વડોદરામાં સતત બીજા દિવસે ૮૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો
વડોદરાઃ વડોદરામાં બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે આજે સતત બીજા દિવસે સૂસવાટા મારતા પવનો સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ગુરુવારે વડોદરામાં મહત્તમ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આજે પણ એક તબક્કે બપોરે ૩-૪૦ કલાકે પવનની ગતિ વધીને ૮૦ કિલોમીટર સુધી પહોંચી હતી.
વડોદરાવાસીઓની સવાર જ આમ તો જોશભેર ફૂંકાતા પવનો, વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાઓ સાથે થઈ હતી.તોફાની પવનો અને વરસાના કારણે સવારે લોકોને કામ ધંધા પર જવામાં મુશ્કેલી વેઠવી પડી હતી.જોેકે વરસાદી માહોલના કારણે શહેરના તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ગરમીમાંથી કામચલાઉ રાહત મળી હતી.
ગઇકાલની સરખામણીમાં શહેરના મહત્તમ તાપમાનનો પારો ૩ ડિગ્રી નીચે ઉતરીને ૩૪.૪ ડિગ્રી પર પહોંચ્યો હતો.જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૩.૮ ડિગ્રી ઘટયુ હતુ.લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોધાયુ હતુ.વાવાઝોડાની અસરથી હવામાં ભેજનુ પ્રમાણ ૮૬ ટકા રહ્યુ હતુ.પવનની સરેરાશ ઝડપ ૨૦ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.જોકે છુટા છવાયા વરસાદી ઝાપટાઓને બાદ કરતા શહેરીજનોને રાહત રહી હતી.દિવસ દરમિયાન માત્ર ૦.૨ એમએમ વરસાદ નોંધાયો હતો.દરમિયાન વડોદરામાં આવતીકાલે એટલે કે શનિવારે અને રવિવારે પણ વરસાદની અને બંને દિવસ મહત્તમ ૪૫ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે.