પત્નીને સળગાવી દેનાર પતિ જેલમાં ગયો, જેલમાંથી ભાગી બીજા લગ્ન કર્યા તો 10 દિવસમાં પકડાઇ ગયો
વડોદરાઃ શહેરમાં ચાર વર્ષ પહેલાં પત્નીને જીવતી સળગાવી દઇ મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિએ પેરોલ પર છૂટયા બાદ બીજા લગ્ન કરી લેતાં દસ જ દિવસમાં પકડાઇ ગયો હતો.
આજવારોડ એકતાનગર ખાતે રહેતા ગુલઝારસિંગ નેપાલસિંગ સિકલીગરે ગઇ તા.૨૭-૧-૨૦૧૮ના રોજ જુગાર માટે રૃપિયા નહિં આપનાર પત્ની સાથે ઝઘડો કરી તેને કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી.જેથી બાપોદ પોલીસે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી હતી.
હત્યારા ગુલઝારસિંગને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.જ્યાંથી તેના ૧૫ દિવસ માટે પેરોલ મંજૂર થતાં તા.૬-૫-૨૦૨૨ના રોજ તે જેલમાંથી છૂટયો હતો.તેને તા.૨૨-૫-૨૦૨૨ના રોજ હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો નહતો અને વડોદરા છોડી ભાગી ગયો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તેને શોધી રહી હતી ત્યારે ગુલઝારસિંગ હૈદરાબાદમાં હોવાની અને દસ દિવસ પહેલાં જ તેણે બીજા લગ્ન કર્યા હોવાની વિગતો મળતાં પીએસઆઇ કે જે વસાવા અને ટીમે વેશપલ્ટો કરી બે દિવસ વોચ રાખીને તેને દબોચી લીધો હતો.ગુલઝારસિંગને સેન્ટ્રલ જેલને હવાલે કરવાની તજવીજ કરાઇ છે.