મોટા આંતરડાને શુધ્ધ કરતું XOS ફાઈબર વટાણા, નારંગી અને કાચા કેળાની છાલમાંથી શોધ્યું
એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થિનીનું ગટ હેલ્થના સુધારા માટે રિસર્ચ
સ્વાદમાં ગળ્યું હોવાથી ખાંડના સ્થાને પણ તેનો ઉપયોગ કરી શકાય છે
વડોદરા, તા.20 જાન્યુઆરી 2020, સોમવાર
ગટ (મોટુ આંતરડુ) હેલ્થ અને હૃદય રોગને સીધો સંબંધ છે એટલા માટે લોકો અત્યારે પોતાની ગટ હેલ્થ માટે વધુ જાગૃત બન્યા છે. ગટ હેલ્થ ત્યારે જ સારી રહે જ્યારે તેમાં સારા બેક્ટેરિયાની સંખ્યા ખરાબ બેક્ટેરીયાની સરખામણીમાં વધુ હોય. તે માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે. જેને આપણે કચરો સમજી ફેંકી દઈએ છીએ તેવા વટાણા, નારંગી અને કાચા કેળાની છાલ તેમજ મકાઈના ખાલી ડૂંડામાંથી મોટા આંતરડાને શુધ્ધ કરતું ફાઈબર XOS (ઝાયલો ઓલિગો સેકેરાઈડ) શોધી કાઢયું છે, એવું એમ.એસ.યુનિ.ના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન વિભાગના પ્રો.મીની શેઠનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ની ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન વિભાગના પ્રો.મીની શેઠે કહ્યું કે,ભારતમાં ક્યાંય XOS ધરાવતી વસ્તુ ઉપલબ્ધ જ નથી માટે અમે ચીનથી રિસર્ચ માટે મકાઈના ખાલી ડૂંડામાંથી બનેલુ XOS મંગાવ્યું હતું. બીજી તરફ ભારતમાં પ્રથમવાર મૈસુર યુનિ.માં વિદ્યાર્થિનીએ નારંગીની છાલમાં XOS હોવાનું સાબિત કર્યું હતું. પરંતુ એમ.એસ.યુનિ.દુનિયાની પ્રથમ યુનિ. છે જેણે વટાણા, કેળા અને નારંગીની છાલમાંથી XOS હોવાની સાબિતી સાથે લેબમાં ટેસ્ટ કરીને વિવિધ ફૂડ ડીશ જેવી કે ગાજરનો હલવો, ખીર અને પનીર બટર મસાલામાં ઉમેર્યું હતું.
મૂળ આસામની અને એમ.એસ.યુનિ.ના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન વિભાગમાં વર્ષ ૨૦૧૬થી પ્રો.મીની શેઠના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહેલી વિદ્યાર્થિની અબનિતા ઠાકુરિયાએ કહ્યું કે, આલ્કલાઈન એક્સટ્રેક્શન પધ્ધતિથી અમે ફળ-શાકભાજીની છાલમાંથી XOS શોધીને તેની પ્રિ-બાયોટિક પ્રોપર્ટી ચેક કરી હતી. જેમાં તેનો સ્વાદ ગળ્યો હોવાથી ખાંડના સ્થાને લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે છે, જે શરીર માટે ફાયદાકારક છે.
XOS કેવી રીતે બનાવ્યું?
વિદ્યાર્થિની અબનિતાએ કહ્યું કે, આણંદ એૈગ્રિકલ્ચર યુનિ.માંથી અમે મકાઈના ડૂંડા, વટાણા, નારંગી અને કાચા કેળાને ટેસ્ટ માટે લીધા હતા. જેમાંથી તેની બિનઉપયોગી છાલને ઓવનમાં ૬૫થી ૭૦ ડિગ્રી સે.તાપમાને સાતથી આઠ કલાક સુકવીને પાવડર બનાવ્યો હતો. ત્યારબાદ શરીર માટે ફાયદાકારક કેમિકલ પ્રોસેસની મદદથી XOS શોધી કાઢ્યું હતું. પાવડર રુપે રહેલું આ XOS રોજ ૧૦થી ૧૮ ગ્રામ જેટલું ખોરાકમાં લેવું જોઈએ.
શરીરમાં કેવી રીતે ફાયદો કરે
પ્રો.મીની શેઠે કહ્યું કે, પ્રિ-બાયોટિક એ ડાયેટરિ ફાઈબર છે. જે શરીર માટે ખૂબ આવશ્યક છે અને ઘણા બધા ફૂડમાં રહેલું છે. પરંતુ પ્રિ-બાયોટિક ખોરાક રુપે પેટમાં જતા પેટમા રહેલું એસિડ અને નાના આંતરડામાં પહોંચતા આલ્કલાઈન બાઈલ એસિડ તેનો નાશ કરે છે. જ્યારે XOS ને આ કોઈપણ પ્રકારના એસિડની અસર થતી નથી અને સીધું મોટા આંતરડામાં જાય છે. જ્યાં તે શરીર માટે ફાયદાકારક સારા બેક્ટેરિયાને વધારીને ખરાબ બેક્ટેરિયાની માત્રા ઓછી કરે છે. આ સારા બેક્ટેરિયા લીવરમાં જઈને ચરબી ઓછી કરે છે, ઈન્સુલિન રેસિસ્ટન્સમાં સુધારો કરતું હોવાથી ડાયાબિટિસ નિયંત્રણ લાવે છે તેમજ હૃદય રોગનું પ્રમાણ નહિવત્ત કરે છે.
સ્ટાર્ટઅપ માટે બેસ્ટ પ્રોડક્ટ
રોજ મોટા પ્રમાણમાં એગ્રિકલ્ચર વેસ્ટ નીકળતો હોય છે જો તેની પ્રોસેસ કરીને પ્રોડક્ટ બનાવામાં આવે તો સ્વાસ્થય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારતમાં XOS મળતું જ નથી જો સ્ટાર્ટ અપ તરીકે ભારતમાં જ વટાણા, નારંગી અને કાચા કેળાની છાલ, મકાઈના ખાલી ડૂંડા તેમજ શેરડીના કૂચામાંથી XOS ધરાવતો પાવડર બનાવામાં આવે તો લોકોને સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકે છે.
કઈ પ્રોડક્ટમાંથી કેટલું XOS મળી શકે..
પ્રોડક્ટ (૬૦ ગ્રામ) XOS
મકાઈના ખાલી ડૂંડા ૧૮.૭૫ ટકા
નારંગીની છાલ ૨૬ ટકા
કાચા કેળાની છાલ ૧૩.૪૬ ટકા
વટાણાની છાલ ૧૮ ટકા