પૃથ્વી પર ચાર મહાપ્રલય આવી ચૂક્યા પાંચમો પ્રલય માનવ નિર્મિત હશે
૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસની શાળામાં ઉજવણી કરાઈ
પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને કારણે વૃક્ષો પણ વિદેશી ઉગાડવા લાગ્યા છીએ
વડોદરા, તા. 23 એપ્રિલ 2019, મંગળવાર
પૃથ્વી પર અત્યારસુધી ચાર મહાપ્રલય આવી ચૂક્યા છે.પાંચમો પ્રલય માનવ નિર્મિત હશે જેમાં આપણે પગ મૂકી ચૂક્યા છીએ.ધરતી પર સૌથી વધુ ૨૨કરોડ વર્ષ ડાયનોસોર રહ્યા છે અને માત્ર ૧૦ લાખ વર્ષ જૂની માનવ વસ્તીએ સાડા ચાર અબજ વર્ષ જૂની પૃથ્વીની હાલત દયનીય બનાવી દીધી છે.
૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે શાળાના બાળકો માટે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના પર્યાવરણ પ્રેમીએ જણાવ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધાળા અનુકરણને કારણે આપણી ધરતી પર પણ વિદેશી વૃક્ષો ઉગાડવા લાગ્યા છે. માનવી કુદરતનો આતંકી બનીને પૃથ્વીની દુર્દશા કરી રહ્યો છે. તેમણે બાળકોને કહ્યું, પૃથ્વી પર આપણું શહેર એક નાનકડો ટૂકડો છે. પૃથ્વીની ચિંતા કરવી હોય તો શહેરને સ્વચ્છ રાખવું જોઈએ.
વડસર વિસ્તારમાં કચરો ઠાલવવાની સૌથી મોટી જગ્યા હતી અત્યારેપણ જો ત્યાં પાંચથી સાત ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે તો ત્યાં પ્લાસ્ટિક જ મળશે. જે પ્લાસ્ટિકનો નાશ નથી કરી શક્તા એવું શા માટે બનાવવું જ જોઈએ. આપણે જે પ્લાસ્ટિકનો કચરો ધરતી પર ફેંકીએ છીએ તે ૪૦૦ વર્ષ સુધી ઓગળવાનું નથી. હવાનું પ્રદૂષણ અને વધી રહેલું ગરમીનું પ્રમાણ વાહનોના ધૂમાડાને આભારી છે. સીએનજી આવ્યુ છતાં પણ આજે આપણે પેટ્રોલ અને ડીઝલ પર આધાર રાખીએ છીએ. વિશ્વામિત્રી નદીને પણ કેમિકલયુક્ત પાણી છોડીને ગટર બનાવી દીધી છે. ધરતીને પ્રદૂષિત થતી બચાવવા માટે બાળકોને ઘરની આસપાસ તેમજ શાળામાં છાંયડો આપે તેમજ પક્ષીઓ માળો બાંધી શકે તેવા લીમડો, શેતુર, રાયણ, ઓદુંબર, ગોરસ આંબલી, જાંબુ, ચીકુ, કેરી જેવા દેશી વૃક્ષો ઉગાડવાની પ્રેરણા આપી હતી.