'આપણે વરસાદી પાણીના માત્ર ૧૦ ટકા જ પાણી સાચવી શકીએ છીએ'
સોક્લીન દ્વારા જલ આજ ઔર કલ પરિસંવાદનું આયોજન
વિવિધ ગામના તલાટી, સરપંચ, યુનિ. અને ઔદ્યોગિક એકમોના ૧૫૦ લોકો ભાગ લેશે
વડોદરા, તા. 6 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
સોક્લીન દ્વારા દર વર્ષે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાય છે જેમાં આ વર્ષે પાણીને ધ્યાનમાં રાખીને તા.૮ના રોજ 'જલ આજ ઔર કલ' વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે લોકોએ સોક્લીનમાં વિનામૂલ્યે નામ રજિસ્ટર કરાવવું પડશે.
સંસ્થાના સભ્યે કહ્યું કે, વિશ્વમાં શુધ્ધ પાણીના જથ્થા પૈકી માત્ર ૪ ટકા જ જળ ભંડાર ભારત પાસે છે. બીજી તરફ આપણે વરસાદી પાણીના માત્ર ૧૦ ટકા પાણીને જ સાચવી શકીએ છીએ કારણકે તળાવો, સરોવરો, કૂવા, ડેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે. જેથી દેશનો સમાવેશ પાણીની તંગી સામે ઝઝૂમતા દેશોની શ્રેણીમાં આવ્યો છે. જળ સંપત્તિને બચાવવા માટે તેના ઉપાયો અને તેનું અમલીકરણ થાય તે હેતુથી આ સેમિનાર યોજાયો છે. જેમાં વિવિધ ગામના તલાટી, સંરપંચ, યુનિ.ના વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને ઔદ્યોગિક એકમોના ૧૫૦ લોકો ભાગ લેવાના છે. ચેન્નઈ, પૂણા અને એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા પેપર પ્રેઝન્ટેશન થશે. ઉપરાંત પર્યાવરણવિદો પણ સેમિનારમાં ભાગ લેશે.