ગુજરાતના ૮૪ જળાશયોમાં ૧૦ ટકાથી ઓછું જળસ્તર
-૨૦૭ જળાશયોમાં સરેરાશ ૪૭.૫૨ જળસંગ્રહ
-સરદાર સરોવરમાં જળસ્તર ૪૭.૫૨ ટકાઃ સૌરાષ્ટ્રમાં હવે માત્ર ૧૯ ટકા જળસ્તર
અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં હવે
નૈઋત્યના ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે ત્યારે જળાશયોમાં જળસ્તર હવે
ઘટીને ૩૯.૦૩ થઇ ગયું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૪૭.૫૨ ટકા જળસંગ્રહ
છે.
પ્રાપ્ત માહિતી
અનુસાર ગુજરાતના ૨૦૬ જળાશયોમાંથી માત્ર ૧ માં જળસ્તર ૯૦ ટકાથી વધુ છે. ૩માં ૭૦ ટકાથી
૮૦ ટકા જ્યારે ૨૦૨માં ૭૦ ટકાથી ઓછું જળસ્તર છે. મોરબીમાં મચ્છુ-૩ એકમાત્ર એવો ડેમ છે
જ્યાં સૌથી વધુ ૯૩.૭૯ ટકા જળસ્તર છે. અન્ય જળાશયો જ્યાં જળસ્તર ૭૦ ટકાથી વધુ છે તેમાં મહીસાગરના વણાકબોરી, કચ્છના કાલાઘોડા, સુરેન્દ્રનગરના
ધોળી ધજા, મોરબીના ઘોડોધ્રોઇનો સમાવેશ થાય છે. ૧૩ જળાશયો ખાલીખમ છે જ્યારે ૮૪ જળાશયોમાં
જળસ્તર ૧૦ ટકાથી પણ ઓછું છે. ગુજરાતમાં એક મહિના અગાઉ ૫ મેના સરેરાશ ૪૪.૬૫ ટકા જળસંગ્રહ
હતું. આમ, એક મહિનામાં પાંચ ટકા જળસંગ્રહ ઘટયો છે.
રીજિયન પ્રમાણે
જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો ૧૯.૦૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૩૯.૧૮
ટકા જળસંગ્રહ છે. અન્યત્ર ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો ૩૩.૧૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો
૩૨.૮૧ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૨૬.૬૭ ટકાનો જળસંગ્રહ ધરાવે છે. જોકે, ઘટતાં જળસ્તર છતાં
પીવાના અને ખેતી માટેના પાણીમાં કોઇ જ સમસ્યા નહીં નડે તેવો સરકાર દ્વારા દાવો કરાયો
છે.