35-40% વકીલો ડિગ્રી વગરના? .

- હદ કર દી...હદ કર દી...હદ કર દી...! દેશનાં ન્યાયમંદિરોમાં ન્યાયાધીશોની શું હાલત હશે ?! જયારે...
- કૌશિક કુમાર દીક્ષિત
- સરકાર ઊંઘી રહી છે કે ઊંઘી રહી હોવાનો દંભ કરી રહી છે ?...Bar Council of India જે બોલી રહી છે તે 'સાચું' હોય તો બોગસ વકીલો મુદ્દે સરકારે શરમાવું નહિ જોઈએ ?!
અત્યાર સુધી તબીબી ક્ષેત્ર એ બાબતે વગોવાતું રહ્યું છે કે, દેશભરમાં પુષ્કળ સંખ્યામાં બોગસ તબીબો બેરોકટોક પોતાનો તબીબી ધંધો ચલાવી રહ્યા છે...પોતાની પાસે કશી કોઈ ડિગ્રી નહિ હોય-તબીબીનું કશું ભણ્યા જ નહિ હોય તો પણ સમાજમાં તબીબ તરીકે ઓળખ ઊભી કરી તબીબી વ્યવસાય ચલાવી રહ્યા હોય તેવા અસંખ્ય લોકો આપણી આસપાસ આપણને જોવા મળે છે ! સરકાર ઘણી વાર ઓચિંતી રેડ પાડીને બોગસ તબીબોનો સફાયો બોલાવતી રહે છે. તો પણ, બોગસ તબીબોનો સાવ સફાયો કરી નાખવાની સરકારની તાકાત નથી. તબીબી વ્યવસાયમાં ચાલતી બનાવટો બંધ કરાવવામાં સરકાર શરૂઆતથી જ ટૂંકી પડી રહી છે.
બોગસ તબીબોની માફક હવે, બોગસ વકીલોનો મુદ્દો પણ ગંભીર આકાર ધારણ કરી રહ્યો છે. હમણાં તાજેતરમાં જ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ એક ચોંકાવનારી વિગત આપી ! સ્વયં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષે જણાવ્યું કે, દેશભરમાં ૩૫-૪૦ ટકા વકીલો બોગસ છે અને તેઓ પાસે માન્ય ડિગ્રીઓ નથી ! કેવું વિચિત્ર...! જે સંસ્થાના સિરે દેશભરમાં વકીલાતના વ્યવસાયનું નિયમન કરવાની જવાબદારી છે તે સંસ્થાના અધ્યક્ષ દેશમાં ૩૫-૪૦ ટકા વકીલો બોગસ હોવાનું-બનાવટી ડિગ્રીઓવાળા હોવાનું જણાવી રહ્યા છે...! તો, આપણને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષને એવું પૂછવાનું મન જરૂર થાય કે...દેશભરમાં પ્રેક્ટીસ કરી રહેલા ૩૫-૪૦ ટકા વકીલો અગર બોગસ વકીલો છે તો તમે અને તમારા નેજા હેઠળની સંસ્થા 'બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરી શું રહી છે ???!!
Bar Council of India કઈ ભૂમિકામાં ?
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના ઈ.સ.૧૯૬૧માં થઇ અને આ સંસ્થા એડવોકેટ એક્ટ(૧૯૬૧)ની કલમ ૪ હેઠળ સ્થપાયેલી છે. વકીલાતનો વ્યવસાય કરનારા વકીલોની ડિગ્રીઓ તપાસવાનું તેમજ તેઓનું રજિસ્ેટ્રેશન કરવાનું તેમજ વકીલોને કોર્ટોમાં વકીલાત કરવાનો પરવાનો આપવાનું કામ બાર કાઉન્સિલ કરે છે. આ જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ દેશભરમાં વિવિધ રાજ્યોની બાર કાઉન્સિલ પણ અસ્તિત્વ ધરાવે છે. અને, એલ.એલ.બી. પૂરું કર્યા બાદ જે-તે વ્યક્તિને વકીલાતનો વ્યવસાય શરુ કરતાં પહેલાં તેની અલગથી વળી પછી પરીક્ષા લેવાનું અને તેને પાસ-નાપાસ કરવાનું કામ પણ આ બાર કાઉન્સિલ જ કરતી રહે છે. આમ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ દ્વારા જે ચિંતા-ફિકર વ્યક્ત કરવામાં આવી રહી છે કે... દેશભરના ૩૫-૪૦ ટકા વકીલો બોગસ વકીલો છે -બોગસ ડિગ્રી ધરાવતા વકીલો છે તે ફરિયાદ માટે છેવટે તો બાર કાઉન્સિલ જ જવાબદાર છે... કાયદો રચીને વકીલાતના વ્યવસાયના નિયમન માટે જ તો બાર કાઉન્સિલ બનાવવામાં આવી ! જે બન્યાને પણ ૬૫ વર્ષ થઇ ગયાં...૬૫ વર્ષ જૂની એક પરિપક્વ સંસ્થાના અધ્યક્ષ પોતાની જ સંસ્થાની લાચારીઓ-નિષ્ફળતાઓ-કરુણતાઓ પ્રગટ કરી રહ્યા છે !
દેશભરમાં વકીલાતનો ધંધો કરી રહેલા વકીલોની સંખ્યા કેટલી ?
હાલને તબક્કે દેશભરમાં બાર કાઉન્સિલમાં જેઓ રજિસ્ટર્ડ છે તેવા વકીલો (જેઓ વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે)ની સંખ્યા ૨૦ લાખથી વધુ છે. અલબત્ત, આ ૨૦ લાખ પૈકી ચારેક હાજર વકીલો જ નામચીન અથવા પ્રસિદ્ધ છે. બાકીના વકીલોનું 'નામ' ભલે નથી પણ, તેઓ પુષ્કળ 'દામ' કમાઈ રહ્યા છે ! હાઈ પ્રોફાઈલ કેસો જ મોટે ભાગે 'મોટા' વકીલો લડતા જોવા મળે છે. બાકી, સામાન્ય કેસો તો 'નામ' વગરના વકીલોને ભાગે જ લડવાના આવે છે. હવે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ જો, એમ કહી રહ્યા હોય કે ૩૫-૪૦ ટકા વકીલો બોગસ ડિગ્રી ધરાવે છે તો, એનો મતલબ એ થયો કે આ ૨૦ લાખ રજીર્સ્ટડ વકીલો પૈકી ૮ લાખ વકીલો ડિગ્રી વગર જ કોર્ટોમાં જઈને પ્રેક્ટીસ કરી રહ્યા છે ! માન્યતા પ્રાપ્ત ડિગ્રીઓ માત્ર બારેક લાખ વકીલો પાસે જ છે ! સમજાઈ નથી રહ્યું કે...બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષને અચાનક કેવી રીતે ખબર પડી ગઈ કે દેશભરમાં ૩૫-૪૦ ટકા વકીલો પાસે બોગસ ડિગ્રીઓ છે ?! આવા ચોક્કસ આંકડા સાથે તેઓ જાહેરમાં ચિંતા-ફિકર કેમ વ્યક્ત કરી રહ્યા છે...?
Bar Council of India જવાબદારીમાંથી છટકી રહી છે ?
વકીલાતની પ્રેક્ટીસ કરી રહેલા વકીલો બોગસ ડિગ્રીધારી હોય તો તેમાં પહેલો દોષ જે-તે વકીલનો જયારે બીજો તરત જ દોષ બાર કાઉન્સિલનો પોતાનો નહિ ?! બોગસ ડિગ્રીવાળા વકીલોને બાર કાઉન્સિલ દ્વારા રજિસ્ટર્ડ કઈ રીતે કરવામાં આવ્યા ? બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી ફિકર-ચિંતા બાદ દેશની સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે...જો, સુપ્રીમ કોર્ટ આ બાબતે સુનાવણી રાખશે તો કેન્દ્ર સરકાર અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે જવાબો માંગવામાં આવશે ! દેશની કેન્દ્ર સરકાર આ બોગસ વકીલો બાબતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયેલી છે. કોઈ લલ્લુપંજુ બોલી રહ્યો હોય તો તેને પ્રજા અવગણી કાઢે પરંતુ, આ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બોલી રહ્યા છે ત્યારે આખો યે મુદ્દો ગંભીરપણે ધ્યાન આપવા યોગ્ય બની ગયો છે. સામાન્ય રીતે, પોતાની સંસ્થાની ગંદકીઓની ચર્ચા કોઈ અધ્યક્ષ જાહેરમાં કરતો જોવા નહિ મળે પણ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષે ક્યારે -કયા સંજોગોમાં આ ચેષ્ટા કરી હશે ?!
બોગસ વકીલો ઉપર કાયદાની કઈ-કઈ કલમો લાગૂ પડે ?
બોગસ વકીલો વિષે પર્યાપ્ત માહિતી આવી ગઈ હોય તો (અથવા પર્યાપ્ત માહિતી એકઠી કરીને) શું, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પોતે જાતે એવા બોગસ વકીલો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી નહિ શકે ? એડવોકેટ એક્ટ(૧૯૬૧)માં કલમ ૪૫ની જોગવાઈઓ મુજબ, જો કોઈ વ્યક્તિ પોતે વકીલાત કરવાનો હકદાર નહિ હોય તેમ છતાં જો તે કોર્ટમાં વકીલાત કરવા જાય છે તો તેને ૬ મહિનાની કેદ કરવાની હોય છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આવા સંખ્યાબંધ બોગસ વકીલો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીઓ કરતાં કોણ રોકી રહ્યું છે ? બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કેમ પોતાની ફરજો ચૂકી રહ્યું છે ? સરકાર પણ પોતે ધારે તો-ઈચ્છે તો તેની પાસે બોગસ વકીલો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવા માટે 'ભારતીય ન્યાય સંહિતા'ની વિવિધ કલમો પોતાની પાસે નથી, શું ?! દેશની તમામ કોર્ટો પાસે 'સુઓ મોટુ' વાપરીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે વિગતો મંગાવવાનો અધિકાર છે તો, કોર્ટો પણ તેમાં કેમ ઢીલ કરી રહી છે અને બોગસ વકીલો વિરુદ્ધ કશું નહિ કરવાની નીતિ રાખી રહી છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરો પ્રજા શોધી રહી છે !
પ્રત્યક્ષ રીતે કોણ-કોણ બેવકૂફ બની રહ્યું છે ?
બોગસ વકીલ બાબતે ત્રણ વ્યક્તિઓ પ્રત્યક્ષ રીતે બેવકૂફ બને છે...બોગસ વકીલ સાથે જોડાનારો તેનો અસીલ સૌથી પહેલાં બેવકૂફ બને છે. તે પછી, બોગસ વકીલની સામે (વાદી/પ્રતિવાદીનો) કેસ લડી રહેલો વકીલ બેવકૂફ બની રહે છે. એક બોગસ વકીલ જયારે કોર્ટમાં જજ સામે ઊભો રહે છે ત્યારે તે જજ પણ અજાણતામાં બેવકૂફ જ બની રહ્યો હોય છે ! હવે, દેશ એ દિશામાં જઈ રહ્યો છે કે...કાયદાના મેદાન પર પણ બોગસ વકીલોથી બચવા આપણે જાતે જ આપણા વકીલની ડિગ્રી માગીને તે તપાસી લેવી પડશે !
-સવાલ એ થાય કે પેલા ૩૫-૪૦ ટકા બોગસ વકીલો અત્યાર સુધીમાં કયા-કયા કેસો લડયા હશે અને તેમાં તેઓ જીત્યા હશે -હાર્યા હશે ? બોગસ વકીલો મોટી-મોટી ફી પોતાના અસીલો પાસે લઇ રહ્યા હશે કે સાવ સસ્તામાં કેસો લડી રહ્યા હશે ?!...કે પછી, અસીલોને જોઇને બોગસ વકીલો દ્વારા પડીકાં વાળવામાં આવી રહ્યાં હશે ?!
દુનિયાનું પેટ ભરનારા અગ્રણી દેશો પર દ્રષ્ટિપાત!
- અમુક દેશો કૃષિપ્રધાન નહિ હોવા છતાં, માંસ-મટન તેમજ અન્ય પ્રાણીજ વસ્તુઓનું પણ ખાસ્સું એક્સપોર્ટ કરીને ખાદ્યસામગ્રીઓના એક્સપોર્ટમાં મેદાન મારી જાય છે !
- ભારત દેશનું ખાદ્યસામગ્રીઓનું એક્સપોર્ટ વરસનું માત્ર ૪૫.૫ બિલિયન અમેરિકન ડોલર ! અને, તે ખાદ્ય સામગ્રીઓના કુલ Global Exportનો માત્ર 3% હિસ્સો !...પોતાના દેશમાંથી ખાણીપીણી બહાર મોકલવામાં ભારત દેશ 8મા ક્રમે આવે !
દુનિયાનો કોઈ પણ હિસ્સો એવો જોવા નહિ મળે જ્યાં લોકોને ભૂખ નહિ લાગી રહી હોય ! દુનિયા માત્ર મનુષ્યોથી જ નથી ચાલી રહી પણ દુનિયાને ચલાવવામાં પશુઓ-પક્ષીઓ-જનજાનવરો-જીવજંતુઓ અને વનસ્પતિઓ વગેરેની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જીવ માત્રનું એક મુખ્ય લક્ષણ તેની 'ભૂખ' છે. જીવ ભૂખ્યો થતો રહે છે અને પોતાની ભૂખ મટાડવા તે જાતજાતના ખોરાક શોધે છે અને તેમનો ઉપયોગ કરે છે.
પોતાના દેશમાં જે ચીજ-વસ્તુ પાકી નહિ રહી હોય કે પેદા થઇ નહિ રહી હોય તે ચીજ-વસ્તુઓની પણ લોકોને ભૂખ હોય છે. એટલે, બીજા દેશોમાંથી એવી ચીજ-વસ્તુઓ લોકો મંગાવે છે અને પોતાની ભૂખ મટાડે છે. જરૂરી નથી કે, જે પણ ચીજ-વસ્તુની ભૂખ હોય તે પોતાના દેશમાં પાકતી હોવી જોઈએ-પેદા થતી હોવી જોઈએ...!
દુનિયાના લોકોની ભૂખ મટાડવામાં અમેરિકા પહેલે નંબરે આવે છે ! દુનિયાભરમાં ખાદ્ય ચીજ-વસ્તુઓનું જે પણ એક્સપોર્ટ થાય છે તેમાં આશરે ૧૨% હિસ્સો અમેરિકાનો રહે છે. ૨૦૨૪ના વર્ષ દરમ્યાન અમેરિકાએ ૧,૮૧,૩૦,૦૦,૦૦,૦૦૦ (૧૮૧ અબજ અમેરિકન ડોલર)ની ખાદ્યસામગ્રી દુનિયાના અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી હતી. તે પછી, બીજો નંબર બ્રાઝીલનો આવે. બ્રાઝીલે ૨૦૨૪ના વર્ષમાં ૧,૪૪,૪૦,૦૦,૦૦,૦૦૦ (૧૪૪ અબજ ને ૪૦ કરોડ) અમેરિકન ડોલરનો માલ બીજા દેશોમાં મોકલ્યો જેમાં માત્ર ખાવા-પીવાની ચીજવસ્તુઓ હતી. ખાદ્ય સામગ્રીઓના કુલ એક્સપોર્ટ પૈકી ૯.૭% હિસ્સો બ્રાઝીલનો રહ્યો. ચીન ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ આગળ હોવા છતાં ખાદ્ય ચીજ-વસ્તુઓ અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવાની બાબતમાં તે ત્રીજા ક્રમે રહે છે ! ચીન ખાદ્ય સામગ્રીઓના વૈશ્વિક એક્સપોર્ટમાં પોતાનો કેવળ પાંચ ટકા હિસ્સો ધરાવે છે તે જાણીને તમને નવાઈ લાગી શકે. ચીન દ્વારા અંદાજે ૭૫,૦૦,૦૦,૦૦,૦૦૦ (પંચોતેર અબજ) અમેરિકન ડોલરની ખાણીપીણી બીજા દેશોમાં મોકલવામાં આવી. ખાણીપીણીના વૈશ્વિક એક્સપોર્ટમાં ત્રીજા ક્રમે આવી રહેલા ચીનનો માંડ પાંચેક ટકા હિસ્સો છે.
આપણને એમ લાગે કે, કેનેડા તો બધું ઈમ્પોર્ટ જ કરતુ રહે છે કેમ કે ત્યાં કશું પાકતું નથી-ખેતીવાડી જેવું કંઈ ત્યાં નથી તો તે ખાણી-પીણીની કઈ વસ્તુઓ બહાર બીજા દેશોમાં એક્સપોર્ટ કરશે ?! પણ, દુનિયામાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના એક્સપોર્ટમાં કેનેડા ૪થા નંબરે આવે છે...૨૦૨૪ના વર્ષમાં કેનેડાએ ૬૬,૩૦,૦૦,૦૦,૦૦૦ અમેરિકન ડોલરનો માલ બીજા દેશોમાં મોકલ્યો જે આહારમાં કામ આવે તેવો હતો. ખાદ્ય પદાર્થોના વૈશ્વિક એક્સપોર્ટમાં કેનેડાનો ૪.૫% હિસ્સો છે. આહારનો તૈયાર તેમજ કાચો માલ એક્સપોર્ટ કરવામાં મેક્સિકોનો પાંચમો નંબર આવે... ૨૦૨૪ના વર્ષમાં મેક્સિકોએ ૪૯,૯૦,૦૦,૦૦,૦૦૦ અમેરિકન ડોલરની ખાદ્યસામગ્રી એક્સપોર્ટ કરી અને તે એક્સપોર્ટ વૈશ્વિક સ્તરે ૩.૩% જેટલી રહી. ઇન્ડોનેશિયાનો પણ ખાદ્યસામગ્રીઓ એક્સપોર્ટ કરવામાં વૈશ્વિક સ્તરે ૩.૩% હિસ્સો રહે છે પણ, ઇન્ડોનેશિયાએ ૪૯,૭૦,૦૦,૦૦,૦૦૦ અમેરિકન ડોલરની ખાદ્ય સામગ્રીઓ એક્સપોર્ટે કરી એટલે તે મેક્સિકો કરતાં થોડી ઓછી હોવાથી તેનો નંબર મેક્સિકો પછી ગણવો પડે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં ઓસ્ટ્રેલિયાનો ૭મો ક્રમ, આવે...ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૪ દરમ્યાન ૪૫,૮૦,૦૦,૦૦,૦૦૦ અમેરિકા ડોલરની ખાદ્ય સામગ્રીઓનું એક્સપોર્ટ કર્યું જે વૈશ્વિક સ્તરે ૩,૧% રહ્યું એમ કહી શકાય.
આપણો દેશ ખેતી પ્રધાન દેશ ગણાય છે અને આપણી પ્રજા તેમજ આપણી સરકાર પણ ખેતી-ખેતીની દુહાઈઓ દે છે પણ, અનાજ-ધાન-મરીમસાલા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીઓ (કાચી-તૈયાર બંને પ્રકારની) બધું મળીને આપણે માત્ર ૪૫,૫૦,૦૦,૦૦,૦૦૦ અમેરિકન ડોલરની ખાદ્ય સામગ્રીઓ બીજા દેશોમાં મોકલી શક્યાં છીએ ! ખાદ્ય સામગ્રીઓના એક્સપોર્ટમાં ભારત ૮મા ક્રમે આવે છે અને તે વૈશ્વિક સ્તરે ખાણીપીણીના એક્સપોર્ટમાં કેવળ ૩% હિસ્સો ધરાવે છે !
તદુપરાંત, ખાણીપીણીની ચીજ-વસ્તુઓના એક્સપોર્ટમાં ક્રમાનુસાર થાઈલેન્ડ -ફ્રાંસ- નેધરલેન્ડ-આર્જેન્ટીના -મલેશિયા-તુર્ક-યુનાઈટેડ કિંગડમ-ઇટાલી વગેરે નામો આવે જેઓ (દરેક) આહાર સંબંધી ચીજ-વસ્તુઓના એક્સપોર્ટમાં વૈશ્વિક કક્ષાએ બે થી ત્રણ ટકા હિસ્સો ધરાવે છે. ખાદ્ય સામગ્રીઓના એક્સપોર્ટમાં બે ટકાથી ઓછો પણ ૧ ટકાથી વધુ હિસ્સો ધરાવતા દેશોની યાદીમાં રશિયા-ન્યુઝીલેન્ડ-જર્મની-વિયતનામ-સ્પેન-યુક્રેન-પોલેન્ડ-ચીલી આવે. એવા પણ દેશો છે જેમનું ખાદ્યસામગ્રીઓનું એક્સપોર્ટ વરસે દિવસે વૈશ્વિક સ્તરે ૧% પણ નથી જેમાં સિંગાપૂર-બેલ્જીયમ-સાઉથ આફ્રિકા-આયરલેન્ડ-પેરૂ-સ્વીઝરલેન્ડ જેવા દેશોનાં નામ લેવાં પડે !









