તારે સબંધ રાખવો પડશે નહી તો બાળકો ઉઠાવી જઇ મારી નાખીશ
જમાલપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાનું જીવવું ઝેર કર્યું
ઠપકો દેતા માફી માગ્યા બાદપણ પીછો કરી રોમિયોની હેરાનગતિ વધી
અમદાવાદ,રવિવાર
જમાલપુરમાં રહેતી મહિલાને પડોશમાં રહેતો અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોઇપણ રીતે મોબાઇલ નંબર મેળવીને પ્રેમ સબંધ રાખવા માટે ફોેન કરીને દબાણ કરતો હતો. એટલું જ નહી પતિ બીજા રાજ્યમાં નોકરી કરતા હોવાથી મહિલાએ રોમિયોના ત્રાસથી મકાન બદલ્યું હતું. તાજેતરમાં મહિલાના ઘરમાં ઘૂસીને હાથ પકડીને ધમકી આપી હતી કે તારે પ્રેમ સબંધ રાખવો પડશે નહીતર તારા બાળકોને ઉપાડી જઇને મારી નાંખીશ. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ બીજા રાજ્યમાં નોકરી કરતો હોવાથી પરેશાની વધતા મકાન બદલ્યું ઠપકો દેતા માફી માગ્યા બાદપણ પીછો કરી રોમિયોની હેરાનગતિ વધી
આ કેસની વિગત એવી છે કે જમાલપુર વિસ્તારમાં રહીને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી ૨૯ વર્ષની મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં અગાઉ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે મહિલાના પતિ છ મહિનાથી બીજા રાજ્યમાં નોકરી કરતા હોવાથી મહિલા બાળકો સાથે એકલી રહેતી હતી, પહેલા જ્યાં રહેતી હતી ત્યાં પડોશમાં રહેતા અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોઇપણ રીતે મોબાઇલ નંબર મેળવીને પ્રેમ સબંધ રાખવા માટે ફોન કરીને તથા મેસેજ કરીને દબાણ કરતો હતો.
મહિલાએ પતિને વાત કરતા તેણે યુવકને બોેલાવીને ઠપકો આપતા માફી માગી હતી અને મેસેજ ડીલીટ કર્યા હતા. ત્યારબાદ ફરીથી રોમિયોએ હેરાન ગતિ શરુ કરીને ફોન કરીને પ્રેમ સબંધ રાખવાનું કહીને હેરાન કરતો હતો અને મકાનના સ્થળે આવીને હું મહિલાને પ્રેમ કરું છું કહીને બદનામ કરવાની કોશિષ કરતો હતો જેથી કંટાળીને મહિલાએ મકાન બદલવું પડયું હતું. એટલું જ નહી તાજેતરમાં મહિલાના ઘરમાં ઘૂસીને હાથ પકડીને ધમકી આપી હતી કે તારે પ્રેમ સબંધ રાખવો પડશે નહીતર તારા બાળકોને ઉપાડી જઇને મારી નાંખીશ.