ઠાસરા તાલુકાના કેરીપુરા ગામમાં 15 દિવસથી પાણી ન મળતા રઝળપાટ
- ભરઉનાળે તરસે મરતા 850થી વધુ લોકો
- પાણીની ટાંકીનું મેઇન્ટનન્સ બરાબર ન થતા પાઈપલાઇનો જર્જરિત ને વાલ્વ પણ બગડી ગયા
ઠાસરા
ઠાસરા તાલુકાના છેવાડે આવેલા કેરીપુરા ગામના ગ્રામજનો છેલ્લા ૧૫ દિવસથી પાણી વગર વલખા મારી રહ્યા છે. સ્થાનિક તંત્રની બેરદકારીને લીધે ભરઉનાળે ગ્રામજનો પીવાના પાણી માટે અહીંથી તહીં ભટકી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.
મળતી માહિતી પ્રમાણે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતરસુંબા ગ્રામ પંચાયતના કેરીપુરા ગામમાં ૮૫૦થી વધુ લોકો રહે છે. બ્રિટિશકાલીન હોવાથી આ ગામમાં ૧૨૦ વર્ષ પહેલાં બ્રિટિશ સરકારની કોઠી હતી. થોડાં વરસ પહલાં વાસ્મો યોજના આવી ત્યારે આ ગામના લોકો પાસેથી પણ ૧,૪૦,૦૦૦ રૂપિયાનો લોકફાળો ઉઘરાવીને યોજના સાકાર કરવામાં આવી હતી. ગામના જાગ્રત નાગરિકો જણાવી રહ્યા છે તે પ્રમાણે ગામની પાણીની ટાંકીનું મેઈન્ટેનેન્સ બરાબર કરવામાં નથીઆવ્યું. પાણીની પાઈપલાઈનો અત્યંત જર્જરિત થઈ ગઈ છે. ઠેરઠેર વાલ્વ બગડી ગયા છે. ત્રણ મુખ્ય સ્થાને બગડેલા વાલ્વ બદલવા માટે કેરીપુરાના આગેવાનો ચેતરસુંબાના સરપંચને મળીને રજૂઆત કરી આવ્યા હતા. ઘણા લાંબા સમયથી આ સમસ્યા હોવાથી અને વારંવાર રજૂઆત કરીને સરપંચ દ્વારા આ સમસ્યા તરફ ધ્યાન ન અપાતું હોવાનો આક્ષેપ પણ ગામના આગેવાનો કરી રહ્યા છે.