ઇમામબક્ષના ફાર્મહાઉસમાં દરોડો કારતૂસ સહિતના હથિયારો મળ્યા
નાની દમણ અને વડુ પોલીસે વડોદરા શહેરના ચર્ચાસ્પદ નિવૃત્ત પોલીસ કર્મચારીને ત્યાં દરોડો પાડયા બાદ ઇમામબક્ષ સહિત બેની ધરપકડ ઃ સુરેશ વોન્ટેડ
પાદરા તા.૨૨ જાન્યુઆરી, બુધવાર
નાની દમણમાં હત્યા કરી બુટલેગર પાદરા તાલુકાના મોભા ગામે વડોદરા શહેર પોલીસના ચર્ચાસ્પદ નિવૃત્ત કોન્સ્ટેબલ ઇમામબક્ષના ફાર્મહાઉસની ઓરડીમાં છુપાયો હોવાની બાતમીના આધારે નાની દમણ તેમજ વડુ પોલીસે દરોડો પાડતા ઓરડીમાંથી બુટલેગર ઝડપાયો ન હતો પરંતુ કારતુસનો મોટો જથ્થો, બટ, ભાલો સહિતના હથિયારો તેમજ એક કાર મળતા પોલીસે કબજે કરી ઇમામબક્ષ તેમજ અન્ય એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે નાની દમણ વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી બુટલેગર સુરેશ ઉર્ફે સુખો જગુભાઇ પટેલ મોભા ગામની સીમમાં ઇમામબક્ષ બલોચના ફાર્મહાઉસમાં બનાવેલી ઓરડીમાં રોકાયો છે તેવી બાતમીના આધારે નાની દમણ પોલીસ સ્ટેશનના પીઆઇ લીલાધર મકવાણા વડુ પોલીસને સાથે રાખી ફાર્મહાઉસમાં તપાસ કરતા ત્યાં પ્રદ્યુમન જશભાઇ પટેલ (રહે.મોભા) મળ્યો હતો. બાદમાં પોલીસે ઇમામબક્ષ અને પ્રદ્યુમનને લઇને ખેતરના મકાનને કોર્ડન કરી તપાસ કરતા હત્યાના ગુનામાં સંડોવાયેલો સુરેશ ઉર્ફે સુખો મળ્યો ન હતો.
પોલીસે ઇમામબક્ષના મકાનમાં ઝડતી કરતા નાના કબાટમાંથી કારતુસોનો મોટો જથ્થો, રિવોલ્વરનું લાયસન્સ, લાયસન્સ માટેની ત્રણ અરજી, બટ તેમજ કબાટના પાછળના ભાગેથી ભાલો મળ્યો હતો. ખેતરમાં સફેદ કલરની મારૃતી સ્વીફ્ટ કાર પણ મળી હતી. પોલીસે પ્રદ્યુમનની પૂછપરછ કરતા કાર સુરેશ ઉપયોગ કરે છે તેમજ પોતે ખેતી અને ખેતરમાં આવેલા મકાનની દેખરેખ રાખતો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે વડુ પોલીસે ઇમામબક્ષ ઉમરખાન બલોચ (રહે.મુર્તુજા પાર્ક, તાંદલજા રોડ) અને પ્રદ્યુમન જશભાઇ પટેલ (રહે.મોભા)ની ધરપકડ કરી હતી જ્યારે સુરેશ ઉર્ફે સુખો જગુભાઇ પટેલ (રહે.મૈત્રા રામબાણ મુળ રહે.ભીમપોર કુંડ ફળિયા, નાની દમણ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.