Get The App

મોટેરા સ્ટેડિયમ-રોડ શોમાં લોકો લાવવા ક્યાંથી ? નેતાઓને પરસેવો છૂટયો

- ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા

- કાર્ડ વિના સ્ટેડિયમમાં પ્રવેશ નહીં તે સિસ્ટમને કારણે ભીડ એકઠી કરવી અઘરૂં, ભાજપના નેતાઓનું પાણી મપાઇ જશે

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
મોટેરા સ્ટેડિયમ-રોડ શોમાં લોકો લાવવા ક્યાંથી ? નેતાઓને પરસેવો છૂટયો 1 - image

ઝૂંપડપટ્ટી, કારખાનામાંથી પૈસા આપીને લોકોને લાવવા ટેવાયેલાં નેતાઓને પુરાવાના અભાવે સ્ટેડિયમ પર લઇ જવા માણસો ય મળતા નથી

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી, 2020, શનિવાર

ચૂંટણીની સભા હોય કે,સરકારનો કોઇ અન્ય કાર્યક્રમ હોય. ભીડ ભેગી કરવીમાં ભાજપને કોઇ પહોંચી શકે તેમ નથી. પણ પહેલીવાર એવું બન્યુ છેકે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકેોને એકઠા કરવામાં ય ભાજપના ધારાસભ્યો,સાંસદો અને નેતાઓને રીતસર આંખે અંધારા આવ્યા છે.

કેમકે, નામ નોંધણી  બાદ કાર્ડ સિસ્ટમથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. અત્યાર સુધી ઝૂંપડપટ્ટી કે કારખાનાના ગરીબ મજૂરોને લાવીને ભીડ ભેગી કરવા ટેવાયેલાં ભાજપના નેતાઓને હવે નામ,નોંધણી કર્યા બાદ કાર્ડ સિસ્ટમથી લોકોને સ્ટેડિયમ સુધી લાવવામાં ધોળા દિવસે તારા દેખાઇ રહ્યાં છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખ લોકોને સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવા ભાજપના ધારાસભ્યો,સાંસદો અને પ્રદેશના નેતાઓને ટાર્ગેટ અપાયાં છે. અત્યાર સુધી તો આંગણવાડીની બહેનો, આશા વર્કરો, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વેચ્છિક સંગઠનો પર દબાણ કરીને ભીડ કરવામાં આવી રહી હતી.

આ  ઉપરાંત ચૂંટણીની સભા, સરકારી કાર્યક્રમ હોય તો ઝૂંપડપટ્ટીની ગરીબ જનતા, કારખાના-ફેકટરીમાં કામ કરતા ગરીબ મજૂરો રાજકીય નેતાઓનો સોફ્ટ ટાર્ગેટ હોય છે પણ આ વખતે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને પગલે સિક્રેટ સર્વિસ એજન્ટો સુરક્ષાના મામલે જરાય બાંધછોડ કરવા માંગતા નથી.  મોટેરા સ્ટેડિયમ હોય કે રોડ શો, નામ,નોંધણી બાદ ખાસ પ્રવેશ કાર્ડ આધારે જ પ્રવેશ આપવા નક્કી કરાયુ છે.

આધારકાર્ડ સહિતના પુરાવા રજૂ કર્યા બાદ રજીસ્ટ્રેશન કરાય છે પછી જ પ્રવેશ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. ભાજપના નેતાઓ માટે હવે અગ્નિ પરિક્ષા છે કેમકે, કેટલાંય ગરીબો એવાં છે કે,જેમની આધારકાર્ડ સહિતના પુરાવા જ નથી. આ જોતાં ભાજપના નેતાઓને સ્ટેડિયમ અને રોડ શોમાં લઇ જવા માણસો ય મળતાં નથી. ઘણાં પુરાવાની માથાકૂટમાં જ પડવા માંગતા નથી.

પ્રદેશ નેતાગીરીએ તો ટાર્ગેટ આપી દીધા છે પણ કાર્ડ સિસ્ટમને કારણે એટલી બધી મુશ્કેલી પડી રહી છેકે, ભાજપના નેતાઓને આંખે અંધારા આવ્યા છે. ચા,પાણી,નાસ્તા ઉપરાંત આિર્થક મદદની લાલચ આપવામાં આવી હોવા છતાંય માણસો મળતા નથી.

સૌથી મોટુ કારણ એ પણ છેકે, વિદેશ જેવી શિસ્તબદ્ધ સિસ્ટમથી ગુજરાતીઓ ટેવાયેલાં નથી. તેમાં ય ભાજપના કાર્યકરો તો નહીં જ. જોકે, નમસ્તે સ્ટેડિયમમાં પ્રવેશ કાર્ડને સ્કેન કર્યા બાદ જ પ્રવેશ મળશે જેથી આડેધડ રીતે ભીડ ભેગી નહી કરી શકાય છે.  આ જોતા નમસ્તે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવામાં ભાજપના નેતાઓનું પાણી મપાઇ જશે.