છોટાઉદેપુરમાં યુવાનને ઉઠાવી જઇ પોલીસે મારતા હોસ્પિટલમાં
યુવાનની પત્નીએ પતિની સારવાર માટે કોર્ટનો આશરો લેવો પડયો
છોટાઉદેપુર તા.૧૧ ફેબ્રુઆરી, ગુરૃવાર
છોટાઉદેપુરના યુવાનને ઘરમાંથી ઉઠાવી જઇ પોલીસે માર મારતા કોર્ટના આદેશથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
છોટાઉદેપુરમાં રહેતી ભરવાડ હિરલે કોર્ટમાં રજૂ કરેલ અરજીમાં જણાવ્યું હતું કે તા. ૧૦ ફેબુ્રઆરીના રોજ રાત્રેે છોટાઉદેપુર પોલીસ મારા પતિ જોગાભાઇને જબરજસ્તીથી પોલીસ સ્ટેશનમાં લઈ જઇ સખત માર મારેલ જેના કારણે તેમને ચાલી શકાતું ન હતું આ અંગે મેં હાજર પોલીસને કહેલ કે મારા પતિને દવા કરાવવા માટે દવાખાને લઈ જાઓ પરંતુ પોલીસના માણસોએ મને યોગ્ય જવાબ ન આપી પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂકી હતી.
મહિલાએ કોર્ટને કહ્યું હતું કે મારા પતિને ક્યાં ગુનામાં અટક કરેલ છે તેની માહિતી પણ પોલીસ આપતી નથી. હાલમાં પોલીસના મારથી મારા પતિથી ચાલી શકાતું નથી. મારા પતિની હાલત પોલીસના મારથી ગંભીર થયેલ હોય તેને તાત્કાલિક સારવાર મળે. હિરલની અરજી સંદર્ભે કોર્ટે હુકમ કરતા ભરવાડ જોગાભાઈને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.