આજવાથી ૭૧ કરોડના ખર્ચે પાણીની મોટી લાઇન નખાશે
પાણીની ડિમાન્ડમાં વધારો થતા
૫૦ એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ ઊભો કરાશે
વડોદરા,તા.3 ફેબ્રુઆરી 2020, સોમવાર
વડોદરામાં પાણીની વધતી જતી ડિમાન્ડ સામે પાણી પુરવઠો સુદ્રઢ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવાથી ૬૦ ઇંચ ડાયામીટરનો વ્યાસ ધરાવતી મોટી લાઇન નાખવાની છે.
આ કામગીરી રૃા.૭૧ કરોડના ખર્ચે થવાની છે. અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે, તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષનું કહેવું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ માટે ૫૦ એમએલડી ક્ષમતાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત આજવા રોડ નેશનલ હાઇવેથી સોમાતળાવ થઇ લાલબાગ સુધી નવી પાણીની લાઇનની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે જાંબુડિયાપુરા (બાપોદ)માં પાણીની નવી ઓવરહેડ ટાંકીનું આયોજન હાથ ધરાયું છે.