શિયાળુ ખેતી કરવી અઘરી બનશે, ૩૦ ડેમો ખાલીખમ,પાણીના પ્રશ્નથી ખેડૂતો ચિંતિત
પાણીના પોકારો ઉઠયાં,ઉનાળો કેવી રીતે જશે....
પાણીના પોકારો ઉઠયાં,ઉનાળો કેવી રીતે જશે....
કેનાલોમાં હજુ પાણી છોડાતુ નથી,પાણી વિના કપાસનો પાક મૂરઝાય છે,ઓછુ ઉત્પાદન થવાની વકી
અમદાવાદ,તા,18,ઓકટોબર,2018,ગુરુવાર
હજુ તો માંડ ચોમાસુ પુરુ થયુ છે ત્યાં અત્યારથી જ રાજ્યમાં ચારેકોર પાણીના પોકારો ઉઠયાં છે. પાણી વિના ખેતી કેવી રીતે કરવી એ પ્રશ્ન સર્જાયો છે. ગુજરાતમાં અત્યારે ૩૦ ડેમો સૂકાભઠ્ઠ બન્યાં છે પરિણામે ઉનાળામાં શુ દશા થશે તેની ખેડૂતો અત્યારથી જ ચિંતા કરવા માંડયાં છે.
શિયાળો હવે ધીરે પગે ડગ માંડી રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યાં છે પણ પાણી વિના ખેતી કેવી રીતે કરવી એ ચિંતા સતાવી રહી છે. પાછોતરા વરસાદને લીધે કેટલાંય ખેડૂતો પાછળથી કપાસનું વાવેતર કરાયુ હતુ તે કપાસને હવે પાણીની જરુર ઉભી થઇ છે.પાણી વિના કપાસ સૂકાઇ રહ્યો છે. આ ઉપરાંત શિયાળુ પાકમાં જીરું,ચણા,લસણ,ઘઉં જેવા પાકો પાણી વિના કેવી રીતે વાવવા એ પ્રશ્ન સર્જાયો છે. પાણીના અભાવે આ વખતે શિયાળુ પાકમાં ઓછુ ઉત્પાદન થઇ શકે છે. મહત્વની વાત એછેકે, હજુ ઘણાં વિસ્તારોમાં કેનાલોમાં નર્મદાનું પાણી છોડાતુ નથી જેથી ખેડૂતો આંદોલન કરવા મજબૂર બન્યાં છે.
ગુજરાતના ડેમોની સ્થિતી જોઇએ તો,૩૦ ડેમો એકદમ સૂકાઇ ગયાં છે. ૯૬ ડેમોમાં એવા છે જેમાં માત્ર ૨૫ ટકાથી ઓછુ પાણી છે. ૩૪ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા સુધી પાણી સંગ્રહાયેલુ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ડેમોમાં ૩૮.૧૯ ટકા પાણી છે જયારે કચ્છમાં સૌથી ખરાબ સ્થિતી છ કેમકે, અહીં માત્ર ડેમોમાં ૧૩.૮૭ ટકા પાણી રહ્યું છે.
દિવાળી પૂર્ણ થતાં જ શિયાળુ પાકની વાવણી શરુ થશે પણ સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વાવણી કરવી ખૂબ જ મુશ્કેલભરી છે કેમ કે, અહીં પાણીની વિકટ સમસ્યા છે. આ વખતે સરકારે શિયાળુ પાક માટે પણ પાણી નહી મળે તેવી જાહેરાત કરવી પડે તો નવાઇ નહીં.