વડોદરા,તા.30 વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાં મહિલા પ્રવાસી શૌચાલયમાં ગઇ તે વખતે કોઇ ગઠિયો ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી રોકડ, ત્રણ મોબાઇલ અને દાગીના મૂકેલ પર્સની ઉઠાંતરી કરી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે મુંબઇના સુભાષનગરમાં રહેતા સુરેશભાઇ મોહનલાલ જૈન તા.૧૩ના રોજ બાન્દ્રા-ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પત્ની સાથે બેસી માવલી રેલવે સ્ટેશન જતા હતાં. મળસ્કે વડોદરા રેલવે સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી હતી ત્યારે ઊંઘમાંથી જાગેલા સુરેશભાઇના પત્ની લઘુશંકા માટે ગયા હતાં. તેઓ પરત ફર્યા ત્યારે બ્રાઉન કલરની હેન્ડબેગ સીટ પરથી ગાયબ હતી.
આ બેગમાં રૃા.૧૫ હજાર રોકડા, ત્રણ મોબાઇલફોન, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ તેમજ રાડો કંપનીની ઘડિયાળ મળી કુલ રૃા.૩૮૩૦૦ની મત્તા હતી. આ અંગે સુરેશભાઇ જૈને વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


