Get The App

એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં પત્નીનું મૃત્યુ, પતિને ઈજા

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં પત્નીનું મૃત્યુ, પતિને ઈજા 1 - image

ધરણીધર બ્રીજ ઉપર સાંજે જીવલેણ અકસ્માત

રિક્ષાએ ટર્ન લેતા ત્રિપલ અકસ્માત: એરપોર્ટ જતા વેપારીની કારને પાછળથી બે કારની ટક્કર 

અમદાવાદ : ધરણીધર બ્રીજ ઉપર એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં દંપતિ ખંડીત થયું છે. મેઘાબહેન ભાવસાર નામના મહીલાનું મૃત્યુ નિપજ્યું છે અને તેમના પતિ કીર્તિભાઈને ઈજા પહોંચી હતી.

જ્યારે, ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે રિક્ષાચાલકની ઉતાવળથી ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાલડી, ચંદ્રનગરના કોમલ એન્કલેવમાં રહેતા કીર્તિભાઈ નગીનદાસ ભાવસાર અને તેમના પત્ની મેઘાબહેન શનિવારે રાત્રે વસ્ત્રાપુરમાં મિત્રના ઘરે જવા માટે નીકળ્યા હતા.

રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ધરણીધર બ્રિજ મધ્યભાગમાંથી પસાર થતા હતા ત્યારે પાછળથી એસ.ટી. બસે એક્ટિવાને ટક્કર મારી હતી. દંપતિ પટકાતાં ઈજા પામ્યું હતું અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ જવાયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 42 વર્ષના મેઘાબહેનનું મત્યુ નિપજ્યું હતું.

જ્યારે, પાંસળી અને જમણા હાથે ઈજા પામેલા કીર્તિભાઈને સારવાર અપાઈ રહી છે. ટ્રાફિક એન્ ડીવિઝન પોલીસે એસ ટી બસના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. ગુલબાઈ ટેકરા પાસે પ્રેયસ સોસાયટીમાં રહેતા વેપારી કિલ્લોલભાઈ ગૌતમભાઈ કોન્ટ્રાક્ટર સવા છ વાગ્યાના અરસામાં તેમના મોટા ભાઈ જયભાઈ સાથે એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા.

સરદાર બાવલા સિગ્નલ ચાલુ થતાં ઉસ્માનપુરા તરફ જતા અંદાજે 50 મીટરના અંતરે આગળ જતી ઓટો રિક્ષાના ચાલકે અચાનક જ ટર્ન લગાવ્યો હતો.  રિક્ષાએ અચાનક જ ટર્ન લગાવતાં કિલ્લોલભાઈએ પોતાની કારને બ્રેક  લગાવી હતી. કિલ્લોલભાઈની કારની પાછળ એક પછી એક બે કાર જોરથી ટકરાઈ હતી. પાછળથી બે કારે ટક્કર મારતાં કારને નુકસાન થયાની પોલીસ ફરિયાદ કિલ્લોલભાઈએ નોંધાવી છે.