Get The App

ઓઢવ વોર્ડમાં રોડ પર વારંવારના ખોદકામના કારણે રહીશો પરેશાન

- ખોદકામ બાદ રોડને યથાસ્થિતિમાં છોડી દેવાય છે, રોડ રિશરફ્રેશ કરાતો નથી

- ઓઢવ ફાયર સ્ટેશન, નવરંગ સ્કૂલનો માર્ગ ખોદી કઢાતા વાહનચાલકો ત્રસ્ત, તંત્રની અણઆવડત લોકોને ભારે પડી રહી છે

Updated: Feb 6th, 2022

GS TEAM

Google News
Google News
ઓઢવ વોર્ડમાં રોડ પર  વારંવારના ખોદકામના કારણે રહીશો પરેશાન 1 - image

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર

ઓઢવ વોર્ડ ઠેરઠેર ખોદકામના કારણે લોકોની હાલાકીનું કારણ બન્યું છે. મુખ્ય રોડ પર જ પાંચેક ફૂટ ઉંચા માટીના ઢગલા લોકો માટે મુસીબતના પહાડ પુરવાર થઇ રહ્યા છે. ફાયર સ્ટેશનની સામે, છોટાલાલની ચાલીવાળા રોડ પર નવરંગ સ્કૂલ પાસે તેમજ તેની સામેના રોડ પર ખોદી કઢાયેલા રોડ રહીશો માટે યાતનાસભર બન્યા છે. વારંવારના ખોદકામ અને ત્યાર બાદ રોડની મરામત કરવાને બદલે તેને યથાસ્થિતિમાં મુકીને જતી રહેવાની વૃતિ લોકોને પજવી રહી છે.

ઓઢવ વોર્ડમાં ગટર, પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમી છે. ઓઢવ વોર્ડ કોર્પોરેશનમાં ભળ્યાને દાયકાઓ થઇ ગયા છતાંય વિકાસના નામે મિંડું જોવા મળે છે. એક જ જગ્યાએ વારંવાર ગટરો ઉભરાવી, વરસાદી પાણી ભરાવાની સમસ્યા છતાંય તેનું કાયમી નિરાકરણ લાવી શકાયું નથી.

નિરાકરણમાં નામે દર વર્ષે કહો કે દર ત્રીજા મહિને રોડ ખોદી કઢાય છે. એકને એક પ્રકારનું કામ કરાય છે. છતાંય ગટરને લગતી સમસ્યા ઉકેલાતી નથી. ઓઢવ ફાયર બ્રિગેડ સામે પેટ્રોલપંપની બાજુમાં ગટરો ઉભરાવાની બારમાસી સમસ્યા છે. આ વર્ષે આશરે ચારેક વખત રોડ ખોદી કાઢીને મરામત કરાઇ હોવા છતાંય આજેય પણ તે રોડ પર કામકાજ ચાલી રહ્યું છે.

લોકો પુછી રહ્યા છેકે દર વખતે ખાડા ખોદીને કરો છો શું ? પ્રજાના પરસેવાના પૈસાનો આ રીતે બગાડ કરાઇ રહ્યો છે. વધારામાં ટ્રાફિકજામ, ડાયવર્જન જેવી હાલાકી લોકોએ ભોગવવી પડે એ તો વધારાનું.

ઇજનેર વિભાગ પણ ચોક્કસ અને અસરકારક કામગીરી કરવામાં ઉણું ઉતર્યું છે. અધિકારીઓની અણઆવડત છેકે પછી કોન્ટ્રાક્ટરોને પૈસા કમાવી આપવા માટેનું કારસ્તાન ? તે પ્રશ્ન ઓઢવ વોર્ડના દરેક રહીશના મનમાં ઉદભવી રહ્યો છે. એકની એક જગ્યાએ વારંવારના ખોદકામથી લોકો કંટાળ્યા છે.

નવરંગ સ્કૂલની બાજુમાં મોટો ખાડો ખોદીને રોડ બંધ કરી દેવાયો છે.યામિની પાર્ક પાસે પણ આ રીતે મુખ્ય રોડ પર ખાડો ખોદી રોડ બંધ કરાયો છે. પાંચેક ફૂટ ઉંચો માટીનો ઢગલો રોડ પર પડયો છે. આ શું છે ? રહીશોના મતે તેઓ વિકાસ કામોને આવકારે છે પરંતુ ખોડી રીતે, અણઆવડતપૂર્વરક  જાહેર માર્ગો રોકીને પ્રજાની હાલાકી વચ્ચે મહિનાઓ સુધી અને વારંવાર આ પ્રકારના કામો થઇ રહ્યા છે તે સામે સવાલ છે. 

ગટર, પાણી કે પછી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાની હોય તો ૧૦૦ વર્ષ પહેલાનું આયોજન હોવું જોઇએ. અહીંયા તો નવી નાંખેલી ગટર, પાણીની લાઇનો થોડા મહિનાઓમાં ખોદી કઢાય છે. વારંવાર ઠીંગડા મારવા પડે છે. રહીશોનો બીજો પ્રશ્ન એ છેકે ખોદકામ બાદ રોડને યથાસ્થિતિમાં મુકી દેવાય છે. મહિનાઓ સુધી તે રોડના રિસરફ્રેશની કામગીરી થતી નથી. ઓઢવ શાકમાર્કેટ પાસે રોડ તાજેતરમાં ખોદી કઢાયો હતો હાલમાં પણ આ રોડ યથાસ્થિતિમાં પડયો છે. 

વિરાટનગર મ્યુનિ.કોર્પોરેશનની કચેરીથી લઇને છેક રિંગરોડ સુધીનો આશરે ચારેક કિ.મી.નો પટ્ટો અગાઉ ખોદી કઢાયો હતો. હાલમાં આ રોડની યોગ્ય મરામત ન થતા હજારો લોકો ઉબડખાબડ માર્ગ પરથી પસાર થવા મજબૂર છે. સોનીની ચાલીથી છોટાલાલની ચાલી વાળા રોડ પર ખોદકામ ચાલી રહ્યું છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.