હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે ત્યારે કેથલેબ તોડવા કેમ કાઢી ?
- VSના મુદ્દે કોંગ્રેસે આંદોલનની ચેતવણી ઉચ્ચારી
- ગાયનેક વોર્ડ ખસેડી નાખ્યો એનો અર્થ એ થયો કે બિલ્ડિંગ પણ તોડાશે ? ડુપ્લીકેટ કોરોનાના ઇંજેકશનમાં પણ SVP-VS સામે શંકા ઊઠી છે
અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર
કોરોનાના કેર વચ્ચે ઐતિહાસિક અને એક જમાનાની દેશભરમાં સુખ્યાત થયેલી વી.એસ. હોસ્પિટલનો વહિવટ જ જાણે કે વેન્ટીલેટર ઉપર છે. હાઇકોર્ટે વી.એસ. અંગે જવાબ રજૂ કરવા એક તરફ સરકારને નોટિસ આપી છે ત્યારે બીજી તરફ વી.એસ.ના બોર્ડમાં કેથલેબની કિંમતી મશીનરી વેચી મારી મકાનને તોડવાની દરખાસ્ત પાસ કરવામાં આવે છે. આ નિર્ણયને કેસ ચાલી રહ્યો છે ત્યારે મુલત્વી રાખવાની માગણી સાથે કોંગ્રેસે આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટમાં 500 બેડ સાથે હોસ્પિટલ ચાલુ હોવાનો દાવો કરાયો છે. બીજી તરઉ કેથલેબની સામગ્રી અને કિંમતી મશીનરીને હરાજીથી વેચવા 60 લાખની નજીવી તળીયાની કિંમત મૂકવામાં આવી છે.
ગાયનેક વોર્ડની જગ્યા જર્જરિત હોવાના રિપોર્ટના આધારે ટ્રોમાવોર્ડના નવા બિલ્ડીંગમાં ગાયનેક વોર્ડ ખસેડવામાં આવ્યો છે. એટલે એ બિલ્ડીંગ તોડવા માટેની તૈયારીઓ પણ થશે તેમ જણાય છે. વી.એસ.ના મહત્વના વિભાગો છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવાયાનો આક્ષેપ કરી દરિયાપુરના ધારાસભ્ય એ જણાવ્યું છે કે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ શોધ્યો જડતો નથી.
મહાત્મા ગાંધીના આશીર્વાદથી અને સરદાર પટેલના પ્રયાસોથી 1931થી વી.એસ. હોસ્પિટલ ગરીબ દર્દીઓની સેવામાં કાર્યરત થઇ હતી. જેને બંધ કરવાના કે તોડવાના પ્રયત્નો સામે આંદોલન કરવામાં આવશે. તે સમયના કમિશનરે જાહેરમાં કહ્યું હતું કે 500 બેડની સુવિધા સાથે હોસ્પિટલ ચાલુ રાખવામાં આવશે અને તેમાંથી એક ખિલી કે ટાંકણી પણ અન્યત્ર લઇ જવાશે નહીં.
આ જાણીતી હોસ્પિટલની હાલ એવી સ્થિતિ છે કે જવાબદાર લોકો જ 1 વાગ્યા પછી ગૂમ થઇ જાય છે. ડુપ્લીકેટ કોરોના ઈંજેકશનની બાબતમાં એસવીપી અને વીએસ સામે શંકાની સોય તાકવામાં આવે છે. ત્યાંના કર્મચારીઓના જ બહાર મેડિકલ સ્ટોર ચાલતા હતા, હમણાં બંધ છે. આ તમામ બાબતો વિચિત્ર છે.