દી ફિલ્મોદ્યોગમાં બહુ ઓછા લોકોએ આ વિરલ સિદ્ધિ બદલ વસંત દેસાઇને અભિનંદન આપ્યા. જો કે પોતાના કામને સમર્પિત એવો આ સંગીતકાર ઓલિયો જીવ હતો. એ તો પહેલાં જેવાજ નમ્ર રહ્યા. પોતાનું કામ પૂરેપૂરી નિષ્ઠા અને સમર્પિતતાથી કરતા વસંત દેસાઇએ મૈત્રી ભજતઃ કવિતને સ્વરાંકિત કરવાના થોડા સમય પહેલાંજ ઔર એક સોપાન સિદ્ધ કર્યું હતું.
એમણે ટોચના ફિલ્મ સર્જક ગરવા ગુજરાતી વિજય ભટ્ટની ગૂંજ ઊઠી શહનાઇ ફિલ્મનું સંગીત તૈયાર કર્યું હતું. વિજય ભટ્ટે ૧૯૫૦ના દાયકામાં સંગીતકાર નૌશાદને લઇને સુવર્ણ જયંતી ઊજવનારી ફિલ્મ બૈજુ બાવરા આપી હતી. પરંતુ ત્યાર પછી ગંગાયમુનામાં ઘણાં નીર વહી ગયાં હતાં. મધર ઇન્ડિયા, મુઘલે આઝમ વગેરે ફિલ્મોનાં સુપરહિટ સંગીત પછી નૌશાદની માર્કેટ પ્રાઇઝ ખાસ્સી ઊંચી થઇ ગયેલી.
પરિણામે વિજય ભટ્ટે ગૂંજ ઊઠી શહનાઇનું સંગીત વસંત દેસાઇને સોંપેલું. વસંત દેસાઇએ નૌશાદ સાથે ખભેખભા મિલાવીને ઊભા રહી શકે એવું સંગીત આ ફિલ્મમાં આપેલું. બૈજુ બાવરામાં ક્લાસિકલ મ્યુઝિકના બે મહારથી હતા- પંડિત ડી વી પલુસ્કર અને ઉસ્તાદ અમીર ખાન. ગૂંજ ઊઠી શહનાઇમાં પણ બે ધુરંધર કલાકારો હતા- શહનાઇનવાઝ ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન અને યુગસર્જક ગાયક ઉસ્તાદ અમીર ખાન. હવે પછી ગૂંજ ઊઠી શહનાઇનાં ગીતોનો આસ્વાદ આપણે માણીશું.









