વિધવા સહાય યોજના તરફથી મળતું પેન્શન છેલ્લા ૧૦ મહિનાથી મળ્યું નથી
માંજલપુરમાં રહેતા વિધવાની ફરિયાદ
અનેક રજૂઆત કરવા છતાં લોકડાઉનથી બંધ થયેલું પેન્શન હજુ જમા થયું નથી
વડોદરા, તા. 1 જાન્યુઆરી 2021, શુક્રવાર
માંજલપુર વિસ્તારમાં રહેતા સંધ્યાબેન સુરેશચંદ્ર શાહ છેલ્લા પાંચ વર્ષથી માંજલપુર પોસ્ટ ઓફિસ તરફથી વિધવા સહાય પેન્શન મેળવે છે. પરંતુ માર્ચથી એટલે કે છેલ્લા ૧૦ મહિનાથી તેમને પેન્શન મળ્યું નથી.
સંધ્યાબેને કહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના ત્રણ મહિનામાં કેન્દ્ર સરકાર તરફથી પેન્શન જમા કરવામાં આવ્યું નહોતું. જ્યારે હું જૂનમાં પોસ્ટમાં પેન્શન લેવા ગઈ ત્યારે જમા ન થતા માંજલપુર મામલતદારને મળવાનું કહ્યું હતું. જેથી પેન્શનના તમામ કાગળો ૧૦મી ઓગસ્ટે મામલતદાર પાસે રજૂ કરી દીધા હતા. ત્યારબાદ જરુરી કાગળો સાથેની અરજી ૭મી સપ્ટેમ્બરે કલેક્ટરને કરી હતી. મામલતદારને રુબરુ મળવા ગઈ ત્યારે તેમણે કહ્યું કે મારી અરજી ગાંધીનગર મંજૂરી માટે મોકલી દીધી છે.
ગ્રાન્ટ આવશે ત્યારે તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. હવે ખબર નહીં આ ગ્રાન્ટ ક્યારે આવે અને ક્યારે મારા એકાઉન્ટમાં પૈસા જમા થશે? ઉલ્લેખનીય છે કે ફક્ત સંધ્યાબેન જ નહીં આવી કેટલીય વિધવા મહિલાઓ છે જે વિધવા સહાય યોજના તરફથી મળતા પેન્શન ઉપર પોતાનું ઘર ચલાવી રહ્યા છે ત્યારે તેઓને છેલ્લા ૧૦ મહિનાથી પેન્શન ન મળતા નિઃસહાય બની ગયા છે. તેઓને જલદી પેન્શન મળે તેવા સરકારે પ્રયત્ન કરવા જોઈએ.