ચિલોડા-હિંમતનગર માર્ગના બ્રીજની અધુરી કામગીરી ક્યારે પુર્ણ કરાશે..?
છેલ્લા બે વર્ષથી કામ બંધ હોવાના કારણે વાહનચાલકોને અનેક
હાડમારીનો સામનો કરીને અવર જવર કરવી પડે છે
ગાંધીનગર:
કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉન વખતે ચિલોડાથી હિંમતનગર જતાં માર્ગની
કામગીરી બંધ કરવામાં આવી હતી. લોકડાઉન પુર્ણ થયાં બાદ આ કામગીરી શરૃ નહીં કરાતાં
સમગ્ર માર્ગ ઠેર ઠેર ઉબડ ખાબડ બની ગયો છે તો અધુરી કામગીરીના કારણે અવર જવર કરતાં
વાહનચાલકોને પણ હેરાન પરેશાન થઇને પસાર થવું પડે છે. બિસ્માર બનેલાં માર્ગ ઉપર
જીવના જોખમે અવર જવર કરવી પડે છે. તો બ્રીજની અધરૃ કામગીરી પણ વાહનચાલકો માટે
જોખમી બની રહી છે. સત્વરે કામગીરી શરૃ થાય તેવી માંગણી માર્ગની આસપાસ આવેલાં
ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો દ્વારા કરાઇ છે.
ચિલોડાથી હિંમતનગર તરફ જતાં માર્ગના નવીનિકરણની કામગીરી
તંત્ર દ્વારા શરૃ કરવામાં આવી હતી. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉન
વખતે કામગીરી બંધ કરવામાં આવી હતી. તો લોકડાઉન પુર્ણ થયાં બાદ પણ અધુરી મુકાયેલી
કામગીરી શરૃ નહીં કરાતાં અવર જવર કરતાં વાહનચાલકોની હાલત કફોડી બની જવા પામી છે. આ
માર્ગ ચોમાસાની મોસમમાં સંપુર્ણ પણે ધોવાઇ જતાં ઠેકઠેકાણે મસ મોટા ખાડા પડી ગયા
છે. તો બિસ્માર બનેલાં આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો પણ અકસ્માતના ભયે અવર
જવર કરી રહ્યાં છે. રાત્રીના સમયે વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. તો
માર્ગની બંને તરફ કામગીરીના ભાગરૃપે ખોદવામાં આવેલાં ખાડા પણ વાહનચાલકો માટે જોખમી
બન્યાં છે. માર્ગની પાસે આવેલાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ તંત્રની આ ઢીલી નીતિ
સામે રોષ ઠાલવી રહ્યાં છે. તો બીજી તરફ મહુન્દ્રા ચાર રસ્તા તેમજ ગીયોડ મંદિર સહિત
હિંમતનગર સહિતના માર્ગ ઉપર જે બ્રીજની કામગીરી શરૃ કરવામાં આવી હતી તે પણ છેલ્લા
બે વર્ષથી બંધ હોવાના કારણે વાહનચાલકોને અનેક હાડમારીનો સામનો કરીને અવર જવર કરવી
પડી રહી છે તો સત્વરે કામગીરી શરૃ કરીને નવો માર્ગ બનાવવામાં નહીં આવે તો ગંભીર
અકસ્માત સર્જાવાનો ભય પણ સતાવી રહ્યો છે.